Sunday, May 5, 2024
More
    હોમપેજદેશજાતિગત ભેદભાવથી પરે એક ધર્મ, મહિલાઓને માન-સન્માન અને સમાન અધિકાર: જાણીએ કેમ...

    જાતિગત ભેદભાવથી પરે એક ધર્મ, મહિલાઓને માન-સન્માન અને સમાન અધિકાર: જાણીએ કેમ ‘હિંદવી સ્વરાજ્ય’ના સંસ્થાપક છત્રપતિ શિવાજી ભારતના ઘડવૈયા પૈકીના એક

    ગુરુ રામદાસના ઉપદેશોથી પ્રેરિત થઈને શિવાજીએ તમામ હિંદુઓની એકતાને પ્રોત્સાહન આપ્યું અને 'સનાતન ધર્મ'નો પ્રચા કર્યો. જેનો અર્થ એ થયો કે જાતિગત ભેદભાવથી મુક્ત એવા ઉદાર ધર્મને પ્રોત્સાહન આપવું, જેમાં મહિલાઓને માન-સન્માન અને અધિકાર આપવા, કર્મકાંડ પર ભક્તિને પ્રાધાન્ય આપવું વગેરે મુખ્ય તત્વો હતા.

    - Advertisement -

    છત્રપતિ શિવાજી મહારાજ ભારતના ઘડવૈયા પૈકીના એક એવા સાહસી અને સંકલ્પિત યોદ્ધા હતા, જેમણે 17મી સદીમાં ‘હિંદવી સ્વરાજ્ય’ના સંસ્થાપક રૂપે ઐતિહાસિક કાર્ય કર્યું. 6 જૂન 1674ના રોજ અપૂર્વ ભવ્યતા સાથે, તેઓ છત્રપતિ, ‘સર્વોચ્ચ સંપ્રભુ’ના રૂપે સિંહાસન પર વિરાજમાન થયા. છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક ભારતીય ઈતિહાસનો એક મહત્વપૂર્ણ વળાંક હતો, જેનાથી સંપ્રભુ અને શક્તિશાળી હિંદુ સામ્રાજ્યનો પાયો નંખાયો.

    આ સામ્રાજ્ય ગુપ્ત, મૌર્ય, ચૌલ, અહોમ અને વિજયનગર સામ્રાજ્યને જેમ જ શક્તિશાળી, સુસંગઠિત અને સુશાસિત હતું. છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને શક પંચાંગ અનુસાર ‘શિવરાજ્યાભિષેક સોહલા’ના રૂપે ઓળખવામાં આવે છે.

    હિંદુઓની ચોટી અને ગરીબની રોટી-બેટીના રક્ષક છત્રપતિ શિવાજી સંસ્કૃતિક રાષ્ટ્રવાદના અગ્રદૂત હતા. કવિ ભૂષણે શિવરાજભૂષણ અને શિવા બાવની જેવી રચનાઓમાં છત્રપતિ શિવાજી મહારાજની દેશભક્તિ, વીરતા અને પ્રજાવત્સલતાનું વિસ્તારમાં વર્ણન કર્યું છે.

    - Advertisement -

    ભારતીય ઇતિહાસમાં મહાન રાજાઓ, બહાદુર યોદ્ધાઓ અને દૂરદર્શી નેતાઓની લાંબી સૂચી છે. તેમાં છત્રપતિ શિવાજી મહારાજનું અસાધારણ જીવન અદમ્ય સાહસ, અદ્વિતીય નેતૃત્વ ક્ષમતા, દ્રઢ સંકલ્પ અને લોક કલ્યાણકારી સંવેદનશીલ તેમજ પ્રશાસનનું એક પ્રતિક છે.

    વિભાજીત અને પરાજિત હિંદુ સમાજ નિરાશ અને હતાશ હતો. લાંબા ઇસ્લામી શાસને તેને અસહાય, આત્મવિશ્વાસહીન અને અસ્થિર કરી નાંખ્યો હતો. ભારતનું બૌદ્ધિક પરિદ્રશ્ય ક્રમશઃ ઉજ્જડ થઈ રહ્યું હતું અને સાંસ્કૃતિક સૂર્ય અસ્ત થવા તરફ આગળ વધી રહ્યો હતો. તેવામાં ‘મ્લેચ્છક્રાંત દેશેષુ’ જેવા વિષમ વાતાવરણમાં ધૂમકેતુની જેમ ભારત માતાના દેશભક્ત સપૂત શિવાજીનો ઉદય થાય છે.

    તેમણે એક મહાન ‘હિંદવી સામ્રાજ્ય’ની સ્થાપના કરતા વિભાજનકારી અને દમનકારી ઇસ્લામી શાસનનો પ્રતિરોધ કર્યો. તેમણે રાષ્ટ્રીય સત્ર પર હિંદુ ધર્મનું પુનરૂત્થાન અને પ્રસાર સુનિશ્ચિત કર્યો. પોતાની માતા જીજાબાઈ, સમર્થ ગુરુ રામદાસ અને ભારતના અન્ય સંતોં અને સ્મરતોના ઉચ્ચતમ આદર્શોથી પ્રેરિત થઈને, તેમણે ન માત્ર હિંદુઓની સુષુપ્ત ચેતનાને જાગૃત કરી, પરંતુ તેમને સંગઠિત કરીને મુઘલ શક્તિને સામો અને સીધો પડકાર ફેંક્યો હતો.

    શિવાજીએ એક સાર્વભૌમ અને સ્વદેશી સામ્રાજ્યની સ્થાપના કરી જેમાં લોકોનું હિત સર્વોપરી હતું. હિંદુ રાષ્ટ્રવાદના કટ્ટર સમર્થક અને હિંદુ હિતોના સંરક્ષકના રૂપે, તેમણે સક્રિયપણે હિંદુ અસ્મિતા સ્થાપિત કરવા, સનાતન સંસ્કૃતિને પુનર્જીવિત કરવા અને મંદિરોના સંરક્ષણ અને નિર્માણ પર સૌથી વધુ ભાર મૂક્યો હતો. તેથી જ તેઓ હિંદુ રાષ્ટ્રવાદી ચળવળો, વિચારધારાઓ અને વ્યક્તિઓ માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમના શાસન દરમિયાન સંસ્કૃત અને મરાઠી જેવી ભારતીય ભાષાઓને પણ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તેમનુ શાસન શાશ્વત સાંસ્કૃતિક મૂલ્યોથી સંચાલિત એક સ્વદેશી સામ્રાજ્ય હતું.

    શિવાજીએ હિંદુઓને એક કરીને તેમને અપરાજિત શક્તિ બનાવી દીધા. આ મહાન યોદ્ધાનું અદમ્ય સાહસ, યુદ્ધ-કૌશલ અને સૈન્ય-સંગઠન કિશોરાવસ્થાથી જ પ્રકટ થવા લાગ્યું હતું.

    તેમણે 1646માં આદિલ શાહી સલ્તનતને પડકારતા તોરણ કિલ્લા પર ભગવો ફરકાવી કબજો કરી લીધો હતો. આ સાહસિક વિજયે મોગલ સામ્રાજ્ય અને આદિલ શાહી સલ્તનત જેવી પ્રચંડ શક્તિઓને સ્તબ્ધ કરી દીધી હતી. ત્યાર બાદ પુરંદરના યુદ્ધમાં તેમણે ફત્તેખાનની આગેવાની હેઠળની વિશાળ સેનાને હરાવી હતી.

    પ્રતાપગઢના યુદ્ધમાં શિવાજીની સેનાએ બીજાપુર સલ્તનતની સેના પર વિજય મેળવ્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ મરાઠાઓ એક અજેય રાષ્ટ્રીય શક્તિ તરીકે ઉભરી આવ્યા. તેમણે મુઘલ સામ્રાજ્યને તેવા સમયે પડકાર ફેંક્યો હતો, જયારે ઔરંગઝેબ તેના શાસનકાળમાં પોતાના ગૌરવની ચરમસીમાએ હતો.

    તેમણે ઔરંગઝેબના બળજબરીથી ધર્માંતરણ દ્વારા ભારતના ઇસ્લામીકરણ કરવાના એજન્ડાનો સક્રિય વિરોધ કર્યો અને બિન-મુસ્લિમોના ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કર્યું. ભારતીય ઈતિહાસના સહુથી પ્રભાવશાળી અને શક્તિશાળી રાજ્યો પૈકીનું એક આ સામ્રાજ્ય અટકથી (વર્તમાનમાં પાકિસ્તાનનો ભાગ) લઈને તમિલનાડુમાં તંજાવુર સુધી ફેલાયેલું હતું.

    મરાઠાઓએ માત્ર મુઘલોને જ નહોતા હરાવ્યા, પરંતુ 18મી સદીના મોટાભાગના સમયમાં બ્રિટીશ સૈન્યને ભારત પર કબજો કરતા પણ અટકાવ્યું હતું. આમ શિવાજી મહારાજ દ્વારા સ્થાપિત ‘હિંદવી સ્વરાજ્ય’એ વિદેશી અને વસાહતી શક્તિઓનો સતત પ્રતિકાર કર્યો.

    છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વમાં તેમની સેનાએ યુદ્ધમાં અનોખી રણનીતિનો ઉપયોગ કર્યો હતો. તેમના બિનપરંપરાગત ગોરિલા યુદ્ધ (ગનીમી કાવા)ની યુક્તિઓ અને દાવપેચ યુદ્ધના મેદાનમાં તેમના વિજયનો પાયો હતા.

    તેમણે નાના-નના કિલ્લાઓનું વ્યૂહાત્મક નેટવર્ક બનાવ્યું અને ‘ગઢી માઝી લડકી’ અથવા ‘કિલે હમારી તાકત હૈ’નું સૂત્ર આપ્યું. આ કિલ્લાઓ લશ્કર માટે મહત્ત્વના ઓપરેશન્સ સેન્ટર્સ તરીકે કામ કરતા હતા, જે તેમને વધુ સાધનસંપન્ન, શક્તિશાળી અને સ્થાપિત શત્રુ દળોને પડકારવા અને અંકુશમાં લેવા સક્ષમ બનાવતા હતા.

    છત્રપતિ શિવાજી મહારાજની લશ્કરી સફળતાઓ સમકાલીન સેનાપતિઓ માટે પણ આશ્ચર્યજનક હતી. દરિયાઈ સુરક્ષાના વ્યૂહાત્મક મહત્વને સમજીને તેમણે નૌકાદળના પ્રચંડ કાફલાની સ્થાપના કરી હતી. અરબી સમુદ્રને અંકુશમાં રાખવાનું અને તેના સામ્રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને સુરક્ષિત કરવાનું મહત્ત્વ સમજીને તેમણે આ પગલા લીધા. માત્ર કોંકણના દરિયાકિનારાને દરિયાઇ જોખમોથી રક્ષણ આપવું જ નહીં, પરંતુ તેમના નૌકાદળે હિંદ મહાસાગરના વેપાર માર્ગોમાં યુરોપિયન સત્તાઓના વર્ચસ્વને પણ પડકાર્યું હતું.

    આ સામ્રાજ્યની વિશિષ્ટતા લશ્કરી વિજયો ઉપરાંત સુશાસનના ક્ષેત્રમાં પણ હતી. તેમણે પરિવર્તનકારી સુધારાઓની શરૂઆત કરી હતી. સ્થાનિક શાસન, સ્વ-શાસન, ઝડપી અને નિષ્પક્ષ ન્યાય પ્રણાલી અને વ્યવસ્થિત અને યોગ્ય મહેસૂલ સંગ્રહ એ તેમના સુશાસનનો પાયો બની ગયો હતો.

    સત્તાના વિકેન્દ્રીકરણ અને શાસનના લોકશાહીકરણ દ્વારા લોકોનું કલ્યાણ, ગૌરવ અને સલામતી એ ‘હિંદવી સ્વરાજ્ય’ની વિશેષતા હતી. તેઓ સાચા અર્થમાં ‘સબકા સાથ, સબકા વિકાસ’માં માનતા હતા અને આ જ નીતિને અનુસરતા હતા. તેમણે વ્યક્તિગત-કેન્દ્રિત શાસનની જગ્યાએ વ્યવસ્થા-આધારિત શાસન બનાવવા પર ભાર મૂક્યો હતો.

    એક નોંધપાત્ર પહેલ ‘અષ્ટ પ્રધાન’ અથવા આઠ પ્રધાનોની પરિષદની રચના હતી. આ કાઉન્સિલમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ થતો હતો. નીતિ ઘડતર અને અમલીકરણમાં તેમની નિર્ણાયક ભૂમિકા હતી. પરામર્શના આધારે સામૂહિક અને સહકારી નિર્ણયોએ તેમના શાસનને પારદર્શક, જવાબદાર અને સંવેદનશીલ બનાવ્યું હતું.

    આ ઉપરાંત મહેસૂલી આકારણીની એક નવી વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી હતી, જેમાં કર આકારણી અને વસૂલાતની એક વાજબી અને પારદર્શક વ્યવસ્થા વિકસાવવામાં આવી હતી. આ નવી પ્રણાલીએ યોગ્ય મહેસૂલ સંગ્રહની ખાતરી કરતી વખતે ભ્રષ્ટાચારને નિયંત્રિત કર્યો. આ વ્યવસ્થાના ઘડતરમાં દાદાજી કોંડદેવનો મહત્વનો ફાળો હતો.

    જમીનના માપનું માનકીકરણ અને જમીનના પ્રકારને આધારે ઉપજનો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો. આર્થિક વિકાસ માટે, ખેડૂતોને ઉજ્જડ જમીનની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બેરોજગાર ખેડુતોને કૃષિ ઉદ્યોગો શરૂ કરવા માટે રાજ્ય આશ્રય પણ આપવામાં આવ્યો હતો. આ નીતિઓથી ખેડૂતો, કારીગરો અને વેપારીઓને મોટી રાહત મળી.

    અર્થવ્યવસ્થામાં ધીમે ધીમે વૃદ્ધિ સાથે ‘હિંદવી સ્વરાજ્ય’ માત્ર શક્તિશાળી જ નહીં, પરંતુ સમૃદ્ધ અને વિકસિત પણ બન્યું. આ વહીવટી વ્યવસ્થાઓએ આધુનિક ભારતની શાસન વ્યવસ્થા પર પણ ખૂબ પ્રભાવ પાડ્યો હતો.

    ‘હિંદવી સ્વરાજ્ય’ મૂળભૂત રીતે સ્વ-શાસન પર આધારિત હતું, જેમાં સ્થાનિક સમુદાયોના સશક્તિકરણ અને ભાગીદારી પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમને પોતાના મામલાઓમાં સ્વ-સંચાલન અને નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

    સમર્થગુરુ રામદાસના ઉપદેશોથી પ્રેરિત થઈને શિવાજીએ તમામ હિંદુઓની એકતાને પ્રોત્સાહન આપ્યું અને ‘સનાતન ધર્મ’નો પ્રચાર કર્યો. જેનો અર્થ એ થયો કે જાતિગત ભેદભાવથી મુક્ત એવા ઉદાર ધર્મને પ્રોત્સાહન આપવું, જેમાં મહિલાઓને માન-સન્માન અને અધિકાર આપવા, કર્મકાંડ પર ભક્તિને પ્રાધાન્ય આપવું વગેરે મુખ્ય તત્વો હતા. વિદ્વાનો, કલાકારો અને વિવિધ પૃષ્ઠભૂમિના કવિઓને આશ્રય આપવામાં આવ્યો હતો. સામાજિક ન્યાય અને સમાનતા તેમના વહીવટના પાયાના પથ્થરો હતા.

    સ્વરાજ્ય, સાંસ્કૃતિક ગૌરવ, સનાતન ધર્મ અને વિદેશી આધિપત્ય સામે અડગ અને અવિરત પ્રતિકારના સિદ્ધાંત પર સ્થપાયેલી ‘હિંદવી સ્વરાજ્ય’ની વિરાસતે બાળગંગાધર તિલક, વીર સાવરકર વગેરે જેવા વિચારકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ પર અમિટ છાપ છોડી હતી. આ વારસાએ ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વતંત્રતા બાદના ભારતને પણ પ્રભાવિત કર્યું છે. અંતમાં , ‘હિંદવી સ્વરાજ્ય’ના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ આધુનિક ભારતના ઘડવૈયા પૈકીના એક હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં