Wednesday, July 24, 2024
More
  હોમપેજદેશસહુથી છેલ્લે હસતા-હસતા બહાર આવ્યા, જેમની હિંમતની વાત કરતાં થાકતા નથી 40...

  સહુથી છેલ્લે હસતા-હસતા બહાર આવ્યા, જેમની હિંમતની વાત કરતાં થાકતા નથી 40 શ્રમિકો…. તે ગબ્બર સિંઘ નેગીને વડાપ્રધાન મોદીએ પણ બિરદાવ્યા

  રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન તે ગબ્બર સિંઘ નેગી જ હતા જેમણે તમામ શ્રમિકોને માનસિક હિંમત આપીને તેમના મન મક્કમ રાખ્યા. આટલું જ નહીં, તેમના મારફતે જ મુખ્યમંત્રીથી લઈને તમામ લોકોએ શ્રમિકોનો સંપર્ક સાધ્યો હતો. બધાજ લોકો તેમના સહજ નેતૃત્વને વખાણી રહ્યા છે.

  - Advertisement -

  ઉત્તરાખંડમાં ઉત્તરકાશીના સિલક્યારા ટનલ દુર્ઘટનાના 17 દિવસ બાદ ત્યાં ફસાયેલા 41 શ્રમિકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા. ક્ષણ-ક્ષણ નિરાસા અને આશા વચ્ચે ઝઝૂમતા તેમનો જે સમય ટનલમાં વીત્યો, તે તેઓ કદાચ આજીવન નહીં ભૂલી શકે. આ બધા વચ્ચે આ તમામ શ્રમિકો ગબ્બર સિંઘ નેગીના કાયલ થઈ ગયા. ગબ્બર સિંઘ નેગીને વડાપ્રધાન મોદીએ પણ બિરદાવ્યા છે. ગબ્બર સિંઘ નેગી એ તે 41 શ્રમિકો પૈકીના એક છે જેઓ 17 દિવસ સુધી ટનલમાં ફસાયા હતા.

  તે ગબ્બર સિંઘ નેગી જ હતા જેમણે આ કપરી પરિસ્થિતિમાં તમામ શ્રમિકોને જીવન વિવવાની આશા બંધાવી રાખી. આ જ કારણ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોટદ્વારના પહાડના ગબ્બર સિંઘ વિશે કહેવું પડ્યું કે, “જુઓ ગબ્બર સિંઘ, હું આપને વિશેષ રૂપે શુભેચ્છા પાઠવું છું, કારણકે મને દરરોજ રીપોર્ટમાં અમારા મુખ્યમંત્રી જણાવતા હતા કે આપ બંને એ જે લીડરશીપ આપી અને જે ટીમ સ્પિરીટ દેખાડી, મને તો લાગે છે કે કોઈ યુનિવર્સીટીએ તેના પર એક કેસ સ્ટડી તૈયાર કરવી પડશે.”

  ગબ્બરે વધારી હતી તમામની હિમ્મત

  રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન તે ગબ્બર સિંઘ નેગી જ હતા જેમણે તમામ શ્રમિકોને માનસિક હિંમત આપીને તેમના મન મક્કમ રાખ્યા. આટલું જ નહીં, તેમના મારફતે જ મુખ્યમંત્રીથી લઈને તમામ લોકોએ શ્રમિકોનો સંપર્ક સાધ્યો હતો. બધાજ લોકો તેમના સહજ નેતૃત્વને વખાણી રહ્યા છે. અને વખાણ કરે કેમ નહીં? આવી કપરી પરિસ્થિતિમાં એક-બે નહીં પર એક સાથે 40 લોકોને દિલાસો દેવો, હિંમત આપવી, તમામને ધૈર્ય બંધાવી રાખવું સહેલું નથી. 12 નવેમ્બર 2023 એટલે કે દિવાળીની સવારે થયેલી આ દુર્ઘટના દરમિયાન 51 વર્ષના ગબ્બર સિંઘ આ સાઈટ પર ફોરમેનના પદ પર ફરજ બજાવી રહ્યા હતા.

  - Advertisement -

  ભૂસ્ખલનના કારણે ટનલમાં કાટમાળ ધરાશાયી થયો તેના થોડા સમય પહેલા જ તેઓ અંદર ગયા હતા. આ કાટમાળ તેમની ખૂબ જ નજીક પડ્યો હતો અને તેઓ ત્યાં જ ફસાઈ ગયા. આ કપરા સમયમાં તેમણે તેમની સાથે ફસાયેલા 40 શ્રમિકોને આ વિશે જાણ કરી અને તેમને ડર્યા વગર શાંતિ જાળવી રાખવા જણાવ્યું હતું.

  તે ગબ્બર જ હતા જેમણે ટનલની બહાર વોકી-ટોકી મારફતે આ ભયાનક દુર્ઘટનાની સૂચના આપી હતી. તેઓ શ્રમિકો સાથે જ ટનલમાં ફસાયેલા હતા, પરંતુ આ દરમિયાન ટનલમાં જ્યારે એક-એક દિવસ પહાડ જેવો વિકરાળ લાગી રહ્યો હતો ત્યારે પહાડોના રહેવાસી ગબ્બર સિંઘે મોરચો સંભાળ્યો અને બધાને હિંમત આપી. તેમણે રેસ્ક્યુ ટીમ સાથે પણ સતત સંપર્ક બનાવી રાખ્યો હતો.

  તેઓ આ 17 દિવસ દરમિયાન તમામ શ્રમિકોને દિલાસો આપતા રહ્યા હતા અને આ જ કારણ છે કે શ્રમિકો ટનલની અંદરથી પોતાના પરિવાર સાથે વાત કરતા ગબ્બર સિંઘનો ઉલ્લેખ અને વખાણ કરવાનું ચુકતા નહોતા.

  ટનલમાં ફસાયેલા શ્રમિકોના પરિવારે પણ કર્યા વખાણ

  લખીમપુર ખીરીના શ્રમિક મનજીત લાલના પિતાએ જણાવ્યું હતું કે ગબ્બર સિંઘ નેગીના કારણે તેમના પુત્રનું મનોબળ મજબૂત રહ્યું હતું. બીજી તરફ સબા અહેમદના ભાઈ નૈયર અહમદ પણ તેમના વખાણ કરતા થાકતા નથી, તેમનું કહેવું છે કે ગબ્બર સિંઘ એક સરળ અને અનુભવી વ્યક્તિ હતા જે બધાને ધીરજ બંધાવી રહ્યા હતા.

  ગબ્બર સિંઘ નેગીના પુત્ર આકાશ સિંઘ નેગીએ જણાવ્યું હતું કે, “મને મારા પિતા સાથે પાઇપ મારફતે થોડી સેકંડ માટે વાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પાઇપમાંથી ટનલમાં ફસાયેલા કામદારોને ઓક્સિજન આપવામાં આવી રહ્યો હતો. મારા પપ્પાએ કહ્યું કે તેઓ બધા સુરક્ષિત છે. તેમણે અમને ચિંતા ન કરવાનું કહ્યું અને કહ્યું કે કંપની તેમની સાથે છે.”

  ગબ્બર સિંઘે પોતાના પુત્ર આકાશને તેમ પણ કહ્યું હતું કે ટનલમાં તે એકલા નથી અને અન્ય સાથીઓની સુરક્ષા તેમની જવાબદારી છે. તેઓ પોતાના સાથીઓને હિંમત આપી રહ્યા છે. તે સમયે આકાશ પિતાની વાત સાંભળીને ભાવુક થઈ ગયો હતો. ગબ્બર સિંઘની આ ભાવનાને તેમના સમગ્ર પરિવારે પણ વખાણી હતી.

  તે ફસાયેલા મજૂરોને કહેતા રહ્યા હતા કે આપણને જલ્દીથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે. તેમણે ફસાયેલા મજૂરોને કહ્યું કે “હું છેલ્લે બહાર જઈશ” અને તેમણે પોતાના કહેલા બોલ સાર્થક કરી બતાવ્યા. ગબ્બરના ભાઈ જયમલ સિંઘ નેગીએ કહ્યું, “તે સહુથી છેલ્લે બહાર આવ્યા. બહાર આવ્યા બાદ તેમના ચહેરા પર સ્મિત હતું.”

  ટનલમાં કામ કરવાનો 25 વર્ષનો અનુભવ

  સિલક્યારા ટનલનું નિર્માણ કરી રહેલી કંપની નવયુગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડમાં ગબ્બર સિંઘ નેગી ફોરમેન છે. તે પૌડી જિલ્લાના કોટદ્વાર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર હેઠળના બિશનપુરમાં રહે છે અને છેલ્લા 25 વર્ષથી ટનલ નિર્માણ કંપનીઓમાં કામ કરે છે

  તેમને ભૂસ્ખલનની ઘટનાઓનો ખાસો અનુભવ છે. પીએમ મોદી સાથે વાતચીત દરમિયાન તેમણે આવા અનુભવ પર કહ્યું હતું કે, “સર, હું તે સમયે સિક્કિમમાં હતો. પછી ત્યાં એક લેન્ડ સ્લાઇડ થઈ અને અમે ફસાઈ ગયા હતા. ઘણી તકલીફ ઉભી થઇ હતી.” તેમણે જવાહર ટનલના નિર્માણમાં પણ કામ કર્યું છે. ટનલમાં ફસાવવા સમયે પણ ગબ્બર સિંઘ નેગીએ પોતાની સાથે ફસાયેલા અન્ય 40 મજૂરોને જણાવ્યું હતું કે, તે થોડા વર્ષો પહેલા પણ નિર્માણ દરમિયાન ટનલમાં ફસાઈ ચુક્યા છે.

  ગબ્બર સિંઘના મોટાભાઈ જયમલ નેગી પણ સતત પાઈપ દ્વારા તેમની સાથે વાત કરી રહ્યા હતા. જયમલના જણાવ્યા અનુસાર ગબ્બર સિંઘ કહેતા કે તેમને તમામ શ્રમિકોના જીવનની ચિંતા છે. તેથી જ તેમણે શ્રમિકોને ટનલની અંદર ચાલવા અને યોગ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. પ્રેમ પોખરિયાલે ટનલમાં ફસાયેલા મજૂરો સાથે પણ સતત વાત કરી હતી. તેમણે કહ્યું કે ગબ્બર સિંઘ ખૂબ જ સમજદાર છે. તે દરેકનું મનોબળ વધારી રહ્યા છે અને શ્રમિકોને ટનલની અંદર ડૉકટરોની ટીમની સૂચનાઓનું પાલન પણ કરાવી રહ્યા છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં