Friday, May 3, 2024
More
    હોમપેજદેશ‘હજુ સુધી રેપની ફરિયાદ નથી મળી’: સંદેશખાલીના ઘટનાક્રમ પર પશ્ચિમ બંગાળ પોલીસ,...

    ‘હજુ સુધી રેપની ફરિયાદ નથી મળી’: સંદેશખાલીના ઘટનાક્રમ પર પશ્ચિમ બંગાળ પોલીસ, ટ્વિટર પર લોકોએ વિશ્વસનીયતા પર સવાલ કર્યા તો હાઇડ કરી દેવાયા રિપ્લાય

    ચોથી પોસ્ટમાં બંગાળ પોલીસે ન્યૂઝ18 બાંગ્લાના રિપોર્ટનો એક વિડીયો પોસ્ટ કર્યો અને લખ્યું કે, “સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવે છે કે ખોટી માહિતી ફેલાવવા બદલ મીડિયાના એક વર્ગ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે."

    - Advertisement -

    પશ્ચિમ બંગાળના 24 પરગણા સ્થિત સંદેશખાલીમાં અનેક મહિલાઓ TMC નેતા શાહજહાં શેખ અને તેના માણસો પર રેપ અને અત્યાચારનો આરોપ લગાવીને સતત પ્રદર્શન કરી રહી છે, પરંતુ બીજી તરફ રાજ્યની પોલીસ અનુસાર આવી કોઇ ફરિયાદ હજુ સુધી મળી નથી. બુધવારે (14 ફેબ્રુઆરી, 2024) પશ્ચિમ બંગાળ પોલીસના અધિકારિક X અકાઉન્ટ પરથી ત્રણ પોસ્ટ કરીને આ દાવો કરવામાં આવ્યો. ત્યારબાદ ઘણા યુઝરોએ પોલીસના વલણની ટીકા કરી તો મોટાભાગના રિપ્લાય હાઇડ કરી દેવામાં આવ્યા હતા. 

    પશ્ચિમ બંગાળ પોલીસે એક પોસ્ટ કરીને લખ્યું કે, “સંદેશખાલીમાં બનેલા ઘટનાક્રમને લઈને મીડિયાના એક વર્ગ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. એ ફરીથી જણાવવું જરૂરી છે કે રાજ્ય મહિલા આયોગ, DIG CIDની આગેવાની હેઠળની 10 સભ્યોની ફેક્ટ-ફાઈન્ડિંગ ટીમથી માંડીને જીલ્લા પોલીસની તપાસમાં હજુ સુધી મહિલાઓના રેપ અંગે કોઇ ફરિયાદ મળી નથી.” 

    પોલીસે બીજી પોસ્ટમાં લખ્યું કે, સંદેશખાલીની મુલાકાત બાદ રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રતિનિધિઓએ પણ આ જ બાબત જણાવી છે અને કહ્યું છે કે તપાસ દરમિયાન તેમને કોઇ પણ સ્થાનિક મહિલા સાથે રેપની કોઇ ફરિયાદ મળી નથી. પોલીસે આગળ લખ્યું કે, અત્યાર સુધી મળેલ તમામ આરોપો અને ફરિયાદો પર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને જરૂરી કાયદાકીય કાર્યવાહી થશે. 

    - Advertisement -

    ચોથી પોસ્ટમાં બંગાળ પોલીસે ન્યૂઝ18 બાંગ્લાના રિપોર્ટનો એક વિડીયો પોસ્ટ કર્યો અને લખ્યું કે, “સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવે છે કે ખોટી માહિતી ફેલાવવા બદલ મીડિયાના એક વર્ગ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”

    જોકે, સંદેશખાલીમાં થયેલ આ ઘટનાઓ મામલે બંગાળ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટની નીચે સામાન્ય યુઝરોએ તેમની કડક ટીકા કરી અને અનેક લોકોએ પોલીસના આ વલણની ઝાટકણી કાઢી. પરંતુ તેમાંથી મોટાભાગના રિપ્લાય હાઇડ કરી દેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે X (પહેલાંનું ટ્વિટર) પર કોઇ પણ પોસ્ટકર્તા તેની પોસ્ટ પર અન્ય યુઝરોએ કરેલા રિપ્લાય હાઇડ કરી શકે છે. જોકે, આ હાઇડ કરેલા તમામ રિપ્લાય એક અલગ બટન મારફતે જોઈ શકાય છે. 

    ઘણા લોકોએ રાષ્ટ્રીય મહિલા આયોગે કરેલી એક પોસ્ટ જ જવાબ સ્વરૂપે મૂકી અને પોલીસ પર સવાલ ઉઠાવ્યા. આ પોસ્ટમાં NCWએ જણાવ્યું હતું કે, ‘સંદેશખાલી કેસમાં મીડિયાના ક્ષતિરહિત અને જવાબદાર કવરેજના અભાવથી NCW ચિંતિત છે. અમારી તપાસ સમિતિને જાણવા મળ્યું કે પશ્ચિમ બંગાળના પીડિતોને સ્થાનિક પોલીસ દ્વારા ધમકાવવામાં આવી રહ્યા છે અને તેમને પોતાની સાથે થયેલા યૌન અત્યાચારો પર વાત કરતાં રોકવામાં આવી રહ્યા છે.

    વિનોદ વિશ્વકર્મા નામના એક વ્યક્તિએ લખ્યું કે, પહેલા દિવસથી પશ્ચિમ બંગાળ પોલીસ સૌને ધમકાવી રહી છે. એક બળાત્કાર પીડિતા કઈ રીતે ફરિયાદ કરી શકે? કડક નિયંત્રણોના કારણે જમીની સ્તરેથી કોઇ જાણકારી બહાર આવી રહી નથી. આ નિયંત્રણો હટાવો અને બળાત્કારીઓને સજા મળે તે માટે જે કંઈ પણ કરવું પડે એ કરો.

    ઘણા લોકોએ પોલીસના રિપ્લાય હાઇડ કરવાના પગલાં પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જોકે, તે પોસ્ટ પણ પછીથી હાઇડ કરી દેવામાં આવી.

    એક યુઝરે NCW હેડ રેખા શર્માની પોસ્ટ ટાંકીને પોલીસને પ્રશ્ન કર્યો કે તેઓ શા માટે તથ્યો છુપાવી રહ્યા છે? રેખા શર્માએ પોસ્ટમાં લખ્યું હતું કે, “સંદેશખાલીની મુલાકાતે ગયેલી મારી ટીમ અનુસાર, પોલીસે મહિલા પીડિતોની ફરિયાદ નોંધવાના સ્થાને તેમના સંબંધીઓ સામે જ ફરિયાદ નોંધી છે. પોલીસે ગુંડાઓ અને પોલીસ બંનેથી સમાન રીતે ડરેલા છે. તેમણે ટિપ્પણી કરતાં લખ્યું કે, મમતા (બેનર્જી) આ રીતે પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે વ્યવહાર કરે છે. જોકે, આ રિપ્લાય પણ હાઇડ કરી દેવામાં આવ્યો.

    નોંધવું જોઈએ કે છેલ્લા એક અઠવાડિયાથી બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ વિરોધ-પ્રદર્શન કરી રહી છે અને TMC નેતા શાહજહાં શેખની ધરપકડની માંગ કરી રહી છે. મહિલાઓનો આરોપ છે કે ઘણા સમયથી તેમનું શોષણ કરવામાં આવતું હતું. તેમનું વિરોધ પ્રદર્શન પછીથી ઉગ્ર બનતાં હિંસા પણ થઈ હતી. અનેક મહિલાઓ પછીથી સામે પણ આવી અને જણાવ્યું કે કઈ રીતે તેમનું શોષણ કરવામાં આવતું રહ્યું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં