ઉત્તરકાશીની ટનલમાં છેલ્લા 14 દિવસથી 41 શ્રમિકો ફસાયા છે. તેમને સુરક્ષિત બહાર કાઢવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. દેશ-વિદેશના એક્સપર્ટને એકઠા કરીને રેસ્ક્યુ ટીમ બનાવવામાં આવી છે. જે દિવસ-રાત બચાવ કામગીરી કરી રહી છે. અંદર ફસાયેલા શ્રમિકોને પૂરતું ભોજન પણ પાઈપ વડે પહોંચાડવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ ટેકનિકલ ખામીના કારણે રેસ્ક્યુ ટીમે બચાવ કામગીરી અટકાવી દીધી હતી. ડ્રિલિંગ મશીન કોઈ ધાતુ સાથે અથડાઇ જતાં કામગીરી રોકવામાં આવી હતી. જ્યારે હવે એ જાણવા મળી રહ્યું છે કે રેસ્ક્યુ ટીમે વર્ટિકલ ડ્રિલિંગ માટે કામ શરૂ કર્યું છે, જે માટે મશીન પહોંચી ચૂક્યું છે.
ઉત્તરકાશીની ટનલમાં 12 નવેમ્બરથી એટલે કે દિવાળીના દિવસથી 41 શ્રમિકો ફસાયા છે. તેમને સુરક્ષિત બહાર કાઢવાના રેસ્ક્યુ ઓપરેશનમાં એક પછી એક બાધાઓ આવી રહી છે. શુક્રવારે (24 નવેમ્બર) સાંજે ઓગર મશીનનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. કારણ કે ઓગર મશીન એક મેટલ સાથે અથડાયું હતું જે બાદ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. નોંધનીય છે કે આ પહેલાં પણ એકવાર મશીન કોઈ મેટલ સાથે અથડાયું હતું અને કામ રોકવું પડ્યું હતું. જે બાદ હવે વર્ટિકલ ડ્રિલિંગ મશીનની મદદથી કામગીરી શરૂ કરવામાં આવી છે.
વર્ટિકલ ડ્રિલિંગ મશીનથી શ્રમિકોને બચાવવા માટેનું ઓપરેશન શરૂ
વારંવાર મુશ્કેલીઓનો સામનો કરીને પણ બચાવ કામગીરી શરૂ રાખવામાં આવી છે. અનેક સમસ્યાઓ આવતા છતાં રેસ્ક્યુ ટીમ મક્કમતાથી આગળ વધી રહી છે. ડ્રિલિંગ મશીન વારંવાર મેટલ સાથે અથડાતાં કામ અટકાવામાં આવી રહ્યું હતું. પણ હવે રેસ્ક્યુ ટીમે તેનો વિકલ્પ પણ શોધી લીધો છે અને વર્ટિકલ ડ્રિલિંગ મશીનની મદદથી ઓપરેશનનો પુનઃ પ્રારંભ કર્યો છે.
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Vertical drilling machine at the Silkyara tunnel as the operation to rescue 41 workers trapped here continues. pic.twitter.com/NeKM5jznOD
— ANI (@ANI) November 25, 2023
નોંધનીય છે કે વર્ટિકલ ડ્રિલિંગને મદદ માટે સ્થળ સુધીનો રસ્તો BROએ ખૂબ જ ઓછા સમયમાં બનાવ્યો છે. જે બાદ ઓપરેશન ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ રેસ્ક્યુ ટીમે ઓપરેશન શરૂ કરી દીધું છે અને એવી આશા સેવાઈ રહી છે કે ટૂંક સમયમાં ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કઢાશે.
6થી 8 મીટર સુધીનું અંતર બાકી, CM ધામી લઈ રહ્યા છે દરેક અપડેટ
રેસ્ક્યુ ઓપરેશનના 14 દિવસે વર્ટિકલ મશીનથી કામગીરી શરૂ કરવામાં આવી છે. આ આર્ટીકલ લખાઈ રહ્યો છે ત્યાં સુધીમાં માહિતી અનુસાર અંદાજિત 6થી 8 મીટર સુધીનું જ અંતર બાકી રહ્યું છે. આ સમગ્ર ઓપરેશન પર રાજ્યના CM પુષ્કર સિંઘ ધામીની સતત નજર છે. તેઓ પળેપળની માહિતી બચાવ ટીમ પાસેથી લઈ રહ્યા છે. રેસ્ક્યુ ટીમે પણ સતત 14 દિવસથી બચાવ કામગીરીમાં જોડાયેલી છે.