ભારતીય સેના અધિકારીઓએ સોમવારે અહેવાલ આપ્યો હતો કે જમ્મુમાં શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાઓ પછી હાથ ધરવામાં આવેલા અનેક આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ વધુ ખતરનાક શસ્ત્રો મેળવ્યા છે. તેઓ અનુસાર આમાંના ઘણા શસ્ત્રોનો (જેવા કે M4 રાઈફલ્સ)અગાઉ તાલિબાન આતંકવાદીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો અથવા અમેરિકન સૈનિકોએ અફઘાનિસ્તાનમાંથી વિદાય લેતા પહેલા તે ત્યાં છોડી દીધા હતા.
સુરક્ષા અધિકારીઓએ નોંધ્યું હતું કે હથિયારોની પુનઃપ્રાપ્તિની પેટર્ન દર્શાવે છે કે આ હથિયારો હવે પાકિસ્તાન મારફતે કાશ્મીરમાં ઘુસાડવામાં આવી રહ્યા છે. આ હથિયારોમાં ઘાતક યુએસ-નિર્મિત M4 કાર્બાઇન એસોલ્ટ રાઈફલ્સ છે, જે પ્રતિ મિનિટ 700-970 સ્ટીલ બુલેટ ફાયર કરવામાં સક્ષમ છે.
આ સ્ટીલ બુલેટ કોપર બુલેટ કરતાં મોટા વાહનોને ચીરવામાં વધુ સક્ષમ છે. M4 રાઈફલ્સ ની અસરકારક ફાયરિંગ રેન્જ 500-600 મીટર છે, જેની મહત્તમ રેન્જ 3,600 મીટર છે.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે જમ્મુમાં આતંકવાદ વિરોધી કામગીરી ચાલુ હોવા છતાં, આતંકવાદીઓ પાસેથી M4 કાર્બાઈન્સની રિકવરી ચાલુ છે, કારણ કે તેઓ હાલમાં ક્યાં તો AK-47 રાઈફલ્સ અથવા M4 કાર્બાઈન્સનો ઉપયોગ કરી રહ્યાં છે. તેઓએ એ પણ ઉલ્લેખ કર્યો કે ગયા મહિને સેનાના વાહનો પર થયેલા પ્રથમ હુમલામાં M4 કાર્બાઈનનો ઉપયોગ સામેલ હતો.
2017થી થઈ રહ્યો છે M4 રાઈફલ્સનો ઉપયોગ
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સંસ્થાનના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે M4 કાર્બાઇનનો ઉપયોગ સૌપ્રથમ 2017માં કરવામાં આવ્યો હતો જ્યારે સુરક્ષા દળોએ જૈશ ચીફ મસૂદ અઝહરના ભત્રીજા તલ્હા રશીદ મસૂદને પુલવામામાં માર્યો હતો. તાજેતરમાં કઠુઆ, રિયાસી અને ડોડામાં થયેલા આતંકવાદી હુમલામાં આ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (PoK) બે મહત્વપૂર્ણ બેઠકો થઈ હતી. “એક બેઠક લશ્કર-એ-તૈયબા (LeT) કમાન્ડર દ્વારા PoKમાં પાક આર્મી કેમ્પ તેજીનમાં બોલાવવામાં આવી હતી, જ્યારે બીજી બેઠકનું નેતૃત્વ જૈશ-એ-મોહમ્મદ (JeM) નેતા અબ્દુલ રઉફ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકો દરમિયાન કાશ્મીરમાં શક્ય તેટલા વધુ શસ્ત્રો મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.” એક ગુપ્તચર સ્ત્રોતે જણાવ્યું હતું કે, બે ડઝનથી વધુ અમેરિકન બનાવટની M4 કાર્બાઇન્સ આ પ્રદેશમાં મોકલવામાં આવી હતી.
કઈ રીતે આવી આ M4 રાઈફલ્સ
1980ના દાયકામાં અમેરિકન કંપની દ્વારા વિકસાવવામાં આવેલી M4 કાર્બાઇન એસોલ્ટ રાઈફલ્સ હજુ પણ નાટો દળો (NATO) દ્વારા વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાની સેના દ્વારા ઉપયોગમાં લેવાતી M4 રાઈફલ્સ આતંકવાદીઓને સપ્લાય કરવામાં આવી રહી છે.
M4 એ હળવા વજનનું, ગેસ-સંચાલિત, એર-કૂલ્ડ, મેગેઝિન-ફેડ હથિયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 1987થી હમણાં સુધી તેના 500,000થી વધુ એકમોનું ઉત્પાદન થયું છે, આ રાઈફલ અસંખ્ય પ્રકારોમાં ઉપલબ્ધ છે.
ગુપ્તચર સૂત્રોએ એ પણ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાન આર્મી અને ISIએ છેલ્લા મહિનામાં PoKમાં 15 નવા આતંકવાદી કેમ્પ અને 24થી વધુ લોન્ચિંગ પેડ્સ સક્રિય કર્યા છે.
સરહદ પર યુદ્ધવિરામ ચાલુ હોવા છતાં, પાકિસ્તાનની એજન્સીઓ આતંકવાદીઓને નિયંત્રણ રેખા (LoC) પાર કરવા સક્રિયપણે પ્રયાસ કરી રહી છે. આ આતંકવાદીઓને ભારતીય સૈન્ય દ્વારા શોધવામાં ન આવે તે માટે બંકરોમાં રાખવામાં આવ્યા છે, જેથી તેઓ ઘૂસણખોરી કરતા પહેલા દિવસો સુધી છુપાઈ શકે અને ત્યાં રહી શકે, એમ સૂત્રોએ ઉમેર્યું હતું.