લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે તે પહેલાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે (15 ફેબ્રુઆરી, 2024) ઈલેક્ટોરલ બૉન્ડ પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, બૉન્ડની ગુપ્તતા જાળવવી ગેરબંધારણીય છે અને આ યોજના માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું કે, મતદારોને પક્ષોના ભંડોળ વિશે જાણવાનો પૂરેપૂરો અધિકાર છે અને સાથે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે તેઓ એપ્રિલ 2019થી હમણાં સુધી કેટલા લોકોએ આ બૉન્ડ ખરીદ્યા તેની જાણકારી SBI પાસેથી મેળવે અને સાર્વજનિક કરે.
સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે સર્વસંમતિથી આ ચુકાદો આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “રાજકીય પ્રક્રિયામાં રાજકીય પક્ષો મહત્વપૂર્ણ એકમ છે. રાજકીય ભંડોળ વિશેની માહિતી એ પ્રક્રિયા છે જેના દ્વારા મતદારને તેના મતદાન માટે યોગ્ય પસંદગી મળે છે. મતદારોને ચૂંટણી ભંડોળ વિશે જાણવાનો અધિકાર છે.”
#BREAKING CJI : Electoral bonds scheme has to be struck down as unconstitutional.#SupremeCourt #ElectoralBonds
— Live Law (@LiveLawIndia) February 15, 2024
વાસ્તવમાં, સરકારે ઇલેક્ટોરલ બૉન્ડને RTIમાંથી બાકાત રાખ્યા હતા. એટલે માહિતીના અધિકાર હેઠળ સામાન્ય લોકો આ બૉન્ડ સંબંધિત જાણકારી મેળવી શકે નહીં. પરંતુ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, પાર્ટીના ભંડોળ વિશે જાણકારી મેળવવાનો લોકોને હક છે. આ માટે કોર્ટે કહ્યું છે કે ચૂંટણી પંચે પણ ઇલેક્ટોરલ બૉન્ડ સંબંધિત જાણકારી પોતાની અધિકારિક વેબસાઈટ પર આપવાની રહેશે.
સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બૉન્ડ સ્કીમને ગેરકાયદેસર જાહેર કરી તેના પર પ્રતિબંધ મૂકતાં આદેશ આપ્યો છે કે, રાજકીય પક્ષો દ્વારા બૉન્ડ ખરીદનારાઓની યાદી જાહેર કરવામાં આવે. આ ઉપરાંત કોર્ટે આદેશ આપ્યો છે કે, રાજકીય પાર્ટીઓએ 12 એપ્રિલ, 2019થી લઇ અત્યાર સુધીમાં કોણે બૉન્ડ ખરીદ્યા, કેટલી રકમનું રોકાણ કર્યું એ તમામ માહિતી સ્ટેટ બેન્કને આપવી પડશે. ત્યારબાદ SBI આ બાબતની માહિતી ચૂંટણી પંચને આપશે, જેને ઈલેકશન કમિશન સાર્વજનિક કરશે.
ઈલેક્ટોરલ બૉન્ડ સ્કીમ વર્ષ 2017ના બજેટમાં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ રજૂ કરી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે 29 જાન્યુઆરી, 2018ના રોજ તેને મંજૂરી આપી હતી. આ યોજનાને લાગુ કરવા પાછળનો વિચાર એ હતો કે, તેનાથી રાજકીય પાર્ટીઓને મળતા ફન્ડિંગમાં પારદર્શિતા વધશે. ઈલેક્ટોરલ બૉન્ડ એક પ્રકારની પ્રોમિસરી નોટ છે, જેને બેંક નોટ પણ કહેવામાં આવે છે. કોઈપણ ભારતીય નાગરિક કે કંપની તેને ખરીદી શકે છે. સરકારે કહ્યું હતું કે આ વ્યવસ્થાથી રાજકીય ફન્ડિંગમાં બ્લેક મની અને અન્ય ગોટાળા પર રોક લાગશે. પરંતુ કોર્ટે ચુકાદો આપતાં એવો મત વ્યક્ત કર્યો કે તેના માટે અન્ય વિકલ્પો અપનાવી શકાય તેમ છે.
જોકે, લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ 29A હેઠળ નોંધાયેલ રાજકીય પક્ષો જ આ ચૂંટણી બૉન્ડ સ્વીકારવા માટે પાત્ર હતા. શરત માત્ર એટલી હતી કે છેલ્લી લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં તેમને ઓછામાં ઓછા એક ટકા મત મળવા જોઈએ. બૉન્ડ ખરીદનાર પોતાની પસંદગીના પક્ષને આ બૉન્ડ દાન કરી શકે છે. સ્ટેટ બેન્કની 29 શાખાઓને ચૂંટણી બૉન્ડ ઇસ્યુ કરવા માટે અધિકૃત કરવામાં આવી હતી.