Friday, May 3, 2024
More
    હોમપેજદેશ3 મહિનાની બાળકી પર રેપ બાદ હત્યાનો આરોપ, ટ્રાયલ કોર્ટે 23 દિવસમાં...

    3 મહિનાની બાળકી પર રેપ બાદ હત્યાનો આરોપ, ટ્રાયલ કોર્ટે 23 દિવસમાં સંભળાવી હતી મોતની સજા: સુપ્રીમ કોર્ટે રદ કરીને નવેસરથી ટ્રાયલ હાથ ધરવાનો આપ્યો આદેશ

    અમારો મત છે કે ટ્રાયલ કોર્ટે ઉતાવળમાં સુનાવણી હાથ ધરી હતી અને આરોપીને સ્વબચાવ માટે પૂરતી તકો આપવામાં આવી ન હતી. જેથી ટ્રાયલ કોર્ટનો દોષસિદ્ધિ અને સજા સંભળાવતો ચુકાદો અને તેને મળેલી હાઈકોર્ટની મંજૂરી રદ કરવામાં આવે છે: સુપ્રીમ કોર્ટ

    - Advertisement -

    ગુરૂવારે (19 ઓક્ટોબર) સુપ્રીમ કોર્ટે એક 3 મહિનાની બાળકીના રેપ અને હત્યાના કેસમાં સજા પામેલા એક વ્યક્તિની મૃત્યુદંડની સજા રદ કરી અને નવેસરથી ટ્રાયલ કરવાનો આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે, આરોપીને પોતાનો પક્ષ મૂકવાની પૂરતી તક મળી ન હતી અને ઉતાવળે ટ્રાયલ પૂર્ણ કરી દેવામાં આવી. ઉલ્લેખનીય છે કે ટ્રાયલ કોર્ટે માત્ર 23 દિવસમાં સુનાવણી પૂર્ણ કરીને મોતની સજા સંભળાવી હતી. 

    આ મામલો પાંચ વર્ષ જૂનો છે. ડિસેમ્બર, 2018માં મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક નવીન નામના વ્યક્તિ પર 3 મહિનાની બાળકીની હત્યા અને રેપનો આરોપ લાગ્યો હતો. જેને લઈને સ્થાનિક કોર્ટમાં ટ્રાયલ ચાલી. કોર્ટે ગુનો બન્યાના માત્ર 23 દિવસમાં સુનાવણી પૂર્ણ કરીને ચુકાદો સંભળાવી દીધો હતો અને આરોપીને મૃત્યુદંડ આપ્યો હતો. 

    ટ્રાયલ કોર્ટના આ ચુકાદા વિરૂદ્ધ આરોપીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ હાઈકોર્ટે પણ નીચલી અદાલતનો આદેશ યથાવત રાખ્યો હતો અને સજા પણ ઘટાડી ન હતી. ત્યારબાદ આરોપીએ માર્ચ, 2019માં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. તત્કાલીન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા રંજન ગોગોઈએ નવીનની સ્પેશિયલ લિવ પિટિશનને મંજૂરી આપી હતી અને હાઈકોર્ટના આદેશ પર કામચલાઉ ધોરણે સ્ટે મૂકી દીધો હતો. 

    - Advertisement -

    ત્રણેક વર્ષ સુનાવણી કર્યા બાદ કોર્ટે ગત મહિને ચુકાદો અનામત રાખ્યો હતો. આખરે 19 ઓક્ટોબરે ચુકાદો સંભળાવતાં સુપ્રીમ કોર્ટે આરોપીને થયેલી સજા અને દોષ રદ કરી દીધાં અને કહ્યું કે, ટ્રાયલ નવેસરથી કરવામાં આવે. 

    લાઇવ લૉના રિપોર્ટ અનુસાર, કોર્ટે ટિપ્પણી કરી કે, “અમારો મત છે કે ટ્રાયલ કોર્ટે ઉતાવળમાં સુનાવણી હાથ ધરી હતી અને આરોપીને સ્વબચાવ માટે પૂરતી તકો આપવામાં આવી ન હતી. જેથી ટ્રાયલ કોર્ટનો દોષસિદ્ધિ અને સજા સંભળાવતો ચુકાદો અને તેને મળેલી હાઈકોર્ટની મંજૂરી રદ કરવામાં આવે છે અને આરોપીને સ્વબચાવ માટે પૂરતી તક મળે તે માટે મામલાને ફરીથી ટ્રાયલ માટે નીચલી કોર્ટ પાસે મોકલવામાં આવે છે.” કોર્ટે આદેશમાં ટ્રાયલ કોર્ટ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસિસ ઓથોરિટીને નિર્દેશ આપ્યા કે તેઓ આરોપી તરફે કેસ લડવા માટે તેને વરિષ્ઠ વકીલ ઉપલબ્ધ કરાવવામાં આવે.

    શું છે કેસ? 

    આ કેસ એપ્રિલ, 2018નો છે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક શ્રમિક પરિવારની 3 મહિનાની બાળકીનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. પછીથી તેનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં એક બિલ્ડીંગના ભોંયરામાંથી મળી આવ્યો હતો. ઘટનાના દિવસે અનેક લોકોની પૂછપરછ બાદ એક નવીન ગડકે નામના વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પોલીસે માત્ર 7 દિવસમાં તપાસ પૂર્ણ કરી લીધી હતી અને કોર્ટે 23 દિવસમાં ચુકાદો સંભળાવી દીધો હતો. ત્યારબાદ મામલો મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં ગયો પરંતુ હાઈકોર્ટે પણ તેને યથાવત રાખ્યો હતો. 

    આ ચુકાદામાં હાઈકોર્ટે કહ્યું હતું કે, “નાની બાળકી પર બળાત્કાર એ તેની ગરિમાને અંધારામાં દફનાવી દેવા બરાબર છે. આ બાળકીના પવિત્ર શરીર અને સમાજના આત્મા વિરુદ્ધ કરવામાં આવેલો ગુનો છે અને તે જે રીતે આચરવામાં આવ્યો છે તેને જોતાં તે વધુ ગંભીર બને છે. એવું નથી કે આરોપીએ કોઇ માનસિક તાણમાં આ કૃત્ય કર્યું હોય અને એમ માની શકાય કે ભવિષ્યમાં તે આ પ્રકારનાં કૃતિ કરશે નહીં. આરોપીના કૃત્યને જોતાં આ કેસ ‘રેરેસ્ટ ઑફ ધ રેર’ કેસ ગણવાને પાત્ર છે.” 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં