Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશરાષ્ટ્રપતિએ સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કર્યાં, પીએમ મોદીએ પોસ્ટ કરીને આપી...

    રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કર્યાં, પીએમ મોદીએ પોસ્ટ કરીને આપી શુભેચ્છા: મૂર્તિએ કહ્યું- પરોપકારાર્થમ્ ઇદમ શરીરમ્

    સુધા મૂર્તિ આવા નામાંકિત પરિવારમાંથી આવતા હોવા છતાં ખૂબ સરળ અને સાદું જીવન જીવે છે. તેઓ પ્રસિદ્ધ સામાજિક કાર્યકર્તા અને લેખિકા છે. તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. તેઓ દેશની સહુથી મોટી એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરનાર પ્રથમ મહિલા એન્જિનિયર પણ છે.

    - Advertisement -

    દેશનાં જાણીતાં લેખિકા, શિક્ષિકા, સમાજસેવિકા અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનનાં પૂર્વ ચેયરપર્સન સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યાં છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા તેમના નામની પસંદગી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ વાત તે છે કે મહિલા દિવસના (8 માર્ચ, 2024) રોજ જ તેમનું નામાંકન કરવામાં આવ્યું છે. હાલ તેઓ વિદેશ પ્રવાસે છે, પરંતુ આ બાબતની માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે X પર પોસ્ટ કરીને આપી છે.

    સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યાં તે બાબતની માહિતી આપતાં વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, “મને ખુશી છે કે રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિજીને રાજ્યસભા માટે નોમિનેટ કર્યાં છે. સામાજિક કાર્ય, લોકસેવા તેમજ શિક્ષણ સહિતનાં અનેક ક્ષેત્રોમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ અને અતુલનીય છે. રાજ્યસભામાં તેમની ઉપસ્થિતિ આપણી ‘નારીશક્તિ’નું એક ઉત્તમ ઉદાહરણ હશે, જે દેશના ભવિષ્યને આકાર આપવામાં મહિલાશક્તિ અને ક્ષમતાનું યોગદાન દર્શાવે છે. હું તેમના સફળ સંસદીય કાર્યકાળની શુભેચ્છા પાઠવું છું.

    બીજી તરફ પોતાના નોમિનેશનની માહિતી મળતાં જ સુધા મૂર્તિએ પણ પ્રતિક્રિયા આપી હતી. હાલ તેઓ થાઈલેન્ડના પ્રવાસે છે, પરંતુ તેમણે X પર પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે, “ધન્યવાદ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુ દ્વારા રાજ્યસભા માટે નામાંકિત થવું તે મારા માટે સૌભાગ્ય અને સન્માનની વાત છે. દ્રૌપદી મૂર્મુજી, હું દેશસેવા માટેનો આ અવસર આપવા બદલ ખૂબ-ખૂબ આભારી છું.” તેમણે પરોપકારાર્થમ્ ઇદમ્ શરીરમ્ સાથે પોતાની પોસ્ટ પૂર્ણ કરી હતી.

    - Advertisement -

    કોણ છે સુધા મૂર્તિ?

    ઉલ્લેખનીય છે કે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં 12 સભ્યો એવા નિયુક્ત કરવામાં આવે છે કે જેઓ કળા, રમત-ગમત, સાહિત્ય, સમાજસેવા, કે પછી વિજ્ઞાન સહિતના ક્ષેત્રોમાં નોંધનીય સેવા આપતા હોય. દેશના રાષ્ટ્રપતિ દ્વારા તેમને નામાંકિત કરવામાં આવે છે. સુધા મૂર્તિની ઉમર 73 વર્ષની છે. તેઓ ઇન્ફોસિસના સ્થાપક આર નારાયણ મૂર્તિનાં પત્ની છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક તેમના જમાઈ થાય.

    સુધા મૂર્તિ આવા નામાંકિત પરિવારમાંથી આવતા હોવા છતાં ખૂબ સરળ અને સાદું જીવન જીવે છે. તેઓ પ્રસિદ્ધ સામાજિક કાર્યકર્તા અને લેખિકા છે. તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. તેઓ દેશની સહુથી મોટી એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરનાર પ્રથમ મહિલા એન્જિનિયર પણ છે. તેઓ એક શિક્ષિકા પણ છે અને એન્જિનિયરિંગ ભણાવે છે. તેમણે લખેલાં કન્નડ, મરાઠી અને અંગ્રેજી ભાષાનાં પુસ્તકો ખુબ જ ખ્યાતિ પામ્યાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં