પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં હજુ પણ પ્રદર્શનો ચાલુ જ છે અને TMC નેતા શેખ શાહજહાં અને તેના સાથીઓ વિરુદ્ધ લોકોમાં આક્રોશ ઓછો થયો નથી. તાજેતરમાં પ્રદર્શનકારીઓએ શેખ શાહજહાંના નજીકના સાથી અજીત મેઈતીને માર માર્યો હતો. એટલું જ નહીં, તેના ઘરે પણ તોડફોડ કરવામાં આવી. ધમાલ બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું.
આ ઘટના સંદેશખાલી બ્લૉક 2 વિસ્તારમાં બની હતી, જે જ્યાં પ્રદર્શનો થઈ રહ્યાં છે તેનાથી 15 કિલોમીટર દૂર સ્થિત છે. આક્રોશિત ગ્રામજનો મેઈતીના ઘરમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરીને TMC નેતાને ચપ્પલો વડે માર માર્યો હતો. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે તે શાહજહાંનો નજીકનો માણસ છે અને લેન્ડ ગ્રેબિંગ અને ખંડણી ઉઘરાવવામાં તે પણ સામેલ હતો.
#WATCH | West Bengal: Villagers beat up TMC leader Ajit Maity in Sandeshkhali pic.twitter.com/TOc6qvsind
— ANI (@ANI) February 23, 2024
ન્યૂઝ એજન્સીએ પ્રકાશિત કરેલા વિડીયોમાં ગ્રામજનોનું એક ટોળું TMC નેતાના ઘરની બહાર ઉભી કરવામાં આવેલી વાડ તોડતું જોવા મળે છે. ત્યારબાદ મહિલાઓ અને પુરુષો TMC નેતા સાથે બોલાચાલી કરતા જોવા મળે છે. પછીથી મારપીટ શરૂ થઈ જાય છે, જેમાં અમુક લોકો તેમને ચપ્પલથી મારતા જોવા મળે છે. જ્યાંથી છૂટીને TMC નેતા ભાગી જાય છે અને ઘરના પાછળના ભાગે જતા રહે છે.
આ પહેલાં ગુરુવારે સંદેશખાલીમાં મહિલા પ્રદર્શનકારીઓ અને સ્થાનિકોના જૂથે TMC નેતા શેખ શાહજહાંના ભાઈ સિરાજુદ્દીન શેખની સંપત્તિમાં આગ લગાવી દીધી હતી. તેમનો આરોપ છે કે સિરાજુદ્દીન શેખ અને તેના માણસોએ ગ્રામજનોની જમીન હડપી લીધી છે અને તેના કારણે તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે. ઘટના બાદ પોલીસ પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે ગત 5 જાન્યુઆરીના રોજ EDની એક ટીમ રાશન કૌભાંડ મામલે પૂછપરછ કરવા માટે શેખ શાહજહાંના ઘરે પહોંચી હતી, જ્યાં તેમની ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના થોડા દિવસો બાદ સંદેશખાલીની મહિલાઓએ TMC નેતા અને તેના સાથીઓ વિરુદ્ધ અત્યાચાર અને યૌન શોષણના આરોપો લગાવ્યા હતા. ત્યારથી સતત આ મુદ્દે પ્રદર્શનો થઈ રહ્યાં છે અને શેખ શાહજહાંની ધરપકડની માગ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તે પકડાયો નથી. બીજી તરફ, વડાપ્રધાન મોદી આગામી 6 માર્ચે બંગાળ યાત્રા દરમિયાન સંદેશખાલી જઈ શકે તેવી શક્યતા છે.