Saturday, September 7, 2024
More
    હોમપેજદેશરામજન્મભૂમિ દર્શન કરવા જઈ રહ્યા હતા, રોકવા પર રામધૂન કરવા લાગ્યા તો...

    રામજન્મભૂમિ દર્શન કરવા જઈ રહ્યા હતા, રોકવા પર રામધૂન કરવા લાગ્યા તો ગોળી મારી: બલિદાની કારસેવકોમાં એક નામ રામ અચલ ગુપ્તાનું પણ

    જ્યારે બલિદાનીનો મૃતદેહ શુજાગંજ આવ્યો ત્યારે અંતિમ સંસ્કારમાં SDM પોતે હાજર હતા. લોકોએ દાવો કર્યો હતો કે આ સમય દરમિયાન SDM વિશાલ રાયે હૈયાફાટ રુદન કર્યું હતું અને અંતિમ સંસ્કાર પહેલા રામ અચલના ચરણસ્પર્શ કર્યા હતા. વિશાલ રાય અગાઉ આર્મીમાં હતા, જે નિવૃત્તિ બાદ વહીવટી સેવામાં આવ્યા હતા. વર્તમાનમાં વિશાલ રાય નિવૃત થઇ ચૂક્યા છે.

    - Advertisement -

    22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આ માટે આખા દેશમાં ઉત્સાહ છે અને દિવાળી ઉજવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વમાં હિંદુ સમાજ પણ એ તમામ કારસેવકોને યાદ કરી રહ્યો છે જેમણે ભગવાન રામ માટે બલિદાન આપ્યું હતું. રામ મંદિર માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા લોકોમાં એક નામ રામ અચલ ગુપ્તાનું પણ છે.

    અયોધ્યા જિલ્લાના રૂદૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી રામ અચલ ગુપ્તાની 2 નવેમ્બર, 1990ના રોજ રામજન્મભૂમિ પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે યુપીના તત્કાલીન મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના પિતા મુલાયમ સિંહ યાદવના આદેશ પર પોલીસે કારસેવકો પર ગોળીબાર કર્યો હતો. ઑપઇન્ડિયાએ રામ મંદિર માટે પ્રાણની આહુતિ આપનાર રામ અચલ ગુપ્તાના ઘરે જઇને તેમના પરિવારની હાલની સ્થિતિ અંગે જાણકારી મેળવી.

    કરિયાણાની દુકાનથી ચાલે છે પરિવારનું ગુજરાન

    રામ અચલ ગુપ્તાનો પરિવાર લખનઉ-અયોધ્યા રોડ પાસે શુજાગંજ બજારમાં રહે છે. તેમનો પરિવાર ગુજરાન ચલાવવા માટે કરિયાણાની દુકાન ચલાવે છે. દુકાનનું નામ સંજય કરિયાણા સ્ટોર છે. રામ અચલ માત્ર 26 વર્ષની ઉંમરે વીરગતિને પ્રાપ્ત થયા હતા. તેઓ 2 દીકરા અને 1 દીકરીના પિતા હતા. હાલ તેમના તમામ દીકરા-દીકરીઓનાં લગ્ન થઈ ગયાં છે.

    - Advertisement -

    રામ અચલ ગુપ્તાની પત્નીનું નામ રાજકુમારી ગુપ્તા છે. તેઓ હયાત છે અને તેમની ઉંમર લગભગ 55 વર્ષ છે. પતિના મૃત્યુ બાદ રાજકુમારી ગુપ્તાએ એકલા હાથે બાળકોને ઉછેર્યા હતા. બાળકોનું મોટાભાગનું શિક્ષણ તેમના મોસાળમાં જ થતું હતું. રામ અચલ ગુપ્તાના પુત્ર સંજય ગુપ્તાના જણાવ્યા અનુસાર, તેમનું બાળપણ અત્યંત અભાવ અને ગરીબીમાં વીત્યું હતું.

    આ દુકાન પર નભે છે રામ અચલ ગુપ્તાનો પરિવાર

    બાલ્યકાલથી જ હતા RSSના સ્વયંસેવક

    રામ અચલ ગુપ્તાના પુત્ર સંજય ગુપ્તાએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે તેમના પિતા બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા હતા. લોકો દૂર દૂરથી સંઘની શાખામાં આવતા હતા. પરિવારના સભ્યોનું કહેવું છે કે જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રા શરૂ કરી હતી, તે દરમિયાન પણ રામ અચલ ખૂબ સક્રિય હતા.

    તે સમયે રામ અચલ ગુપ્તા પોતાના ઘરથી લગભગ 5 કિમી દૂર રૂદૌલી બજારમાં પાનની દુકાન લગાવતા હતા. ખૂબ નાની ઉંમરમાં રામ અચલના લગ્ન અયોધ્યાના ખંડસા વિસ્તારની રહેવાસી રાજકુમારી ગુપ્તા સાથે થયા હતા. તેમના પુત્ર સંજયનું કહેવું છે કે તેમના પિતાએ હમેશા ધર્મને પ્રથમ પ્રાધાન્ય આપ્યું અને બાદમાં પરિવારને.

    દર્શન કરાવવાના નામે ભેગા કર્યા અને બાદમાં મારી નાંખ્યા

    રામ મંદિર માટે પ્રાણની આહુતિ આપનાર રામ અચલના ભાઈ રામતેજે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, 28 નવેમ્બર 1990ના રોજ તેઓ પણ પોતાના ભાઈ સાથે કારસેવા કરવા ગયા હતા. કારસેવકોના આ જૂથમાં આસપાસના ગામોના અનેક લોકો હાજર હતા. તે લોકોએ બહારથી આવેલા રામ ભક્તોને પહેલાં ભોજન કરાવ્યું અને તેમને આરામ કરવાની વ્યવસ્થા કરી. ત્યારબાદ રામ અચલ મુખ્ય માર્ગ પર તૈનાત પોલીસકર્મી બચીને પોતાના સાથીઓ સાથે ખેતરોમાંથી થઈને અયોધ્યા તરફ નીકળી ગયા હતા.

    30 ઓક્ટોબર, 1990ના રોજ અયોધ્યામાં કરવામાં આવેલા ધાણીફૂટ ગોળીબારમાં અનેક કારસેવકો વીરગતિ પામ્યા હતા. આમ છતાં રામ અચલ ગુપ્તા પોતાના ઘરે પાછા ફરવા તૈયાર નહોતા થયા. રામતેજ ગુપ્તાએ અમને વધુમાં જણાવ્યું હતું કે 2 નવેમ્બર, 1990ના રોજ તેઓ પોતાના ભાઈ રામ અચલ સાથે અયોધ્યાની મણિરામદાસ છાવણીમાં ભેગા થયા હતા. દેશભરમાંથી હજારોની સંખ્યામાં કારસેવકો ત્યાં હાજર હતા.

    તેમનું કહેવું છે કે પ્રશાસનના કેટલાક અધિકારીઓ ત્યાં આવ્યા હતા અને એ વાત પર સહમતિ કરવામાં આવી હતી કે જન્મભૂમિના દર્શન બાદ તમામ કારસેવકોને તેમના ઘરે મોકલી દેવામાં આવશે. પ્રશાસનની આ સહમતિ પર કારસેવકોની ટુકડીઓ અલગ અલગ દિશાઓમાંથી બહાર આવી અને કડક સુરક્ષા વચ્ચે જન્મસ્થળ તરફ આગળ વધી. ત્યારબાદ પોલીસે અલગ અલગ જગ્યાએ રામજન્મભૂમિ તરફ આગળ વધી રહેલા રામ ભક્તોના જૂથને અટકાવ્યા હતા.

    આ ઘટનાને યાદ કરતા રામતેજે જણાવ્યું હતું કે, તેઓ પોતાના ભાઇ રામ અચલ સાથે જે જૂથમાં જઇ રહ્યા હતા તેને બાડા પોસ્ટ ઓફિસ પાસે રોકી દેવામાં આવ્યું હતું. આ સ્થળ હનુમાનગઢીથી માત્ર અડધો કિલોમીટર દૂર છે. રામ ભક્તોને રોકવામાં આવતા કાર સેવકો ગુસ્સે થયા હતા અને રસ્તા પર બેસીને રામ ભજન ગાવા લાગ્યા હતા. આ દરમિયાન પોલીસની 2 ટીમો ત્યાં પહોંચી હતી. એક ટુકડીના હાથમાં લાકડીઓ હતી અને બીજી પાસે બંદૂકો હતી.

    રામતેજે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, પોલીસે કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વગર ભજન ગાતા કારસેવકો પર હુમલો કર્યો હતો. શરૂઆતમાં લાઠીચાર્જ થયો હતો અને બાદમાં આડેધડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. જેને પગલે ભાગદોડ મચી ગઈ હતી અને રામતેજ તેમના ભાઈ રામ અચલથી અલગ થઈ ગયા હતા. બધે અંધાધૂંધી હતી અને પોલીસ બર્બરતા પર ઉતરી આવી હતી.

    રામતેજ ગુપ્તાનો દાવો છે કે તેમણે આ ભાગદોડમાં દેશના અલગ-અલગ ખૂણેથી આવેલા કારસેવકોને જોયા કે તેઓ પોતાના સાથીઓના શબને ખભે ઊંચકીને આમ-તેમ દોડી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ટીયરગેસના શેલ છોડવાના કારણે બધે જ ધુમાડો ફેલાઈ ગયો અને વચ્ચે ગોળીઓ આવી રહી હતી અને કારસેવકો જમીનમાં પડી રહ્યા હતા.

    રામ અચલ ગુપ્તાનો પાર્થિવ દેહ

    કોઠારી બંધુઓ સાથે રાખવામાં આવ્યો હતો પાર્થિવ દેહ

    રામતેજ ગુપ્તાએ ઑપઇન્ડિયા સાથે વાત કરતા તે ભૂતકાળના દ્રશ્યને યાદ કરીને આક્રોશિત થઇ ગયા હતા. જોકે, બાદમાં પોતાની જાતને સંભાળતાં તેમણે જણાવ્યું કે, ભાગદોડ બંધ થયા બાદ તેણે પોતાના ભાઈની શોધ શરૂ કરી હતી, પરંતુ તે ક્યાંય મળી નહોતા રહ્યા. આખરે મણિરામદાસ છાવણીમાંથી ઘોષણા કરવામાં આવી કે તેમના ભાઈ રામ અચલ વીરગતિને પામ્યા છે.

    રામતેજ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, લાશની શોધખોળ કરતાં તેઓ જ્યારે મણિરામદાસ છાવણી પહોંચ્યા ત્યારે તેમના ભાઈ રામ અચલ ગુપ્તાનો મૃતદેહ ત્યાં જ રાખવામાં આવ્યો હતો. અન્ય અનેક કારસેવકોના ક્ષત-વિક્ષત પાર્થિવ શરીર પણ ત્યાં જ રાખવામાં આવ્યા હતા. આ બલિદાનીઓમાં કોઠારી બંધુઓનો પણ સમાવેશ થતો હતો. રામ અચલને છાતીમાં ગોળી મારવામાં આવી હતી.

    ભાઈના બલિદાનની ગાથા સંભળાવી રહેલા રામતેજ ગુપ્તા

    મૃતદેહ જોઇને SDM પણ રડી પડ્યા અને પગે લાગ્યા

    શુજાગંજ બજારથી રામ અચલનો મૃતદેહ લેવા ગયેલા તેમના કેટલાક પરિચિતો સાથે ઑપઇન્ડિયાએ વાત કરી હતી. તેમણે કહ્યું કે અયોધ્યામાં મુલાયમ સિંહ યાદવની ‘પરિંદા પર ન મારને પાએ’ની જાહેરાત બાદ પ્રશાસન કડક થઈ ગયું હતું. જો કે રૂદૌલીમાં તૈનાત વિશાલ રાય નામના ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (એસડીએમ)એ આ લોકોને ઘણી મદદ કરી હતી. તેમણે મૃતદેહ લેવા ગયેલા લોકો માટે પાસ બનાવડાવી આપ્યા હતા.

    રામ મંદિર માટે પ્રાણની આહુતિ આપનાર રામ અચલનો મૃતદેહ લાવનારા લોકોએ અમને જણાવ્યું કે જ્યારે બલિદાનીનો મૃતદેહ શુજાગંજ આવ્યો ત્યારે અંતિમ સંસ્કારમાં SDM પોતે હાજર હતા. લોકોએ દાવો કર્યો હતો કે આ સમય દરમિયાન SDM વિશાલ રાયે હૈયાફાટ રુદન કર્યું હતું અને અંતિમ સંસ્કાર પહેલા રામ અચલના ચરણસ્પર્શ કર્યા હતા. વિશાલ રાય અગાઉ આર્મીમાં હતા, જે નિવૃત્તિ બાદ વહીવટી સેવામાં આવ્યા હતા. વર્તમાનમાં વિશાલ રાય નિવૃત થઇ ચૂક્યા છે.

    જ્યાં થયો અંતિમ સંસ્કાર, ત્યાં જ બની સમાધી

    રામ અચલ ગુપ્તાના પરિવારે ઘરની સામે જ એક પૌરાણિક જગ્યા પર એક મોટું મંદિર બનાવ્યું છે. આ મંદિરને ભૂમાફિયાઓથી બચાવવા માટે તેમના પરિવારે લાંબી લડાઈ લડી છે. આ મંદિરના એક ભાગમાં રામ અચલનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. જેમાં તમામ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઉપરાંત હિંદુ સંગઠનોના સભ્યો અને અનેક સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. જે જગ્યાએ રામ અચલ ગુપ્તાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યાં સમાધિ અને સ્મારક બનાવવામાં આવ્યું છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, આ સ્મારક આસપાસના હિંદુઓને ધર્મ માટે લડવાની પ્રેરણા આપે છે.

    સમાધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    રામ અચલના પરિવારના સભ્યોએ અમને જણાવ્યું કે તેમને લગભગ 10 વર્ષ પહેલાં સિમી (SIMI) નામના આતંકવાદી સંગઠન તરફથી ધમકીઓ મળી હતી. સમાધિ પાસે મંદિરમાં પત્રિકાઓ ફેંકીને ધમકી આપવામાં આવી હતી. પત્રિકામાં લખ્યું હતું કે ‘અમે આ જગ્યાને બૉમ્બથી ઉડાવી દઈશું’. સંજય ગુપ્તાના જણાવ્યા અનુસાર, ત્યારબાદ તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી અને સ્થાનિક હિંદુઓએ આ ધમકી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે તે સમયે આ કેસમાં પોલીસ કોઇની ધરપકડ કરી શકી ન હતી.

    આ સ્થળે થયા હતા બલિદાનીના અંતિમ સંસ્કાર

    પિતાના બલિદાનને મળે સન્માન અને અધૂરા વાયદા પૂર્ણ થાય

    દિવંગત રામ અચલના પુત્ર સંજય ગુપ્તાએ અમને જણાવ્યું હતું કે, જ્યારે તેમના પિતા વીરગતિ પામ્યા ત્યારે તેમની માતાને ભાજપે ધારાસભ્યની ટિકિટની ઓફર કરી હતી. જોકે, તે સમયે પિતાના દુઃખમાં મૃતકના પરિજનોએ તેને નકારી દીધી હતી. સંજયે એવો પણ દાવો કર્યો છે કે તેમના પિતાના અંતિમ સંસ્કાર દરમિયાન હાજર નેતાઓએ શુજાગંજનું નામ બદલીને રામ અચલ નગર કરવાની જાહેરાત કરી હતી.

    સંજય ગુપ્તાએ અમને વધુમાં જણાવ્યું હતું કે આ જાહેરાત પર હજુ કોઈ અમલ નથી કરવામાં આવ્યો. શુજાગંજનું નામ અવધના પૂર્વ નવાબ શુજાઉદ્દૌલાના નામ પર રાખવામાં આવ્યું છે. કહેવાય છે કે શુજાઉદ્દૌલા લખનઉથી ફૈઝાબાદ (હાલનું અયોધ્યા) શુજાગંજ થઈને આવ-જા કરતો હતો. બાદમાં તેનું નામ શુજાગંજ કરી દેવામાં આવ્યું હતું.

    રામ અચલ ગુપ્તાનો પરિવાર પણ ઈચ્છે છે કે કારસેવામાં પોતાના પ્રાણની આહૂતિ આપનારા લોકો માટે અયોધ્યામાં એક સ્મારક બનાવવામાં આવે. રામ મંદિર નિર્માણથી પોતાને ખૂબ જ ખુશ ગણાવતા સંજય ગુપ્તાએ કહ્યું કે આ કામમાં તેમના પિતાનું યોગદાન તેમના માટે ગર્વની વાત છે. આ પરિવાર હજુ પણ નિયમિત રીતે અયોધ્યા દર્શન કરવા જાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં