Saturday, October 5, 2024
More
    હોમપેજરાજકારણવિકસિત ભારત સંકલ્પ યાત્રાના 50 દિવસ પૂર્ણ, 11 કરોડ લોકો જોડાયા :...

    વિકસિત ભારત સંકલ્પ યાત્રાના 50 દિવસ પૂર્ણ, 11 કરોડ લોકો જોડાયા : પીએમ મોદીએ કહ્યું- સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવાનો ઉદ્દેશ્ય

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, "બે દિવસ પહેલા વિકાસ ભારત સંકલ્પ યાત્રાના 50 દિવસ પૂરા થયા છે. આટલા ઓછા સમયમાં આ યાત્રામાં 11 કરોડ લોકો જોડાયા તે પોતાનામાં અભૂતપૂર્વ છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય સમાજના છેવાડા સુધીના માનવી સુધી પહોંચવાનો છે."

    - Advertisement -

    15 નવેમ્બર 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના ખુંટીથી શરૂ કરાવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના 50 દિવસ પૂર્ણ થઇ ચુક્યા છે. કેન્દ્ર સરકરની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી આ યાત્રા આગામી 25 જાન્યુઆરી 2024 સુધી ચાલશે અને આ દરમિયાન તે દેશના તમામ રાજ્યોના તમામ જીલ્લાઓને આવરી લેશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે ખાસ વાતચીત કરી હતી.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા આ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે આ વાતચીત દરમિયાન કહ્યું કે આ યાત્રા પાછળ સરકારનો એક માત્ર ધ્યેય છે કે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મેળવવાપાત્ર વ્યક્તિ યોજનાનો લાભ મેળવ્યા વગર ન રહી જાય. આ દરમિયાન વડાપ્રધાને આ યાત્રા દ્વારા સરકારની યોજનાઓનો લાભ મેળવેલા લોકોનો આંકડો પણ જણાવ્યો હતો. વડાપ્રધાન મોદીના જણાવ્યા અનુસાર આ યાત્રાના 50 દિવસ પૂર્ણ થઇ ચુક્યા છે અને અત્યાર સુધી તેમાં 11 કરોડ લોકો જોડાયા છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, “બે દિવસ પહેલા વિકાસ ભારત સંકલ્પ યાત્રાના 50 દિવસ પૂરા થયા છે. આટલા ઓછા સમયમાં આ યાત્રામાં 11 કરોડ લોકો જોડાયા તે પોતાનામાં અભૂતપૂર્વ છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય સમાજના છેવાડા સુધીના માનવી સુધી પહોંચવાનો છે. જાગૃતિના અભાવે અથવા અન્ય કારણોસર કેટલાક લોકો સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી જાય છે. અમારી સરકાર આવા લોકો સુધી પહોંચવાની જવાબદારી માને છે. તેથી જ મોદીની ગેરંટીનું આ વાહન ગામડે ગામડે જઈ રહ્યું છે.”

    - Advertisement -

    2 કરોડથી વધુ લોકોના સ્વાસ્થ્યની તપાસ, 12 લાખ લાભાર્થીઓને મળ્યા મફત ગેસ કનેક્શન

    આ સંવાદ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન 2 કરોડથી વધુ ગરીબોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી છે. આ જ સમયગાળા દરમિયાન 1 કરોડ લોકોની ટીબીની તપાસ પણ કરવામાં આવી હતી. 22 લાખ લોકોને સિકલ સેલ એનિમિયા હોવાનું નિદાન થયું છે.” વધુમાં તેમણે જણાવ્યું કે, “વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગરીબોના સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઇ છે. આટલું જ નહીં, આ યાત્રા શરૂ થઇ ત્યારથી અત્યાર સુધી 12 લાખ નવા લાભાર્થીઓએ મફત ગેસ કનેક્શન માટે ઉજ્જવલા યોજના અંતર્ગત નોંધણી કરાવી છે.”

    આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોની તકલીફો દુર કરવા માટે તેમની સરકાર કટિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત ખેડૂતોના ખાતામાં ₹30,000 કરોડની સન્માન રાશી મોકલવામાં આવી છે. સાથે જ તેમણે કહ્યું કે, “અગાઉ એવી ઘણી બહેનો હતી જેમની પાસે સીવણકામ, વણાટ, ભરતકામ જેવી કૌશલ્ય હતી, પરંતુ તેમની પાસે તેમનું કામ શરૂ કરવા માટે કોઈ સાધન નહોતું. મુદ્રા યોજનાએ તેમને તેમના સપના પૂરા કરવાનો આત્મવિશ્વાસ આપ્યો છે. આજે દરેક ગામમાં રોજગાર અને સ્વરોજગારની નવી તક ઊભી થઈ રહી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં