Monday, November 11, 2024
More
    હોમપેજરાજકારણNDAની બહુમત બાદ વડાપ્રધાન મોદીએ આપ્યું પ્રથમ સંબોધન: કહ્યું- ત્રીજી ટર્મમાં દેશ...

    NDAની બહુમત બાદ વડાપ્રધાન મોદીએ આપ્યું પ્રથમ સંબોધન: કહ્યું- ત્રીજી ટર્મમાં દેશ મોટા નિર્ણયોનો નવો અધ્યાય લખશે

    NDA સતત ત્રીજી વખત દેશમાં સરકાર બનાવવા માટે તૈયાર છે. આ ખુશીના પળ વચ્ચે વડાપ્રધાન મોદી કાર્યકર્તાઓ સંબોધિત કરવા માટે દિલ્હીના ભાજપ હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા. ભાજપ હેડક્વાર્ટર ખાતે 'ધન્યવાદ ભારત'ના શીર્ષક હેઠળ વિજય મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    દેશભરમાં લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. અંતિમ વલણના પરિણામ અનુસાર, ભાજપ અને NDA બહુમતી સાથે આગળ વધ્યા છે. NDA સતત ત્રીજી વખત દેશમાં સરકાર બનાવવા માટે તૈયાર છે. તમામ તૈયારીઓ વચ્ચે વડાપ્રધાન મોદી કાર્યકર્તાઓ સંબોધિત કરવા માટે દિલ્હીના ભાજપ હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા. ભાજપ હેડક્વાર્ટર ખાતે ‘ધન્યવાદ ભારત’ના શીર્ષક હેઠળ વિજય મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ભાજપ હેડક્વાર્ટર ખાતે વડાપ્રધાન મોદીએ ભાજપ અને NDAના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.

    દિલ્હી ભાજપ હેડક્વાર્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘જય જગન્નાથ’ના જયઘોષથી પોતાના સંબોધનની શરૂઆત કરી. પોતાના સંબોધનના શરૂઆતમાં જ તેમણે દેશના નાગરિકોનો અભાર માન્યો. તેમણે કહ્યું કે “હું તમામ દેશવાસીઓનો કરજદાર રહીશ.” તેમણે આજના દિવસને ‘મંગળ દિવસ’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, “આ પાવન દિવસ પર NDAની સતત ત્રીજી વાર સરકાર બનવા જઈ રહી છે. અમે જનતા જનાર્દનના આભારી છીએ.”

    ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ: પીએમ મોદી

    પીએમ મોદીએ ભાજપ મુખ્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, “1962 બાદ પહેલી વાર સતત ત્રીજીવાર કોઈ સરકાર પરત સત્તા પર આવી રહી છે. રાજ્યોમાં જ્યાં જ્યાં વિધાનસભા ચૂંટણી થઈ ત્યાં NDAનો ભવ્ય વિજય થયો છે. પછી તે અરુણાચલ પ્રદેશ હોય, આંધ્ર પ્રદેશ હોય, ઓડિશા હોય કે પછી સિક્કિમ હોય. અને આ ચૂંટણીમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ છે. કદાચ ઘણી જગ્યાએ તેમની પાસે ડીપોઝીટ પણ નહીં બચે.”

    - Advertisement -

    દશ વર્ષ પહેલા દેશ નિરાશાની સ્થિતિમાં ગરકાવ થઈ ગયો હતો: પીએમ મોદી

    તેમણે કહ્યું કે, “દસ વર્ષ પહેલાં દેશે અમને જનાદેશ આપ્યો હતો. 2013-14માં દેશ નિરાશાની સ્થિતિમાં ગરકાવ થઈ ગયો હતો. દરરોજ અખબારોની હેડલાઇન્સમાં ભ્રષ્ટાચારના જ સમાચાર આવતા હતા. આવા સમયે દેશે નિરાશાના ઊંડા સમુદ્રમાંથી આશાના મોતી કાઢવાનું કામ અમને સોંપ્યું હતું. તેલંગાણામાં અમારી સંખ્યા બમણી થઈ ગઈ છે. અમારી પાર્ટીએ મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ અને આવા ઘણા રાજ્યોમાં લગભગ ક્લીન સ્વીપ કરી છે. હું અરુણાચલ પ્રદેશ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને સિક્કિમ વિધાનસભાઓના મતદાતાઓનો પણ આભાર માનું છું. હું આ રાજ્યોના લોકોને વિશ્વાસ અપાવું છું કે કેન્દ્ર સરકાર તમારા વિકાસ માટે કોઈ કસર છોડશે નહીં. આ 140 કરોડ ભારતીયોની જીત છે. હું ભાજપના દરેક કાર્યકર્તાનો આભાર માનું છું. રાજ્યોમાં જ્યાં જ્યાં વિધાનસભા ચૂંટણી થઈ ત્યાં એનડીએની જીત થઈ છે.”

    પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કેરળના કાર્યકર્તાઓએ અને બલિદાન આપ્યાં છે. જે ક્ષણની ત્યાંની જનતા પેઢીઓથી રાહ જોતી હતી, તે જ સફળતા હવે સામે આવી ગઈ છે. એવા ઘણા રાજ્યો છે જ્યાં અમારી પાર્ટીએ લગભગ ક્લીન સ્વિપ કરી દીધું છે. હું કહેવા માંગુ છું કે વિકાસ માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં.”

    મારી માતાના ગયા બાદ મારી પ્રથમ ચૂંટણી, દેશની માતાઓએ ઉણપ સાલવા દીધી: પીએમ મોદી

    આ દરમિયાન પીએમ મોદીએ પોતાના માતાને પણ યાદ કર્યા. તેમને કહ્યું કે, “આ ક્ષણ આપણા બધા માટે ભાવુક કરનાર ક્ષણ છે. મારી માતાના ગયા બાદ આ મારી પ્રથમ ચૂંટણી છે. પરંતુ દેશની કોટી-કોટી માતાઓ બહેનોએ મને મારી માતાની ઉણપ નથી સાલવા દીધી. હું જ્યાં પણ ગયો, માતાઓ, બહેનોએ મને અભૂતપૂર્વ સ્નેહ અને આશીર્વાદ આપ્યો. દેશના ઇતિહાસમાં મહિલાઓના મતદાન મામલે તમામ રેકોર્ડ તૂટી ગયા છે. આ પ્રેમ આ ક્ષણોને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. દેશની કોટી-કોટી બહેનો માતાઓએ મને નવી પ્રેરણા આપી છે.”

    ભારત દુનિયામાં સહુથી ઝડપી વિકસિત અર્થવ્યવસ્થા: પીએમ મોદી

    પીએમ મોદીએ કહ્યું, “કોરોના જેવું મોટું સંકટ આવું. અમે એ જ નિર્ણય લીધો જે દેશના હિતમાં હતો. આજે તેનું પરિણામ એ આવ્યું છે કે ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયું છે. આપણી સમક્ષ એક મહાન સંકલ્પ છે, જે વિકસિત ભારતનો છે. અમારા વિરોધીઓ સાથે મળીને એટલી બેઠકો જીતી શક્યા નહીં જેટલી ભાજપ એકલાએ જીતી હતી. એનડીએએ હંમેશા સમાજના વિકાસ માટે કામ કર્યું છે. જ્યાં સુધી ગરીબી દેશના ભૂતકાળનો ભાગ નહીં બને ત્યાં સુધી આપણે અટકશું નહીં. અમે દરેક ક્ષેત્રમાં માતાઓ, બહેનો અને દીકરીઓને નવી તકો આપી રહ્યા છીએ. અમે સ્વરોજગારીની તકો વધારી છે. અમે ભારતને વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું મોબાઇલ ઉત્પાદક બનાવ્યું છે.”

    ત્રીજી ટર્મમાં દેશ મોટા નિર્ણયોનો નવો અધ્યાય લખશે: પીએમ મોદી

    પીએમ મોદીએ કહ્યું, “જો તમે (દેશવાસીઓ) 10 કલાક કામ કરશો તો મોદી 18 કલાક કામ કરશે, તમે બે ડગલાં ચાલશો તો મોદી ચાર પગલાં ભરશે. આપણે ભારતીયો સાથે મળીને આગળ વધીશું, દેશને આગળ વધારીશું. ત્રીજી ટર્મમાં દેશ મોટા નિર્ણયોનો નવો અધ્યાય લખશે અને આ મોદીની ગેરંટી છે. આ લોકસભા ચૂંટણીમાં ભાજપે એકલા હાથે જેટલી બેઠકો જીતી હતી તેટલી બેઠકો અમારા વિરોધીઓ જીતી શક્યા નથી. હું દેશના દરેક ખૂણામાં હાજર ભાજપના કાર્યકર્તાઓને કહેવા માંગીશ, તમારી મહેનત, આટલી ગરમીમાં તમારો જે પરસેવો વહ્યો છે, તે મોદીને સતત કામ કરવાની પ્રેરણા આપે છે.”

    પીએમ મોદીએ આગળકહ્યું કે, “એનડીએ સરકારની પ્રતિબદ્ધતા હંમેશાથી સમાજના દરેક ક્ષેત્ર અને વર્ગના વિકાસ માટે રહી છે. છેલ્લા 10 વર્ષમાં અમે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે, તેમાં મોટી સંખ્યામાં એસસી, એસટી, ઓબીસી છે. જ્યાં સુધી ગરીબી દેશના ભૂતકાળનો ભાગ નહીં બને ત્યાં સુધી અમે અટકીશું નહીં.” ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ વંદે માતરમના જયઘોષ સાથે પોતાના વક્તવ્યને વિરામ આપ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં