Sunday, April 28, 2024
More
    હોમપેજદેશજ્ઞાનવાપી પરિસરમાં બંધ નહીં થાય પૂજાપાઠ, રોક લગાવવાનો અલાહાબાદ હાઈકોર્ટનો ઈનકાર: મસ્જિદ...

    જ્ઞાનવાપી પરિસરમાં બંધ નહીં થાય પૂજાપાઠ, રોક લગાવવાનો અલાહાબાદ હાઈકોર્ટનો ઈનકાર: મસ્જિદ સમિતિને ન મળી રાહત, વધુ સુનાવણી 6 ફેબ્રુઆરીએ 

    કોર્ટે મસ્જિદ સમિતિને પોતાની અપીલમાં સંશોધન કરવા માટે કહ્યું છે અને આ મામલે હવે આગામી સુનાવણી આગામી 6 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. દરમ્યાન, પૂજાપાઠ ચાલુ રહેશે.

    - Advertisement -

    વિવાદિત ઢાંચા જ્ઞાનવાપી પરિસરમાં આવેલા ભોંયરા ‘વ્યાસજી કા તહેખાના’માં વારાણસી કોર્ટના આદેશથી પૂજાપાઠ શરૂ થયા બાદ મસ્જિદનું સંચાલન કરતી અંજુમન એ ઇંતેજામિયા મસ્જિદ સમિતિ અલાહાબાદ હાઈકોર્ટ પહોંચી હતી અને તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે ઈનકાર કરી દીધો છે. જેથી હાલ પૂજાપાઠ ઉપર કોઇ પણ પ્રકારની રોક લાગશે નહીં. હાઈકોર્ટે સ્થાનિક તંત્રને સ્થળની સુરક્ષા કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે આદેશ આપ્યા છે. 

    કોર્ટે મસ્જિદ સમિતિને પોતાની અપીલમાં સંશોધન કરવા માટે કહ્યું છે અને આ મામલે હવે આગામી સુનાવણી આગામી 6 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. દરમ્યાન, પૂજાપાઠ ચાલુ રહેશે. કોર્ટે તંત્રને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે અને કોઇ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે જણાવ્યું છે. 

    કોર્ટમાં શું દલીલો થઈ?

    મસ્જિદ સમિતિએ કોર્ટમાં 31 જાન્યુઆરીના વારાણસી કોર્ટના આદેશને પડકાર્યો હતો, જેમાં વ્યાસજી કા તહેખાનામાં પૂજા કરવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ કોર્ટે પૂછ્યું કે તેમણે 17 જાન્યુઆરીના જિલ્લા કોર્ટના આદેશને ન પડકારીને ત્યારબાદના પૂજાની પરવાનગીના આદેશને શા માટે પડકાર્યો? નોંધવું જોઈએ કે 17 જાન્યુઆરીએ વારાણસી કોર્ટે ભોંયરાનું નિયંત્રણ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપી દીધું હતું. ત્યારબાદ 31 જાન્યુઆરીએ પૂજાની પરવાનગી આપવામાં આવી. 

    - Advertisement -

    કોર્ટના સવાલનો જવાબ આપતાં મુસ્લિમ પક્ષના વકીલે દલીલ કરી કે, તેઓ આ આદેશને પડકારવા માટે તૈયારી કરી રહ્યા હતા પરંતુ તે દરમિયાન પૂજાની પરવાનગી આપતો આદેશ પસાર કરી દેવામાં આવ્યો. જેની ઉપર કોર્ટે તેમને અપીલમાં સંશોધન કરીને ફરી દાખલ કરવા માટે જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી મસ્જિદ સમિતિ 17 જાન્યુઆરીના આદેશને ન પડકારે ત્યાં સુધી તેઓ આ મામલે સુનાવણી કરી શકશે નહીં.

    મસ્જિદ સમિતિએ કહ્યું હતું કે, તેઓ અરજીમાં સુધારો કરવા માટે પ્રક્રિયા શરૂ કરશે પરંતુ કોર્ટ તેમની આ અરજી સ્વીકારી લે અને આગામી આદેશ સુધી પૂજાપાઠ ઉપર વચગાળાની રોક લગાવી દે. એવી પણ દલીલ કરી કે જિલ્લા કોર્ટે અગાઉના આદેશમાં DMને યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો અને ત્યારબાદના આદેશમાં પૂજાની પરવાનગી આપી દેવામાં આવી, જે બંને વિરોધાભાસ સર્જે છે અને જેથી પૂજા પર રોક લાગવી જોઈએ. 

    બીજી તરફ, હિંદુ પક્ષ તરફે એડવોકેટ વિષ્ણુશંકર જૈને દલીલ કરી હતી કે આ અપીલ સાંભળવાયોગ્ય જ નથી અને 31 જાન્યુઆરીનો આદેશ 17 જાન્યુઆરીના આદેશ પર જ આધારિત હતો. મસ્જિદ સમિતિએ આજ સુધી 17 જાન્યુઆરીના આદેશને પડકાર્યો નથી. તેમણે કોર્ટને એમ પણ જણાવ્યું કે, વ્યાસ પરિવાર પાસે ભોંયરાની ચાવી પણ હતી અને ASIના રિપોર્ટમાં સામે આવ્યું કે ભોંયરામાં કોઇ દરવાજો નથી અને તેનો કબજો લઇ લેવાયો હતો, જેના આધારે કોર્ટે DMને નિયંત્રણ સોંપ્યું હતું. 

    દલીલોને અંતે કોર્ટે UP સરકારને નિર્દેશ કર્યો કે તેઓ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખે અને ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખે. બીજી તરફ, કોર્ટે કોઇ વચગાળાની રોક લગાવવાનો ઇનકાર કર્યો અને મસ્જિદ સમિતિને નવી અરજી સાથે 6 ફેબ્રુઆરીએ આવવા માટે જણાવ્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં