ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં હિંસા બાદ હજુ પણ અજંપાભરી સ્થિતિ છે. અહીં ગેરકાયદેસર મદરેસા અને મસ્જિદ હટાવવા પહોંચેલી પ્રશાસનની ટીમ પર મુસ્લિમ ટોળાંએ હુમલો કરી દીધો હતો, ત્યારબાદ હિંસા ફાટી નીકળી. હવે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ વિવાદિત જગ્યા પર પોલીસ મથકનું નિર્માણ કરવાની ઘોષણા કરી છે. આ ઘોષણા તેમણે હરિદ્વાર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કરી હતી. કાર્યક્રમ પહેલાં તેમણે એક રેલીમાં પણ ભાગ લીધો હતો.
સોમવારે (12 ફેબ્રુઆરી, 2024) ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામી હરિદ્વારના પ્રવાસે હતા. અહીં તેમણે ‘નારી શક્તિ મહોત્સવ’ નામના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિશાળ જનમેદનીને સંબોધતાં તેમણે હલ્દ્વાની હિંસાની ઘટના યાદ કરી હતી. તેમણે લોકોને સંબોધતાં કહ્યું હતું કે, “બનભૂલપુરા, હલ્દ્વાનીમાં જે જગ્યાએ ગેરકાયદેસર અતિક્રમણ હટાવવામાં આવ્યું, ત્યાં હવે પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. ઉપદ્રવીઓ અને રમખાણ કરનારાઓ માટે અમારી સરકારનો આ સ્પષ્ટ સંદેશ છે કે દેવભૂમિની શાંતિ સાથે ચેડાં કરનારા કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે, આવા ઉપદ્રવીઓ માટે ઉત્તરાખંડમાં કોઈ સ્થાન નથી.”
बनभूलपुरा, हल्द्वानी में जिस जगह से अवैध अतिक्रमण हटाया गया वहां पर अब पुलिस थाने का निर्माण किया जाएगा।
— Pushkar Singh Dhami (@pushkardhami) February 12, 2024
उपद्रवियों और दंगाइयों के लिए हमारी सरकार का यह स्पष्ट संदेश है कि देवभूमि की शांति से खिलवाड़ करने वाले किसी भी व्यक्ति को छोड़ा नहीं जाएगा, ऐसे उपद्रियों के लिए उत्तराखण्ड… pic.twitter.com/kUQsHCCpeq
ઉલ્લેખનીય છે કે નારી શક્તિ મહોત્સવમાં ભાગ લેતા પહેલા મુખ્યમંત્રી ધામીએ વિશાળ રોડ-શો કર્યો હતો. આ રોડ-શોમાં ઢોલ નગારા અને અનેક વાહનો સામેલ થયાં હતાં. આ દરમિયાન મુખ્યમંત્રી સાથે રાજ્યસભા સાંસદ કલ્પના સૈની, સાંસદ ડૉ. રમેશ પોખરિયાલ નિંશક, ધારાસભ્ય મદન કૌશિક, આદેશ ચૌહાણ પ્રદીપ બત્રા વગેરે હાજર હતા.
ઉલ્લેખનીય છે કે, 8 ફેબ્રુઆરી 2024ના રોજ ઉત્તરાખંડના હલ્દ્વાનીના બનભૂલપુરામાં ગેરકાયદેસર મદરેસા અને મસ્જિદને તોડી પાડવાને લઈને હિંસા આચરવામાં આવી હતી. ગેરકાયદેસર બાંધકામ અંગે વરિષ્ઠ પોલીસ અધિક્ષક પ્રહલાદ મીણાએ જણાવ્યું હતું કે, મદરેસા-મસ્જિદ ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરેલી સરકારી જમીન પર બાંધવામાં આવી હતી. જેને તોડી પાડવાની કાર્યવાહી કોર્ટના આદેશથી કરવામાં આવી હતી.
પોલીસે આ મામલે કુલ 5 હજારના ટોળા અને અમુક વિરુદ્ધ નામજોગ ગુનો નોંધ્યો છે, જેમાંથી કુલ 30 વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે બાકીનાની પણ શોધખોળ ચાલી રહી છે. હાલ વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ખડકાયો છે અને શાંતિનો માહોલ છે.