Friday, November 22, 2024
More
    હોમપેજદેશ‘પારસીઓ સૌથી ઓછી સંખ્યામાં, છતાં...’: ભારતમાં મુસ્લિમોના ભવિષ્ય વિશે પૂછાયેલા પ્રશ્નનો PM...

    ‘પારસીઓ સૌથી ઓછી સંખ્યામાં, છતાં…’: ભારતમાં મુસ્લિમોના ભવિષ્ય વિશે પૂછાયેલા પ્રશ્નનો PM મોદીએ આપ્યો જવાબ, કહ્યું- ભારતીય સમાજ ક્યારેય નથી કરતો ભેદભાવ

    આખી એક ઇકોસિસ્ટમ છે જે સ્વતંત્રતાનો ફાયદો ઉઠાવીને એડિટોરિયલ, ટીવી ચેનલો, સોશિયલ મિડિયા, ટ્વીટ્સ વગેરે મારફતે અમારી વિરુદ્ધ દરરોજ આરોપ લગાવતી રહે છે. તેમને તેમ કરવાનો અધિકાર પણ છે, પરંતુ અન્યોને પણ તથ્યો સાથે જવાબ આપવાનો તેટલો જ અધિકાર છે: વડાપ્રધાન

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમેરિકન અખબાર ‘ધ ફાયનાન્સિયલ ટાઈમ્સ’ને ઈન્ટરવ્યુ આપતાં ભારતમાં લઘુમતીઓની સ્થિતિને લઈને ચર્ચા કરી હતી. વડાપ્રધાને પારસીઓનું ઉદાહરણ આપતાં કહ્યું કે, ભારતીય સમાજ કોઇ પણ ધાર્મિક લઘુમતી સમુદાય પ્રત્યે કોઇ પણ પ્રકારનો ભેદભાવ રાખતો નથી. 

    ઇન્ટરવ્યુ દરમિયાન PM મોદીને ભારતમાં મુસ્લિમોના ભવિષ્ય અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે પારસીઓનું ઉદાહરણ આપ્યું અને તેમણે તેમને ‘રિલિજિયસ માઈક્રો માઇનોરિટી’ ગણાવ્યા. એટલે કે તેઓ લઘુમતીઓમાં પણ સૌથી ઓછી વસ્તી ધરાવે છે. આગળ કહ્યું કે, તેમ છતાં તેમણે ખૂબ ઔદ્યોગિક વિકાસ કર્યો છે. 

    પીએમ મોદીએ પારસીઓને લઈને કહ્યું, “તેમને વિશ્વના અન્ય ખૂણે પ્રતાડિત કરવામાં આવ્યા, પરંતુ ભારતમાં તેમને એક સુરક્ષિત સ્થાન મળ્યું અને હાલ ખુશીથી જીવન પણ જીવી રહ્યા છે અને સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે.” આગળ તેઓ કહે છે, “આ દર્શાવે છે કે ભારતીય સમાજ ક્યારેય પણ કોઇ પણ ધાર્મિક લઘુમતી સમુદાય પ્રત્યે ભેદભાવની ભાવના દર્શાવતો નથી.” જોકે, ફાયનાન્સિયલ ટાઇમ્સે લખ્યું છે કે વડાપ્રધાને જવાબમાં મુસ્લિમ લઘુમતીઓનો ચોકકસ ઉલ્લેખ કર્યો ન હતો. 

    - Advertisement -

    ‘એક ઈકોસિસ્ટમ કાયમ આરોપો લગાવતી રહે છે, પણ તથ્યો સાથે જવાબ આપવાનો અમને પણ અધિકાર’

    પીએમ મોદીએ આગળ કહ્યું કે, “આખી એક ઇકોસિસ્ટમ છે જે સ્વતંત્રતાનો ફાયદો ઉઠાવીને એડિટોરિયલ, ટીવી ચેનલો, સોશિયલ મિડિયા, ટ્વીટ્સ વગેરે મારફતે અમારી વિરુદ્ધ દરરોજ આરોપ લગાવતી રહે છે. તેમને તેમ કરવાનો અધિકાર પણ છે, પરંતુ અન્યોને પણ તથ્યો સાથે જવાબ આપવાનો તેટલો જ અધિકાર છે.” 

    અંતે પીએમ મોદીએ એ બાબત પર ધ્યાન દોર્યું કે બહારથી જેઓ પણ આવ્યા છે તેમણે ભારતને હંમેશા ઓછું આંક્યું છે, પરંતુ તેઓ ખોટા જ પડ્યા છે. પીએમ કહે છે, “1947માં જ્યારે ભારતે સ્વતંત્રતા મેળવી ત્યારે બ્રિટિશોએ ભારતના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ આજે એ તમામ ભવિષ્યવાણીઓ, અનુમાનો અને પૂર્વગ્રહો ખોટાં સાબિત થયાં છે. આજે જેમને અમારી સરકાર સામે શંકા-કુશંકાઓ છે, તેઓ પણ ખોટા જ પડશે.”

    અહીં નોંધવું જોઈએ કે વિદેશી મીડિયા વર્ષોથી ચાલતા આવતા પ્રોપગેન્ડાના ભાગરૂપે કાયમ મોદી સરકાર પર મુસ્લિમ લઘુમતીઓ પર અત્યાચાર કરવાના ખોટા આરોપ લગાવતું રહ્યું છે. પરંતુ વાસ્તવિકતા જોજનો દૂર છે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં FTના આ જ ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાના કથિત પ્લોટને લઈને પણ જવાબ આપ્યા હતા અને કહ્યું હતું કે જો કોઈ દેશ અમને માહિતી આપે છે તો અમે ચોક્કસપણે તેની ઉપર કામ કરીએ છીએ અને અમારા કોઈ નાગરિકે કશું ખોટું કર્યું હશે તો જરૂરથી કાર્યવાહી થશે. બીજી તરફ, તેમણે વિદેશોમાં સક્રિય ભારતવિરોધી ચરમપંથી અને આતંકવાદી જૂથો પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં