ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં ભારત આવી પહોંચ્યા છે. ગુરુવારે (25 જાન્યુઆરી, 2024) તેઓ રાજસ્થાન આવી પહોંચ્યા હતા, જ્યાં વિદેશ મંત્રી એસ જયશંકરે તેમનું સ્વાગત કર્યું. પછીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જયપુર પહોંચ્યા હતા. અહીં બંને નેતાઓએ રોડ શો પણ કર્યો. રોડ શો બાદ વડાપ્રધાન મોદીએ ફ્રેંચ રાષ્ટ્રપતિ મેક્રોંને અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી હતી.
એક વિડીયો સામે આવ્યો છે, જેમાં પીએમ મોદી રાષ્ટ્રપતિ મેક્રોંને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપતા જોઈ શકાય છે. મેક્રોં મંદિરની રેપ્લિકા નિહાળતા જોવા મળે છે. આ એ જ મંદિરની નાનકડી પ્રતિકૃતિ છે, જે અયોધ્યામાં બની રહ્યું છે. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલાં આ પ્રકારની રેપ્લિકા બહુ પ્રખ્યાત બની હતી અને વેચાણ પણ ખૂબ થયું હતું.
#WATCH | Rajasthan: Prime Minister Narendra Modi gifts a replica of Ram Mandir to French President Emmanuel Macron, in Jaipur. pic.twitter.com/l9K91lOOt8
— ANI (@ANI) January 25, 2024
બંને રાષ્ટ્રાધ્યક્ષોએ જયપુરમાં એક ભવ્ય રોડ શો પણ કર્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમને મળવા માટે આવ્યા હતા. લોકોએ બંને નેતાઓ પર ફૂલ પણ વરસાવ્યાં. સામે આવેલા વિડીયોમાં મેક્રોં અને મોદી લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળે છે. દરમ્યાન, વડાપ્રધાન રાષ્ટ્રપતિ મેક્રોંને કશુંક જાણકારી આપતા પણ દેખાય છે.
આ રોડ શો જંતર-મંતરથી શરૂ થયો હતો અને 1.5 કિલોમીટરનું અંતર કાપીને હવામહેલ પહોંચ્યો હતો. અહીં બંને નેતાઓએ પ્રખ્યાત સ્થળની મુલાકાત લીધી. જ્યાં તેમણે એક હસ્તશિલ્પની દુકાનની મુલાકાત લીધી હતી. અહીં પીએમ મોદીએ રાષ્ટ્રપતિ મેક્રોં માટે રામ મંદિરનું નાનો મોડેલ ખરીદ્યું હતું અને તે માટે UPIથી 500 રૂપિયાનું પેમેન્ટ પણ કર્યું. ત્યારબાદ તેમણે આ મંદિરની પ્રતિકૃતિ મેક્રોંને ભેટમાં આપી હતી.
ત્યાંથી તેઓ સાહુ ટી-સ્ટૉલની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં PM મોદીએ ફ્રેંચ રાષ્ટ્રપતિને ચા અને કુલ્હડ વિશે જણાવ્યું હતું. દુકાનદારે પૈસા સ્વીકારવાની ના પાડી હતી પરંતુ પીએમ મોદીએ UPIના માધ્યમથી ચૂકવણી કરી અને આ દરમિયાન UPI વિશે ફ્રેંચ રાષ્ટ્રપતિને જાણકારી પણ આપી.
#WATCH | Rajasthan: Prime Minister Narendra Modi and French President Emmanuel Macron visited a tea stall and interacted with each other over a cup of tea, in Jaipur.
— ANI (@ANI) January 25, 2024
French President Emmanuel Macron used UPI to make a payment. pic.twitter.com/KxBNiLPFdg
ત્યારબાદ બંને નેતાઓ દ્વિપક્ષીય વાર્તા માટે રામબાગ પેલેસ રવાના થયા હતા. અહીં રાષ્ટ્રપતિ મેક્રોંના સન્માનમાં એક ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભોજન બાદ બંને નેતાઓ દિલ્હી જવા માટે રવાના થઈ ગયા. 26 જાન્યુઆરીએ તેઓ કર્તવ્ય પથ પર આયોજિત પરેડમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં ઈમેન્યુઅલ મેક્રોં મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે. ભારતના ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે સામેલ થનાર મેક્રોં છઠ્ઠા ફ્રેંચ રાષ્ટ્રપતિ છે.