PM નરેન્દ્ર મોદીની રશિયા યાત્રા પૂર્ણ થઈ ચૂકી છે. 8 અને 9 જુલાઈના દિવસો તેમણે રશિયાના મોસ્કો શહેરમાં વિતાવ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપતિ પુતિન સાથે શિખર મંત્રણા કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. જ્યારે હવે 10 જુલાઈના રોજ PM મોદી મોસ્કોથી સીધા ઓસ્ટ્રિયા પહોંચ્યા છે. અહીં તેઓ વિયેના શહેર પહોંચ્યા હતા. જ્યાં ઓસ્ટ્રિયન વિદેશ મંત્રી એલેક્ઝેન્ડર શાલેનબર્ગે તેમનું રેડ કાર્પેટની સાથે સ્વાગત કર્યું હતું. PM મોદીના સ્વાગત માટે ઓસ્ટ્રિયન વિદેશ મંત્રી પોતે એરપોર્ટ પર રાહ જોઈને ઊભા હતા.
બુધવારે (10 જુલાઈ) PM મોદી મોસ્કોથી સીધા ઓસ્ટ્રિયા પહોંચ્યા છે. અહીં તેઓ ઓસ્ટ્રિયન રાષ્ટ્રપતિ વેન ડેર બેલેન અને ચાન્સલર કાર્લ નેહમર સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા. તેમણે ઓસ્ટ્રિયન ચાન્સલર સાથે મુલાકાત પણ કરી છે. ત્યારબાદ વડાપ્રધાન મોદી વિયેના શહેરની એક હોટેલ પર રોકાયા હતા. જ્યાં પહોંચતા સમયે બહાર મોટી સંખ્યામાં ભારતવંશીઓ તેમના સ્વાગત માટે એકઠા થઈ ગયા હતા. દરમિયાન લોકોએ ‘વંદે માતરમ’ના નારા પણ લગાવ્યા હતા.
Landed in Vienna. This visit to Austria is a special one. Our nations are connected by shared values and a commitment to a better planet. Looking forward to the various programmes in Austria including talks with Chancellor @karlnehammer, interactions with the Indian community and… pic.twitter.com/PJaeOWVOm1
— Narendra Modi (@narendramodi) July 9, 2024
ઓસ્ટ્રિયન ચાન્સલર કાર્લ નેહમરે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ સેલ્ફી લીધી હતી અને ત્યારબાદ તેમણે સેલ્ફીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિયેનામાં તમારું હાર્દિક સ્વાગત છે. ઓસ્ટ્રિયામાં તમારું સ્વાગત કરવું ખુશી અને સન્માનની વાત છે. ઓસ્ટ્રિયા અને ભારત, મિત્ર અને ભાગીદાર છે. હું તમારી યાત્રા દરમિયાન આપણી રાજનૈતિક અને આર્થિક ચર્ચાઓની રાહ જોઈ રહ્યો છું.”
Happy to meet you in Vienna, Chancellor @karlnehammer. The India-Austria friendship is strong and it will get even stronger in the times to come. https://t.co/Sr1FSjVnk3
— Narendra Modi (@narendramodi) July 9, 2024
ઓસ્ટ્રિયન ચાન્સલરની પોસ્ટને રિપોસ્ટ કરતાં વડાપ્રધાન મોદીએ લખ્યું કે, “ચાન્સલર કાર્લ નેહમર, વિયેનામાં તમને મળીને ખુશી થઈ છે. ભારત-ઓસ્ટ્રિયાની મિત્રતા મજબૂત છે અને આવનારા સમયમાં તે વધુ મજબૂત થશે. ઉત્સાહપૂર્વક સ્વાગત માટે તમારો ધન્યવાદ. હું આપણી ચર્ચાઓની રાહ જોઈ રહ્યો છું. આપણાં દેશો વૈશ્વિક કલ્યાણ માટે મળીને કાર્ય કરવાનું સતત ચાલુ રાખશે.”
માહિતી અનુસાર, આ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ કરારો થવાની સંભાવના છે. આ 40 વર્ષથી વધુ સમય બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની ઓસ્ટ્રિયા યાત્રા છે. તેથી આ યાત્રાને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ થઈ ચૂક્યા છે. તેથી બંને દેશોના વડા આ મામલે સંબંધોને વધુ મધુર બનાવવા માટે વાતચીત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી હવે ઓસ્ટ્રિયન રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે અને દ્વિપક્ષીય વાર્તાલાપ પણ થશે.