ફિલ્મ કલાકાર શાહરૂખ ખાનની અગામી ફિલ્મ ‘પઠાણ’ હાલમાં તેના એક ગીતના કારણે વિવાદોમાં ફસાઈ છે. આ વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો અને તેની જ અગલી કડીના ભાગરૂપે હવે નવો વિવાદ થયો છે. વાત જાણે એમ છે કે દીપિકા અને શાહરૂખનાં એક અશ્લીલ કક્ષાના ગીતનો ફોટો વાયરલ થયો હતો. જેમાં દીપિકાએ ભગવા કપડા પહેર્યા હતા. કોઈ ટીખળખોરે ફોટો એડિટ કરીને દીપિકાની જગ્યાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ચહેરો મૂકી દીધો હતો.
આ એડિટ કરેલો ફોટો સોશિયલ મીડિયામાં વીજળી વેગે વાયરલ થયો હતો, જેમાં લોકોએ એક હિંદુ યોગીને આવી અશ્લીલ સ્થિતિમાં દર્શાવવા માટે ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો. ઘણા સોશિયલ મીડિયા યુઝરોએ યુપી પોલીસને ટેગ કરી કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું હતું.
સોશિયલ મીડિયામાં મામલો ગરમાતા યુપી પોલીસ હરકતમાં આવી હતી. યુપીના લખનૌ ખાતે પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR નોંધાઈ છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હોવાથી આઈટી એક્ટ અનુસારની કલમો પણ ઉમરવામાં આવી છે. હાલમાં લખનૌ પોલીસની ટીમ તપાસમાં લાગી છે.
નોંધનીય છે કે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આવી રહી છે, જેમાં મુખ્ય અભિનેત્રી તરીકે દીપિકા પાદુકોણ છે. દીપિકા પાદુકોણ પણ અગાઉ જેએનયુમાં કથિત ટુકડે ટુકડે ગેંગ સાથે પણ ઉભી રહી હતી, ત્યારથી જ તે હંમેશા બોયકોટનો શિકાર બની રહી છે. જ્યારે લોકો શાહરૂખના પાકિસ્તાન પ્રત્યેના વલણ અને ભારત દેશમાં સહિષ્ણુ નથી તે અંગેના તેના કથિત બયાનના કારણે બોયકોટનો શિકાર બની રહ્યો છે. જો કે હાલમાં વિવાદ એક ગીતમાં ભગવા વસ્ત્ર પહેરીને દીપિકા નૃત્ય કરે છે સાથે ગીતમાં “બેશરમ રંગ” શબ્દ વપરાયો છે. આ બે બાબતો જોડીને લોકો વિરોધ કરી રહ્યા છે.
હાલમાં બોલીવુડ તેની કપરી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. મોટા બજેટની ઘણી ફિલ્મો નિષ્ફળ જઈ રહી છે. જેમાં આમિર ખાનની લાલસિંઘ ચડ્ડા પણ છે. એવામાં જો પઠાણ ફિલ્મ પણ ફ્લોપ જાય તો બોલીવુડની હાલત દુષ્કાળમાં અધિક માસ જેવી થશે.
જોકે, ફિલ્મ પર નિષ્ફળતાનો થપ્પો ન લાગે તે માટે શાહરૂખ અને દીપિકા FIFA world cupની ફાઇનલ મેચમાં પ્રમોશન માટે પણ પહોંચ્યાં હતા. તેનો કેટલો ફાયદો થાય તે તો આવનારો સમય જ બતાવશે.