લોકસભા ચૂંટણીને લઈને દરેક રાજનેતા ચૂંટણી અભિયાનમાં વ્યસ્ત છે. તે જ અનુક્રમે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અનેક જગ્યાએ જનસભાને સંબોધિત કરી રહ્યા છે. દરમિયાન તેમણે બહારાઈચ સ્થિત નાનપારામાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા હતા. ઉપરાંત યોગી આદિત્યનાથે પાકિસ્તાનના સમર્થકોને લાસ્ટ વોર્નિંગ પણ આપી છે કે, પાકિસ્તાનના નારા લગાવનારાઓનો એ હાલ કરવામાં આવશે, જે મહારાજા સુહેલ દેવે સૈયદ સાલાર મસૂદનો કર્યો હતો. તેમણે પાકિસ્તાન પ્રેમીઓને પાકિસ્તાન જવાનું પણ કહી દીધું છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બહરાઈચ ખાતે જનસભાને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. સભાને સંબોધિત કરતાં તેઓ પાકિસ્તાનના નારા લગાવનારા સમર્થકો પર તૂટી પડ્યા હતા. યોગી આદિત્યનાથે પાકિસ્તાન સમર્થકોને અંતિમ ચેતવણી આપી દીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “ભારતમાં મોટી સંખ્યામાં એવા લોકો છે, જેનું દિલ પાકિસ્તાન માટે ધડકે છે. આ લોકો રહે છે ભારતમાં, ખાય છે ભારતનું.. પરંતુ તેમની વફાદારી સરહદ પાર પાકિસ્તાન સાથેની છે. આવા લોકોથી આપણે સાવધાન રહેવું જોઈએ.”
તેમણે વધુમાં કહ્યું કે, “જે ભિખારી પાકિસ્તાનના નારા લગાવે છે, તેઓ ત્યાં જ ચાલ્યા જાય અને દેશ પર ભારરૂપ ન બને.” તેમણે કહ્યું કે, “જે લોકો પાકિસ્તાનના નારા લગાવે છે, તેનો એ હાલ કરી દઈશું, જે મહારાજા સુહેલ દેવે સૈયદ સાલાર મસૂદ ગાજીનો કર્યો હતો.” નોંધવા જેવુ છે કે, બહરાઈચમાં ઇસ્લામી આક્રાંતા મહમુદ ગઝનવીના ભત્રીજા સૈયદ સાલાર મસૂદની કબર છે, જેને બહારાઈચમાં જ મહારાજા સુહેલ દેવ દ્વારા મારી નાખવામાં આવ્યો હતો.
દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહારાણા પ્રતાપની પ્રતિમાનું અપમાન કરવાને લઈને સમાજવાદી પાર્ટીને પણ નિશાના પર લીધી હતી. તેમણે કહ્યું કે, “અકબર-ઔરંગઝેબની સંતાનો સમજી લો કે, આ નવું ભારત છે. સમાજવાદી પાર્ટીના ગુંડાઓ મૂર્તિ ઉપર ચડે છે. મહારાણા પ્રતાપના ભાલાને તોડવાનો પ્રયાસ કરે છે. મૂર્તિ અપવિત્ર કરે છે. નવું ભારત રાષ્ટ્રનાયકોનું અપમાન સહન કરશે નહીં.” આ સાથે તેમણે સમાજવાદી પાર્ટીને રાષ્ટ્રદ્રોહી અને કોંગ્રેસને આતંકવાદીઓની સમર્થક પાર્ટી ગણાવી છે.
આ ઉપરાંત તેમણે ઉત્તર પ્રદેશના ભૂતકાળથી લઈને વર્તમાન સ્થિતિ વિશે પણ વાત કરી હતી. પ્રદેશના વિકાસકાર્યો અને લોકોને મળી રહેલી સરકારી યોજનાઓની સહાય વિશે પણ વાત કરી હતી. દરમિયાન તેમણે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં થઈ રહેલા વિકાસકાર્યો પણ ગણાવ્યા હતા.