દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી ‘વન નેશન, વન ઇલેકશન’ પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી જે હવે લોકસભા ચૂંટણી 2024 પહેલા વધીચઢીને થઈ રહી છે. આ સંદર્ભે, ગુરુવારે (14 માર્ચ 2024) ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરીને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની સાથે હતા.
#WATCH | Delhi | High-Level Committee on simultaneous elections, chaired by Ram Nath Kovind, Former President of India, met President Murmu at Rashtrapati Bhavan and submitted its report, today. Union Home Minister Amit Shah was also present. pic.twitter.com/9BOKw20e2f
— ANI (@ANI) March 14, 2024
18626 પાનાંનો છે રિપોર્ટ
રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ રિપોર્ટમાં કુલ 18626 પાના છે. હિતધારકો અને નિષ્ણાતો સાથે વ્યાપક ચર્ચા વિચારણા અને પરામર્શ બાદ આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ માટે કમિટીએ 191 દિવસ સુધી સતત કામ કર્યું અને ત્યારબાદ જ તેને રાષ્ટ્રપતિને સુપરત કરવામાં આવ્યો છે.
પહેલા લોકસભા+વિધાનસભા… 100 દિવસ બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી
આ રિપોર્ટમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી એટલે કે 2029ના અંત સુધી તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ લંબાવી શકાય છે. આ પછી, પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થઈ શકે છે, ત્યારબાદ બીજા તબક્કામાં 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ થઈ શકે છે.
રિપોર્ટમાં એવી પણ ભલામણ કરવામાં આવી છે કે દેશભરમાં એક ચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચ, લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓએ રાજ્ય ચૂંટણી સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને એક જ મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ તૈયાર કરવું પડશે. રિપોર્ટમાં એકસાથે ચૂંટણી કરાવવા માટે સાધનો, માનવબળ અને સુરક્ષા દળોના આગોતરા આયોજનની પણ ભલામણ કરવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે એક દેશ એક ચૂંટણી થશે તો તેનાથી દેશના ઘણા સંસાધનો બચી જશે, આર્થિક ભારણ પણ ઓછું થશે. સાથે જ સુરક્ષા એજન્સીઓ પર કામનું ભારણ પણ ઓછું થશે. હવે જોવાનું એ રહેશે કે આગામી લોકસભા ચૂંટણી 2029થી આ કાયદો લાગુ થઈ શકે છે કે નહીં.