હરિયાણાના નૂંહમાં ગત 31 જુલાઈ, 2023ના રોજ હિંદુઓની ધાર્મિક શોભાયાત્રા પર થયેલા હુમલા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અત્યાર સુધીમાં અનેકની ધરપકડ કરી લેવામાં આવી છે તો બીજી તરફ ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. આવા જ ફરાર આરોપીઓની શોધખોળ દરમિયાન પોલીસે બે આરોપીઓનું એનકાઉન્ટર કર્યું હતું, જેમાંથી એકને પગમાં ગોળી વાગી છે.
આજતકના રિપોર્ટ અનુસાર, આ બંને આરોપીઓની ઓળખ મુનસૈદ અને સૈકૂલ તરીકે થઇ છે. આ બંને નૂંહમાં થયેલાં તોફાનોના કેસમાં આરોપી હતા અને હિંસા બાદથી જ ફરાર હતા. તાજેતરમાં પોલીસને તેઓ અરાવલી પર્વત વિસ્તારમાં સંતાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ બંનેની શોધખોળ હાથ ધરી હતી.
શોધખોળ દરમિયાન પોલીસ અને આરોપીઓ વચ્ચે એનકાઉન્ટર થયું હતું, જેમાં પોલીસે ગોળીબાર કરવાની ફરજ પડી હતી. જેમાં બેમાંથી એક આરોપીને પગમાં ગોળી વાગી ગઈ હતી. જેને નૂંહમાં સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ્સ અનુસાર, હિંસા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી ત્યારબાદ અનેક તોફાનીઓ અરાવલીના પર્વતીય વિસ્તારોમાં જઈને સંતાઈ ગયા છે અને ત્યાં જ પોતાનાં ઠેકાણાં બનાવી લીધાં છે. આ આરોપીઓની શોધખોળ માટે STF અને પોલીસ ડ્રોનની મદદ લઇ રહ્યાં છે. તમામને હિરાસતમાં લઈને પુરાવાઓના આધારે ધરપકડ કરવામાં આવશે. પોલીસ અત્યાર સુધીમાં અનેકની ધરપકડ કરી પણ ચૂકી છે.
હરિયાણાના મેવાત પ્રાંતના નૂંહમાં 31 જુલાઈ, 2023 (સોમવારે) હિંદુ સંગઠનો દ્વારા ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે યાત્રા નીકળ્યા બાદ થોડા જ અંતરે મુસ્લિમ વિસ્તારમાં યાત્રા પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ હિંસા ફાટી નીકળી અને પથ્થરમારો અને આગચંપી કરવામાં આવી હતી. અનેક વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને આગ લગાડી દેવામાં આવી. પોલીસ ઉપર હુમલો કરવાની પણ ઘટના બની હતી. આ હિંસામાં 2 હોમગાર્ડ્સ સહિત કુલ 6 લોકોનાં મોત થયાં હતાં.
આ હિંસા મામલે અત્યાર સુધીમાં સેંકડો FIR દાખલ કરવામાં આવી ચૂકી છે અને 300થી વધુ લોકોની ધરપકડ પણ થઇ ચૂકી છે. બીજી તરફ, જેમનાં નામો FIRમાં દાખલ છે અને ફરાર છે તેમની શોધખોળ ચાલી રહી છે.
નૂંહ હિંસા બાદ એક તરફ પોલીસની કાર્યવાહી ચાલી રહી છે તો સરકારે તોફાનીઓનાં ગેરકાયદેસર બાંધકામો પર પણ બુલડોઝર ફેરવવામાં આવી રહ્યાં છે. બુલડોઝર કાર્યવાહીમાં રોહિંગ્યા ઘૂસણખોરોનાં ગેરકાયદેસર બાંધકામો ધ્વસ્ત કરવામાં આવ્યાં હતાં તો જે ઘરો અને હોટેલ પરથી હિંદુઓની યાત્રા પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા ત્યાં પણ બુલડોઝર ચલાવીને ઇમારતો જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. જોકે, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે આ કાર્યવાહીનું સ્વતઃ સંજ્ઞાન લઈને કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.