અત્યાર સુધી એવા અનેક સમાચારો સામે આવ્યા કે જેમાં ભગવાનનું નામ લેવા પર શૈક્ષણિક સંસ્થાઓ અને ખાસ કરીને મિશનરી સ્કૂલોએ બાળકોને હાંકી કાઢ્યા હોય. ફરી એક વાર એક મિશનરી સ્કૂલે પોતાના 8 વિદ્યાર્થીઓને રીતસર કાઢી મુક્યા, પણ આ વખતે તેમનો ગુનો એ ન હતો કે તેમણે ધાર્મિક સ્વતંત્રતાની અભિવ્યક્તિ કરી હોય. આ વખતે આ વિદ્યાર્થીઓનો ગુનો એ હતો કે તેમણે સ્કૂલમાં દેશ ભક્તિ વ્યક્ત કરી. ઘટના રાજસ્થાનની છે જ્યાં બારાં જિલ્લાની મિશનરી સ્કૂલે ‘ભારત માતા કી જય’ બોલનાર 8 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા છે.
અહેલાવો અનુસાર ઘટના રાજસ્થાનના બારાં જિલ્લામાં આવેલા અંતા વિસ્તારની છે. અહીં આવેલી ઇમેન્યુઅલ મિશન સ્કૂલે 8 વિદ્યાર્થીઓને 7 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આરોપ છે કે આ મિશનરી સ્કૂલે ‘ભારત માતા કી જય’ કહેવા બદલ આ કાર્યવાહી કરી છે. આ દરમિયાન શાળાએ વિદ્યાર્થીઓના વાલીઓને મોકલેલો સસ્પેન્શન લેટર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઘટના સામે આવ્યા બાદ શાળા વિરુદ્ધ હોબાળો પણ થયો હતો.
શું હતી આખી ઘટના
અહેવાલોમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંઘ ગોગમેડીની હત્યાના વિરોધમાં ગત બુધવારે (6 ડિસેમ્બર 2023) એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રેલીમાં નારાબાજી થઈ રહી હતી, દરમિયાન રેલી સ્કૂલ પાસેથી પસાર થતા જ ધોરણ 9માં ભણતા કેટલાક વિદ્યાર્થીઓએ પણ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. વિદ્યાર્થીઓએ લગાવેલા દેશ ભક્તિના નારા સાંભળી સ્કૂલ પ્રશાસનને પેટમાં ચૂંક આવી અને તાત્કાલિક ધોરણે 8 વિદ્યાર્થીઓને 7 દિવસ માટે કાઢી મૂક્યા.
સ્કૂલે આ મામલે વિદ્યાર્થીઓના વાલીઓને પણ પત્ર લખીને આ સસ્પેન્શનની માહિતી આપીને તેમના બાળકોને સુધારવા જણાવ્યું હતું. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, “આપના પુત્રએ સ્કૂલના નિયમોનો ભંગ કર્યો છે, જે કારણોસર તેને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. સ્કૂલમાં તેને અનેક વાર સમજાવવામાં આવ્યો હતો પરંતુ તેનું કોઈ જ પરિણામ નહોતું નીકળ્યું, જે કારણે આ પગલા ભરવામાં આવે છે. કૃપા કરીને વિદ્યાર્થીને ઉચિત માર્ગદર્શન આપો જેથી તે સ્કૂલમાં કોઈ અનુચિત કાર્ય ન કરે.” જોકે વિદ્યાર્થીએ કયા નિયમનું ઉલંઘન કર્યું છે તે આ પત્રમાં સ્કૂલ પ્રશાસન દ્વારા નથી જણાવવામાં આવ્યું.
Emmanuel Mission School suspended 8 students for chanting 'Bharat Mata ki Jai' when a procession by Rajput Karni Sena, protesting the killing of Sukhdev Gogamedi, passed through the school. @PoliceRajasthan plz take strict action. pic.twitter.com/2uCylufCMZ
— BALA (@erbmjha) December 8, 2023
મામલો જિલ્લા શિક્ષણ અધિકારી સુધી પહોંચ્યો
ઉલ્લેખનીય છે કે મિશનરી સ્કૂલે વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા બાદ વાલીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. સ્કૂલે સસ્પેન્ડ કર્યા બાદ વિદ્યાર્થીઓના પરિવાર સહિત અનેક લોકો સ્કૂલે પહોંચ્યા હતા. તેમણે માંગ કરી હતી કે તેમના બાળકોનું સસ્પેન્શન રદ કરવામાં આવે. જોકે આટલી રજૂઆત બાદ પણ મિશનરી સ્કૂલના પેટનું પાણી નહોતું હલ્યું. અંતે આ મામલે ભાજપના ધારાસભ્ય સહિતના લોકોએ સ્કૂલ પ્રશાસન સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. બીજી તરફ બાળકોના વાલીઓએ પણ આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરીને મદદ માંગી છે.