Monday, October 14, 2024
More
    હોમપેજદેશજે આદેશ બાદ મણિપુરમાં થઈ હતી હિંસા, તેમાં હાઈકોર્ટે સંશોધન કર્યું: મૈતેઈ...

    જે આદેશ બાદ મણિપુરમાં થઈ હતી હિંસા, તેમાં હાઈકોર્ટે સંશોધન કર્યું: મૈતેઈ સમુદાયને STમાં સામેલ કરવાની ભલામણ કરતા નિર્દેશો હટાવાયા

    આ આદેશ 27 માર્ચ, 2023ના રોજ તત્કાલીન એક્ટિંગ ચીફ જસ્ટિસ MV મુરલીધરણની બેન્ચે પસાર કર્યો હતો. આ આદેશને પગલે પછીથી રાજ્યમાં મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લીધું હતું.

    - Advertisement -

    મણિપુર હાઈકોર્ટે બુધવારે (21 ફેબ્રુઆરી, 2024) એક અગત્યનો આદેશ પસાર કરતાં 27 માર્ચ, 2023ના એક આદેશમાં સંશોધન કર્યું હતું, જેમાં કોર્ટે મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવા માટે રાજ્ય સરકારને ભલામણ કરી હતી. આ જ આદેશ બાદ રાજ્યમાં મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી, જેમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા અને મહિનાઓ સુધી રાજ્યમાં અશાંતિ રહી હતી. 

    આદેશ પસાર કરતાં કોર્ટે કહ્યું કે, આ નિર્દેશ સુપ્રીમ કોર્ટના ‘સ્ટેટ ઑફ મહારાષ્ટ્ર વર્સિસ મિલિન્દ એન્ડ અધર્સ’ કેસના આદેશથી વિપરીત હતો, જેમાં સુપ્રીમે નોંધ્યું હતું કે અદાલતો ST લિસ્ટમાં સુધારા-વધારા કે સંશોધન કરી શકતી નથી. બુધવારના ચુકાદામાં કોર્ટે કહ્યું કે, “પેરેગ્રાફ 17(3)માં આપવામાં આવેલા નિર્દેશોને હટાવવામાં આવે છે અને તે માટે આદેશ પણ પસાર કરવામાં આવે છે.” 

    જે ફકરો ડિલિટ કરવામાં આવ્યો, તેમાં કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે તેઓ મૈતેઈ સમુદાયને ST લિસ્ટમાં સામેલ કરવા માટે વિચાર કરે. કોર્ટે આ માટે ચાર અઠવાડિયાંનો સમય આપ્યો હતો. 

    - Advertisement -

    આ આદેશ 27 માર્ચ, 2023ના રોજ તત્કાલીન એક્ટિંગ ચીફ જસ્ટિસ MV મુરલીધરણની બેન્ચે પસાર કર્યો હતો. આ આદેશને પગલે પછીથી રાજ્યમાં મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લીધું હતું. પછીથી જસ્ટિસ મુરલીધરણની બદલી કલકત્તા હાઈકોર્ટ ખાતે કરી દેવામાં આવી હતી.

    ત્યારબાદ ઑક્ટોબર, 2023માં મણિપુર હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આ વિવાદિત આદેશ સામે દાખલ અરજી પર સુનાવણી કરવા માટે તૈયારી દર્શાવી હતી. આ અરજી ઑલ મણિપુર ટ્રાઇબલ યુનિયન અને અન્ય સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં દલીલ કરવામાં આવી કે 2023નો આદેશ મણિપુરની 34 ઓળખ પ્રાપ્ત ST જાતિઓના બંધારણીય અને માળખાગત અધિકારો પર અસર કરશે. 

    બીજી તરફ, આ મામલે એક સમીક્ષા અરજી પણ દાખલ કરવામાં આવી હતી, જેમાં મૈતેઈ અરજદારોએ કહ્યું હતું કે મુદ્દાની નાજુક પ્રવૃત્તિને જોતાં માર્ચ, 2023ના આદેશમાં સંશોધન કરવું જોઈએ. જોકે, અરજીમાં મૈતેઈ સમુદાયને ST યાદીમાં સામેલ કરવા માટે વિચાર કરવાની માગ કરવામાં આવી હતી પરંતુ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દે નિર્ણય કરવો સંપૂર્ણપણે રાજ્ય સરકારાના વિવેક પર જ નિર્ભર છે. 

    નોંધવું જોઈએ કે આ આદેશ બાદ 3 મે, 2023ના રોજ ઑલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે મૈતેઈ સમુદાયને ‘અનુસૂચિત જનજાતિ’નો દરજ્જો આપવાની માંગ વિરુદ્ધ કાઢવામાં આવી હતી. આ રેલી દરમિયાન બે સમુદાયો વચ્ચે ઘર્ષણ થયું અને હિંસા ફાટી નીકળી હતી. સ્થળ પર હાજર પોલીસે ટીયરગેસના સેલ છોડીને સ્થિતિ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસ કર્યા પરંતુ પછી સ્થિતિ વધુ બગડી અને હિંસાની આગ આખા રાજ્યમાં ફેલાઈ હતી. ત્યારબાદ મહિનાઓ સુધી મણિપુરમાં અશાંત સ્થિતિ રહી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં