Thursday, April 25, 2024
More
  હોમપેજદેશ13 હજાર ફિટની ઊંચાઇએ બની વિશ્વની સૌથી લાંબી ડબલ લેન ટનલ, ભારતીય...

  13 હજાર ફિટની ઊંચાઇએ બની વિશ્વની સૌથી લાંબી ડબલ લેન ટનલ, ભારતીય સેના માટે સાબિત થશે આશીર્વાદ: જાણો અરૂણાચલની ‘સેલા ટનલ’ વિશે, જેનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

  આ ટનલ દરરોજ 3000થી વધુ ગાડીઓ અને 2000થી વધુ ટ્રકોને પાસ કરવા સક્ષમ છે. આ ટનલને તે રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે ભારતનાં તમામ સૈન્ય વાહનોને તે સરળતાથી પસાર કરી શકે છે. આ ટનલ તે પ્રમાણે બનાવવામાં આવી છે કે ઠંડીના મોસમમાં હિમપ્રપાત અને ભારે વરસાદ વચ્ચે પણ તેને સરળતાથી સંચાલિત કરી શકાય તેમ છે.

  - Advertisement -

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (9 માર્ચ, 2024) અરુણાચલ ખાતે વિશ્વની સૌથી લાંબી ડબલ લેન ટનલ ‘સેલા ટનલ’નું ઉદ્ઘાટન કર્યું. સમુદ્રની સપાટીએથી 13 હજાર 700 ફૂટની ઉંચાઈએ બનેલી આ ટનલ ભારતીય સીમાડાઓની સુરક્ષા તેમજ રણનીતિને લઈને અતિમહત્વની માનવામાં આવે છે. આ ટનલ આસામના તેજપુરને અરુણાચલ પ્રદેશના તવાંગ સાથે જોડે છે. અરૂણાચલ પ્રદેશની આ સેલા ટનલ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન એટલે કે BRO દ્વારા બનાવવામાં આવી છે.

  વડાપ્રધાન મોદીએ વર્ષ 2019 ફેબ્રુઆરીમાં સેલા ટનલનો પાયો નાખ્યો હતો. આજે તેનું ઉદ્ઘાટન કરતાં તેમણે જણાવ્યું કે, પૂર્વોત્તરમાં હજુ પણ અન્ય ટનલો બનાવવાનું કાર્ય ચાલી જ રહ્યું છે. આ સેલા ટનલ અરુણાચલ પ્રદેશમાં બાલીપાર-ચારિદુઆર-તવાંગના રસ્તાને સેલાથી છેક તવાંગ સુધી તમામ મોસમમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુસાફરીનો સમય ઘટાડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું તે ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેની ભૌગોલિક સ્થિતિ ભારતીય સેના માટે પણ અત્યંત મહત્વની છે.

  શું છે સેલા ટનલની ખાસિયત? શા માટે તે અતિ મહત્વપૂર્ણ?

  આ ટનલ વિશ્વની સૌથી લાંબી ડબલ લેન ટનલ છે. તેને સમુદ્ર સપાટીથી 13,000 ફૂટની ઉંચાઈએ બનાવવામાં આવી છે. આ આખી ટનલ બનાવવા પાછળ સરકારે 825 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. અરુનાચલને આસામ સાથે જોડતી આ ટનલ મારફતે તેજપુરથી તવાંગની મુસાફરીમાં એક કલાક કરતા પણ વધુનો ઘટાડો આવશે. આ આ પરિયોજનામાં કુલ 2 ટનલ અને એક લિંક રોડનો સમાવેશ થાય છે. પ્રથમ સુરંગ 980 મીટર લાંબી છે, જ્યારે બીજી 1.5 કિલોમીટર લંબાઈ ધરાવે છે. આ ટનલોમાં ઈમરજન્સી નિકાસ માટે એક બાઈલેન ટ્યૂબ પણ છે. બંને ટનલો વચ્ચે 1200 મિટર લાંબો લિંક રોડ છે. આ ટનલ ગમે તેવા ખરાબ વાતાવરણમાં પણ સંચાલિત કરી શકાય તે રીતે બનાવવામાં આવી છે.

  - Advertisement -

  અરૂણાચલ પ્રદેશની સેલા ટનલ મારફતે પ્રવાસ કરી રહેલા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને તેમાં વેન્ટિલેશન સિસ્ટમ, ફાયર ફાઇટિંગ ઈક્વિપમેન્ટ તેમજ પૂરતી લાઇટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટનલ દરરોજ 3000થી વધુ ગાડીઓ અને 2000થી વધુ ટ્રકોને પાસ કરવા સક્ષમ છે. આ ટનલને તે રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે ભારતનાં તમામ સૈન્ય વાહનોને તે સરળતાથી પસાર કરી શકે છે. આ ટનલ તે પ્રમાણે બનાવવામાં આવી છે કે ઠંડીના મોસમમાં હિમપ્રપાત અને ભારે વરસાદ વચ્ચે પણ તેને સરળતાથી સંચાલિત કરી શકાય તેમ છે. આ ટનલ અરુણાચલના પશ્ચિમી કામેંગ જિલ્લાથી તવાંગ અને દિરાંગ વચ્ચેના 12 કિલોમીટરમાં અંતરને ઘટાડી દે છે.

  ભારતીય સેના માટે સાબિત થશે મહત્વપૂર્ણ

  ઉલ્લેખનીય છે કે અરૂણાચલ પ્રદેશની સેલા ટનલ ભારતીય સેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેની પાછળ કારણ તે છે કે આ તેની મદદથી ચીનની સરહદ પર ભારતીય સેનાની મૂવમેન્ટ સરળ થઇ જશે. પહેલાં ખરાબ વાતાવરણ અને વધારે પડતી ઊંચાઈના કારણે સેનાને મૂવમેન્ટ માટે રાહ જોવી પડતી હતી, પરંતુ સેલા ટનલ થકી સેના ગમે તેવા કપરા સંજોગોમાં પણ આવ-જા કરી શકશે. આ ટનલ થકી સેના માટેનો તમામ જરૂરી સામાન સરળતાથી ગંતવ્ય સ્થાને પહોંચાડી શકાશે.

  બીજી મહત્વપૂર્ણ બાબત તે છે કે આ ટનલને તે રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે સેનાની મોટી-મોટી બોફોર્સ જેવી તોપો તેમજ વજ્ર અને T-90 હોવિત્ઝર જેવા ટેન્ક અને અન્ય મહત્વપૂર્ણ સુરક્ષા ઉપકરણોને ખૂબ જ સરળતાથી લાવી તથા લઈ જઈ શકાશે. આ ટનલ દ્વારા ચીનની સરહદ પર ભારતીય સેનાની મૂવમેન્ટમાં મહત્વપૂર્ણ ફરક પડશે.

  ટનલ તૈયાર કરવા અનેક પડકારોનો સામનો કરવો પડ્યો

  ઉલ્લેખનીય છે કે આટલી મહત્વપૂર્ણ ટનલ બનાવવા પાછળ બોર્ડર રોડ ઑથોરિટીને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આટલી ઊંચાઈ પર આટલી અત્યાધુનિક ટનલ બનાવવી ખૂબ અઘરું કામ હતું. આ ટનલ બનાવવા માટે ખાસ ઓસ્ટ્રેલિયન મેથડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લગભગ 50થી વધુ એન્જિનિયર અને 800 જેટલા ઑપરેટરો અને અનેક શ્રમિકોએ દિવસ-રાત મહેનત કરીને આ ટનલ તૈયાર કરી છે.

  ગત વર્ષે જુલાઈ મહિનામાં વાદળ ફાટવા તેમજ ભૂસ્ખલનના કારણે અનેક વાર કામ પ્રભાવિત થયું. કપરા વાતાવરણ વચ્ચે આટલી ઊંચાઈ પર સામાન સપ્લાય કરવો તે પણ એક મોટો પડકાર હતો. એટલું જ નહીં, તાજેતરમાં ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલ દુર્ઘટના બાદ આ ટનલનું કામ પણ પ્રભાવિત થયું. સુરક્ષા માટે અનેક પ્રકારનાં નિરીક્ષણ કરવામાં આવ્યા અને સંપૂર્ણ ચોકસાઈ બાદ આ ટનલ હવે તૈયાર થઈ ગઈ છે. જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન પણ કરી દીધું છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં