Wednesday, September 11, 2024
More
    હોમપેજદેશ29 કલાક સુધી ટોર્ચર, પછી વિદ્યાર્થીએ કરી લીધી આત્મહત્યા: કેરળના સિદ્ધાર્થનના મૃત્યુ...

    29 કલાક સુધી ટોર્ચર, પછી વિદ્યાર્થીએ કરી લીધી આત્મહત્યા: કેરળના સિદ્ધાર્થનના મૃત્યુ મામલે CBIએ દાખલ કર્યો કેસ, આરોપીઓમાં SFIના સભ્યો

    વિદ્યાર્થીના પિતા જયપ્રકાશનો આરોપ છે કે, તેમના પુત્રના મૃત્યુ પહેલાં આઠ મહિના સુધી તેને હેરાન કરવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો છે કે, "SFIના નેતાઓ ઘણા મહિનાઓથી કૉલેજમાં ધામા નાખીને બેઠા હતા અને મારા પુત્રને તેના કપડાં ઉતારીને ઘૂંટણીયે બેસાડવામાં આવ્યો હતો."

    - Advertisement -

    સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને (CBI) કેરળ સ્થિત વાયનાડ જિલ્લામાં એક કૉલેજ હોસ્ટેલમાં 20 વર્ષીય વેટરનરી (પશુ ચિકિત્સા) વિદ્યાર્થીના આપઘાતની તપાસ હાથ ધરી છે. મૃતક વિદ્યાર્થીની ઓળખ સિદ્ધાર્થન જેએસ તરીકે થઈ હતી, તેણે ગત 18 ફેબ્રુઆરીએ હોસ્ટેલના બાથરૂમમાંથી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. હવે જાણવા મળ્યું છે કે મૃત્યુ પહેલાં તેને કલાકો સુધી ટોર્ચર કરવામાં આવ્યું હતું. આ કેસમાં આરોપીઓમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી)ની વિદ્યાર્થી પાંખ SFIના પણ અમુક સભ્યો સામેલ છે.

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, કેરળ પોલીસે CBIને જે રિપોર્ટ સોંપ્યો છે, તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મૃતક વિદ્યાર્થીને એ હદે પ્રતાડિત કરવામાં આવ્યો, કે તે માનસિક રીતે ભાંગી પડ્યો. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સિદ્ધાર્થના સિનિયર્સ અને અન્ય વિદ્યાર્થીઓએ તેને 29 કલાક સુધી પ્રતાડિત કર્યો હતો. અહેવાલમાં વિથરી પોલીસ સ્ટેશનના અધિકારી પ્રશોભ પીવીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે મૃતકને એટલો પ્રતાડિત કરવામાં આવ્યો કે તે આત્મહત્યા કરવા મજબૂર બન્યો. CBIને આપવામાં આવેલા રિપોર્ટમાં મૃતકને આત્મહત્યા માટે પ્રેરિત કરવામાં આવ્યો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.

    બેલ્ટ વડે માર માર્યો, ખરાબ રીતે કર્યું રેગિંગ

    પોલીસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, “તેમણે સિદ્ધાર્થનને 16 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યાથી 17 ફેબ્રુઆરીના રોજ બપોરે 2 વાગ્યા સુધી સતત માર માર્યો હતો. તેના પર બેલ્ટ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ખૂબ જ ખરાબ રીતે તેનું રેગિંગ કરવામાં આવ્યું હતું. તેનાથી તે અત્યંત માનસિક તણાવમાં હતો અને તેને એવું લાગવા લાગ્યું હતું કે, હવે તે સહન નહીં કરી શકે. માનસિક રીતે તણાવમાં ગરકાવ થયા બાદ તેને લાગ્યું કે, તેના પાસે હવે આત્મહત્યા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. તેણે 18 ફેબ્રુઆરીએ રાત્રે 12.30 કલાક અને 1:45 કલાકની વચ્ચે બાથરૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.”

    - Advertisement -

    ‘રાજ્ય સરકારે મહત્વની ફાઈલો CBI સોંપી નથી’

    કેન્દ્ર તરફથી સૂચના મળ્યાના ગણતરીના જ કલાકોમાં CBIએ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. એજન્સીએ શુક્રવારે (5 એપ્રિલ) 20 લોકો વિરુદ્ધ વાયનાડના વિથિરી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી FIR ફરીથી નોંધી હતી. રાજ્ય દ્વારા નોંધાયેલા કેસોમાં પ્રક્રિયા એવી છે કે, CBI ફરીથી FIR નોંધે છે અને તપાસ શરૂ કરે છે. આ કેસ પર રાજકીય હંગામો થયા બાદ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને 9 માર્ચે CBI તપાસની ખાતરી આપી હતી. વિપક્ષ ભાજપ અને કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ખાતરી આપ્યાના કેટલાક અઠવાડિયા પછી પણ રાજ્ય સરકારે હજુ સુધી મહત્વની ફાઈલો CBIને સોંપી નથી.

    ‘8 મહિના સુધી હેરાન કરવામાં આવ્યો’- વિદ્યાર્થીના પિતાનો આરોપ

    વિદ્યાર્થીના પરિવારે એવો પણ આરોપ લગાવ્યો છે કે, “રાજ્ય સરકારે જાણીજોઈને CBIની તપાસમાં વિલંબ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને ફાઈલો ન સોંપી અને પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.” કેન્દ્રીય મંત્રી અને તિરુવંતપુરમ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર રાજીવ ચંદ્રશેખરે વિદ્યાર્થીના પરિવારને CBI તપાસને ઝડપી બનાવવાની ખાતરી આપી છે.

    વિદ્યાર્થીના પિતા જયપ્રકાશનો આરોપ છે કે, તેમના પુત્રના મૃત્યુ પહેલાં આઠ મહિના સુધી તેને પ્રતાડિત કરવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો છે કે, “SFIના નેતાઓ ઘણા મહિનાઓથી કૉલેજમાં ધામા નાખીને બેઠા હતા અને મારા પુત્રને તેના કપડાં ઉતારીને ઘૂંટણીયે બેસાડવામાં આવ્યો હતો.” તેમણે કહ્યું કે, “તે બધા જાણતા હતા કે, આ શું થઈ રહ્યું છે. તેઓ તેને ત્યાં જ ખતમ કરી શક્યા હોત. હું વિશ્વાસ નથી કરી શકતો કે, SFIના વરિષ્ઠ નેતાઓ આ વાતથી અજાણ હતા કે, ત્યાં શું થઈ રહ્યું છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં