કેરળ હાઈકોર્ટે મુથુપિલક્ક્ડુ શ્રી પાર્થસારથી મંદિર પર ભગવો ધ્વજ લગાવવા માટે પરવાનગી માંગતી અરજી ફગાવી દીધી છે. કેસની સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતાં જજ રાજા વિજયરાઘવને કહ્યું હતું કે રાજકીય વર્ચસ્વ માટે પવિત્ર મંદિરનો ઉપયોગ કરવો યોગ્ય નથી. કોર્ટે ઉમેર્યું કે આ મામલે કેટલાંક રાજકીય દળો સાથે જોડાયેલા ઝંડા લગાવવાની પરવાનગી આપી શકાય નહીં.
કેરળ હાઈકોર્ટે ચુકાદામાં નોંધ્યું કે, મંદિરો આધ્યાત્મિકતા જગાડતાં શાંતિના પ્રતીક જેવાં છે, તેમની પવિત્રતા અને શ્રદ્ધા સર્વોપરિ છે. રાજકીય દાવપેચ કે એકાધિકાર મેળવવાના પ્રયાસો કરીને આ પ્રકારની પવિત્ર અને આધ્યાત્મિક બાબતોના મહત્વને ઘટાડવું ન જોઈએ. અરજદારનો આશય સ્પષ્ટપણે મંદિરની શાંતિ અને પવિત્રતા સાથે વિરોધાભાસ સર્જે છે.
લાઇવ લૉના અહેવાલ અનુસાર કેરળ હાઈકોર્ટે મંદિર પર ભગવો ધ્વજ લગાવવા માટે પરવાનગી માંગતી જે અરજી ફગાવી તે મુથુપિલક્ક્ડુ શ્રી પાર્થસારથી મંદિરના 2 ભક્તો દ્વારા કરવામાં આવી હતી. તેમણે મંદિર અને તેના ભક્તોના કલ્યાણ માટે 2022 પાર્થસારથી બક્થજન (ભક્તજન) સમિતિ નામનું એક સંગઠન બનાવ્યું હતું. કોર્ટમાં અરજદારો તરફથી વકીલ પીટી શીશિશ, એ અબ્દુલ રહેમાન, અપર્ણા દેવાસિયા અને હેમંત એચે પક્ષ મૂક્યો હતો.
Kerala High Court rejects plea to erect saffron flags at temple, says temples cannot be used for politics
— Bar & Bench (@barandbench) September 14, 2023
Read more here: https://t.co/WK5gp6OnV0 pic.twitter.com/XvCKOlSwJ7
ભક્તોનું કહેવું છે કે જ્યારે પણ તેમણે તહેવારો દરમિયાન મંદિર પરિસરમાં ભગવા ઝંડા લગાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે વિરોધીઓએ તેમને રોક્યા હતા. દર વખતે તેમને રોકવામાં આવ્યા. એટલા માટે ભક્તોએ કોર્ટમાં તેમને પોલીસ સુરક્ષા આપવાની માંગ કરી હતી જેથી પરંપરા અનુસાર તેમને ઝંડા લગાવતા રોકવામાં ન આવે.
તો બીજી તરફ આ અરજીનો વિરોધ કરતાં કેરળની કમ્યુનિસ્ટ સરકારના વકીલ અપ્પૂ પીએસે તર્ક આપ્યો હતો કે અરજદારોને એક નિશ્ચિત રાજકીય દળ સાથે જોડાયેલા ઝંડાને મંદિરમાં લગાવવાની પરવાનગી આપવી એ રાજનીતિક વર્ચસ્વની લડાઈને પ્રોત્સાહન આપવા જેવું થશે. આ પ્રકારનો આદેશ આપવો મંદિરોને યુદ્ધના મેદાન તરીકે ઉપયોગ કરવાની અનુમતિ આપવા સમાન હશે.
અહીં વાસ્તવમાં ભગવા ઝંડાને રાજ્યમાં ભાજપના ઝંડા સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. આ સંદર્ભમાં જ સરકારી વકીલે દલીલ આપી હતી કે અરજદારોના કારણે મંદિર પરિસરમાં અનેક વિવાદો થયા છે અને જેના કારણે ઘણા કિસ્સાઓમાં FIR પણ દખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત મંદિર પ્રશાસનિક સમિતિએ એક પ્રસ્તાવ દાખલ કરીને કનિક્કાવાંચીના 100 મીટરના વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ કે સંગઠનોના ઝંડા, બેનરો વગેરે લગાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
કેરળ હાઈકોર્ટમાં સરકારી વકીલે હાઈકોર્ટનો જ 2020નો એક નિર્ણય પણ રજૂ કર્યો, જેમાં પોલીસને આ પ્રકારનાં તમામ ચિહ્નો હટાવવાના આદેશ આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોર્ટે સરકારી વકીલની દલીલોના આધાર પર ભક્તોની અરજી ફગાવતા તેમને મંદિરમાં ભગવા ઝંડા લગાવવાની ના પાડી દીધી હતી.
અહીં એ ઉલ્લેખ પણ જરૂરી છે કે કેરળના મોટાભાગનાં મંદિરો પર કેરળ સરકારનું આધિપત્ય છે. કેરળ સરકાર જ આ મંદિરોની વ્યવસ્થા સંભાળે છે.