કર્ણાટકની કોંગ્રેસ સરકારે પસાર કરાવેલા મંદિરોની આવક પર ટેક્સ લગાવવાની જોગવાઇ ધરાવતા બિલ પર હસ્તાક્ષર કરવાની રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે ના પાડી દીધી છે. તેમણે સરકારને પ્રશ્ન કર્યો કે કાયદામાં માત્ર મંદિરો જ કેમ સમાવવામાં આવી રહ્યાં છે અને અન્ય મઝહબી સ્થળો માટે કેમ નિયમો લાગુ પાડવામાં નથી આવી રહ્યા. રાજ્યપાલે બિલ પરત કરીને રાજ્ય સરકાર પાસે અમુક ખુલાસા માગ્યા છે.
રાજ્યપાલે કોંગ્રેસ સરકારને પ્રશ્ન કર્યો કે શું તેઓ અન્ય ધાર્મિક-મઝહબી સંસ્થાઓ માટે પણ આ પ્રકારનાં બિલ લાવવા માટે વિચારી રહ્યા છે કે કેમ? રાજ્યપાલે કહ્યું કે, કોઇ એક ચોક્કસ ધર્મ માટે જોગવાઈઓ કરવી એ પક્ષપાતી વલણ છે અને તમામ ધાર્મિક-મઝહબી સંસ્થાઓને બિલ હેઠળ સમાવવામાં આવવી જોઈએ. તેમની પાસે બિલ સ્વીકૃતિ માટે મોકલવામાં આવ્યું હતું, પરંતુ હવે તે પરત કરવામાં આવ્યું છે અને સરકાર પાસે અમુક જવાબ માગવામાં આવ્યા છે. સરકારે હવે જવાબો રજૂ કરવા પડશે.
Karnataka Governor Thaawarchand Gehlot returns the Karnataka Religious Institutions and Charitable Endowments (Amendment) Bill 2024 to the State Government with a direction to re-submit the file with clarifications.
— ANI (@ANI) March 21, 2024
The Bill proposed to collect 5% from temples whose gross income… pic.twitter.com/k4YXNzoyFp
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આ કર્ણાટક હિંદુ રિલિજિયસ ઇન્સ્ટિટ્યૂશન એન્ડ ચેરિટેબલ એન્ડોવમેન્ટ્સ (અમેન્ડમેન્ટ) બિલ, 2024માં જે હિંદુ મંદિરોની વાર્ષિક આવક ₹10 લાખથી ₹1 કરોડ સુધીની હોય તેમની પાસેથી 5% ટેક્સ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે જે મંદિરોની વાર્ષિક આવક ₹1 કરોડથી વધુ હોય તેમની પાસેથી 1૦% ટેક્સ વસૂલવામાં આવશે.
બિલ 21 ફેબ્રુઆરીના રોજ સરકારે વિધાનસભામાં રજૂ કરીને પસાર કરાવ્યું હતું. વિધાનસભામાં કોંગ્રેસ પાસે બહુમતી હોવાના કારણે પાસ થઈ ગયું હતું, પરંતુ 23 ફેબ્રુઆરીના રોજ ઉપલા ગૃહ વિધાન પરિષદમાં રજૂ કરવામાં આવતાં ભાજપ અને જેડીએસએ મળીને રદ કરાવી દીધું હતું. જોકે, 1 માર્ચે ફરીથી રજૂ કરીને પસાર કરી દેવામાં આવ્યું હતું. જ્યાંથી તેને રાજ્યપાલની મંજુરી માટે મોકલવામાં આવ્યું, પરંતુ હવે રાજ્યપાલે પરત કરીને અમુક સવાલો કરતાં સિદ્ધારમૈયા સરકાર મુશ્કેલીમાં મૂકાઈ છે.
જ્યારથી આ બિલ લાવવામાં આવ્યું ત્યારથી જ ભાજપ અને JDS તેનો વિરોધ કરી રહ્યાં છે. બંને પાર્ટીઓએ બિલને ‘હિંદુવિરોધી’ ગણાવીને સરકારને પ્રશ્ન કર્યો હતો કે આખરે અન્ય ધાર્મિક સંસ્થાઓ પાસેથી શા માટે ટેક્સ વસૂલવામાં નથી આવી રહ્યો અને માત્ર હિંદુ મંદિરોને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.