Thursday, April 18, 2024
More
  હોમપેજદેશબેંગ્લોરમાં ભીષણ જળસંકટ, લાખો લોકો ટેન્કરો પર નિર્ભર, ડેપ્યુટી સીએમનું ઘર પણ...

  બેંગ્લોરમાં ભીષણ જળસંકટ, લાખો લોકો ટેન્કરો પર નિર્ભર, ડેપ્યુટી સીએમનું ઘર પણ બાકાત નહીં: કાર વૉશિંગ, બાંધકામ, મેન્ટેનન્સ વગેરે માટે પીવાના પાણીના ઉપયોગ પર રોક

  શહેરની અનેક સોસાયટીઓ અને કોલોનીઓ જળસંકટ સામે ઝઝૂમી રહી છે અને લોકોએ હવે પાણીનાં ટેન્કરો પર આધાર રાખવો પડી રહ્યો છે. બીજી તરફ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નિવાસસ્થાને પણ ટેન્કરો જતાં જોવા મળ્યાં છે.

  - Advertisement -

  કર્ણાટકની રાજધાની બેંગ્લોર હાલ જળસંકટનો સામનો કરી રહી છે. શહેરમાં ભૂગર્ભ જળનું સ્તર સતત ઘટી રહ્યું છે તો બોરવેલ અને જળાશયો પણ ખાલી થઈ રહ્યાં છે. જેના કારણે સામાન્ય લોકો તો ઠીક પણ મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમના નિવાસસ્થાને પણ પાણીની અછત વર્તાઈ રહી છે. આ સંકટને જોતાં પાલિકાએ પાણીનો બગાડ રોકવા માટે અમુક નિયંત્રણો પણ લાગુ કર્યાં છે.

  જળસંકટનું મૂળ કારણ 2023માં ઓછો વરસાદ માનવામાં આવે છે. દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પૂર્વ બેંગ્લોરમાં પૂરતો વરસાદ થયો ન હતો. જેની અસર હવે જોવા મળી રહી છે. હજુ ઉનાળો શરૂ થાય તે પહેલાં જ પાણીની ભયંકર અછત જોવા મળી રહી છે. બીજી તરફ હવે સરકાર અને મહાનગરપાલિકાએ પણ આ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવાની ફરજ પડી છે. 

  શુક્રવારે (8 માર્ચ) શહેરના વૉટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ દ્વારા શહેરમાં પાણીના બગાડને રોકવા માટે અમુક નિયંત્રણોની જાહેરાત કરવામાં આવી. જે અનુસાર, કાર ધોવા, ગાર્ડનિંગ માટે, ફુવારાઓમાં તેમજ બાંધકામ, મેન્ટેનન્સ અને મનોરંજન માટે પીવાના પાણીના ઉપયોગ પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. સાથે જણાવવામાં આવ્યું છે કે આ હેતુઓ માટે જો કોઇ પાણીનો ઉપયોગ કરતું દેખાશે તો પહેલી વખત ₹5000નો દંડ અને ત્યારબાદ ₹5,500નો દંડ કરવામાં આવશે. બોર્ડ દ્વારા પાણીના બગાડની ફરિયાદ કરવા માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. 

  - Advertisement -

  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શહેરની અનેક સોસાયટીઓ અને કોલોનીઓ જળસંકટ સામે ઝઝૂમી રહી છે અને લોકોએ હવે પાણીનાં ટેન્કરો પર આધાર રાખવો પડી રહ્યો છે. બીજી તરફ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નિવાસસ્થાને પણ ટેન્કરો જતાં જોવા મળ્યાં છે. ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના ઘરે પણ બોરવેલમાં પાણી ખલાસ થઈ ગયું છે. 

  શૈક્ષણિક સંસ્થાઓ પર પણ પડી અસર 

  આ સંકટની અસર શૈક્ષણિક સંસ્થાઓ ઉપર પણ પડી છે. ઘણી શાળાઓ અને કોચિંગ સંસ્થાઓ વર્ચ્યુઅલ માધ્યમથી શિક્ષણ આપવા માંડી છે અને કારણ પાણીની તંગી છે. અમુક શાળાઓએ થોડા દિવસ સુધી રજા પણ આપી દીધી હતી. એક શાળા સંચાલકે અખબાર ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “છેલ્લા એક અઠવાડિયાથી બોરવેલ સૂકાઈ ગયો છે અને વૉટર ટેન્કરો માટે અનેક વખત જાણ કર્યા છતાં અમે મેળવી શક્યા નહીં. સરકારે નિયંત્રણ મેળવી લીધું હોવાના કારણે ટેન્કરો હવે સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યાં નથી. અમારી હોમસ્કૂલ હોવાના કારણે પાણી વગર ચલાવવાનું જોખમ લઇ શકીએ તેમ નથી, જેથી સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી અમે કામચલાઉ ધોરણે શાળા બંધ કરી દીધી છે.”

  રાજ્યના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે રાજ્યભરના ટેન્કર માલિકોને 7 માર્ચ સુધીમાં રજિસ્ટ્રેશન પૂર્ણ કરી લેવા માટે જણાવ્યું હતું. સાથે ચેતવણી આપી હતી કે જો સૂચનાનું પાલન કરવામાં નહીં આવે તો ટેન્કરો જપ્ત કરી લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, બેંગ્લોરમાં 3500 પાણીનાં ટેન્કરોમાંથી માત્ર 10 ટકાએ જ નોંધણી કરાવી હતી, જેથી બાકીના વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરે. 

  બેંગ્લોરને ક્યાંથી મળે છે પાણી?

  બેંગ્લોરમાં પાણીના બે મુખ્ય સ્ત્રોત છે. એક કાવેરી નદી અને બીજા બેંગ્લોર પાલિકા દ્વારા સમયે-સમયે કરવામાં આવતા બોરવેલ. જે પછીથી વૉટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડને સોંપી દેવામાં આવે છે. કાવેરીમાંથી શહેરને 1450 મિલિયન લિટર પ્રતિ દિવસ પાણી મળે છે. જ્યારે બાકીનું 400 MLD પાણી પબ્લિક બોરવેલમાંથી પૂરું પાડવામાં આવે છે. 

  આ વખતે ઓછા વરસાદ અને વધુ પડતા બાંધકામના કારણે ભૂમિગત જળસ્તર ઘણું નીચે જતું રહ્યું છે. બેંગ્લોરમાં હાલ 110 ગામોમાં ગ્રાઉન્ડ વૉટર સપ્લાયની તંગી છે. બોર્ડના જણાવ્યા અનુસાર, શહેર ભૂજળ સંસાધનોમાં 50 ટકાથી વધુ અછતનો સામનો કરી રહ્યું છે. 

  રાજ્ય સરકારે જળસંકટ દૂર કરવા માટે ₹556 કરોડ ફાળવ્યા છે તેમજ ધારાસભ્યોને પણ પોતાના ક્ષેત્રમાં સંકટ દૂર કરવા માટે 10 કરોડ ફાળવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત મહાનગરપાલિકાને પણ વધારાનું ભંડોળ અપાશે. બીજી તરફ સ્થિતિ પર નજર રાખવા માટે વૉર રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. જોકે, વિપક્ષ ભારતીય જનતા પાર્ટીએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે આ સમસ્યા હલ નહીં કરવામાં આવે તો વિધાનસભાની બહાર પ્રદર્શન કરવામાં આવશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં