Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશ‘પુલવામા હુમલો થયા બાદ સરકારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું મન બનાવી લીધું...

    ‘પુલવામા હુમલો થયા બાદ સરકારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું મન બનાવી લીધું હતું’: કેન્દ્ર, CJIએ કહ્યું- 35Aથી નાગરિકોના મૌલિક અધિકારોનું હનન થયું હતું

    5 ઓગસ્ટ, 2019ના દિવસે મોદી સરકારના બીજા કાર્યકાળના બે જ મહિનાની અંદર કેન્દ્રે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી .કેન્દ્ર સરકારના આ નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી, જે મામલે હાલ સુનાવણી ચાલી રહી છે.

    - Advertisement -

    સર્વોચ્ચ અદાલતમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે. જેના 11મા દિવસે સોમવારે (28 ઓગસ્ટ, 2023) CJI ચંદ્રચૂડે કહ્યું કે, અનુચ્છેદ 35Aના કારણે નાગરિકોના મૌલિક અધિકાર છીનવાઈ ગયા હતા. બીજી તરફ, કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, પુલવામા હુમલો થયા બાદ 370 હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

    CJI ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે. કેન્દ્ર સરકારની દલીલોની સુનાવણી દરમિયાન કલમ 35A અંગે મૌખિક ટિપ્પણી કરવામાં આવી હતી. CJI ચંદ્રચૂડે કહ્યું કે, કલમ 35A નાગરિકોના ત્રણ મૂળભૂત અધિકારો છીનવી લે છે. આ કલમથી બિન-કાશ્મીરીઓને રાજ્યમાં સ્થાયી થવાનો, સ્થાવર મિલકત ખરીદવાનો અને રોજગારમાં સમાનતાનો અધિકાર છીનવાઈ જતો હતો.

    સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી બાદ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કલમ 35A હટાવવાને કારણે જમ્મુ-કાશ્મીરમાં રોકાણ આવવાનું શરૂ થઈ ગયું છે. કેન્દ્ર સરકાર હેઠળના પોલીસ તંત્રને કારણે પ્રવાસન પણ શરૂ થયું છે. એસજી મહેતાએ જણાવ્યું કે કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં 16 લાખ પ્રવાસીઓ આવ્યા છે. આ વિસ્તારમાં નવી હોટેલો ખુલી છે. તેનાથી મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી છે.

    - Advertisement -

    કલમ 370 હટાવવા અંગે સોલિસિટર જનરલ મહેતાએ કહ્યું કે, અગાઉ કરેલી ભૂલોની અસર આવનારી પેઢીઓ પર ન થવી જોઈએ. જે ભૂલ વર્ષ 2019 સુધી થતી હતી, તેને સુધારવી જરૂરી હતી. આ બાબતને જમ્મુ-કાશ્મીરની જનતાના દૃષ્ટિકોણથી જોવી જોઈએ. અત્યાર સુધી કાશ્મીરીઓને અમુક લોકોએ એમ સમજાવ્યું હતું કે કલમ 370 કોઈ ગેરલાભ નથી પરંતુ તેમનો વિશેષાધિકાર છે અને તેઓએ તેના માટે લડતા રહેવું જોઈએ.

    એસજી મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, આ સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે જે કલમ જમ્મુ-કાશ્મીરના લોકોના અધિકારો અને વિકાસમાં અવરોધ ઉભી કરી રહી હતી, તેને લોકોનો વિશેષાધિકાર ગણાવવામાં આવી રહ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવા અંગે સરકારનો પક્ષ રાખતાં તેમણે એમ પણ કહ્યું કે ત્યારબાદ ઘણા ફેરફારો આવ્યા છે. પુલવામા હુમલો વર્ષ 2019ની શરૂઆતમાં થયો હતો. ત્યારબાદ સરકારે 370 હટાવવાનું મન બનાવી લીધું હતું. આ સિવાય દેશના સાર્વભૌમત્વ, રાષ્ટ્રીય સુરક્ષા જેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને 370 હટાવી દેવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટ, 2019ના દિવસે મોદી સરકારના બીજા કાર્યકાળના બે જ મહિનાની અંદર કેન્દ્રે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર અને લદાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા. જે આજ સુધી અસ્તિત્વમાં છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી, જે મામલે હાલ સુનાવણી ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં