સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ભારતને વિજ્ઞાન ક્ષેત્રે સતત આગળ વધારી રહી છે. નવા-નવા પ્રોજેક્ટ લૉન્ચ કરીને દેશ અને દુનિયામાં ભારતની એક બુલંદ કીર્તિ સ્થપાઈ છે. તેવામાં હવે ફરી એકવાર ISROએ ઇતિહાસ રચી દીધો છે. ભારતનો હમણાં સુધીનો સૌથી એડવાન્સ હવામાન સેટેલાઈટ INSAT-3DS સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યો છે. આ આધુનિક સેટેલાઈટની મદદથી ભારત હવામાનની સચોટ જાણકારી મેળવી શકશે. સાથે અનેક કુદરતી આફતો વિશે પણ આ સેટેલાઈટની મદદથી જાણી શકાશે.
ISROએ શનિવારે (17 ફેબ્રુઆરી) દેશના સૌથી આધુનિક હવામાન સેટેલાઈટ INSAT-3DS સફળતાપૂર્વક લૉન્ચ કર્યો છે. સાંજે 5:35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લૉન્ચ પેડ પરથી GSLV-F14 રોકેટની મદદથી સેટેલાઈટને તેની કક્ષામાં છોડવામાં આવ્યો છે. આ સેટેલાઈટનું વજન 2,274 કિલોગ્રામ છે અને તેનો જીવનકાળ 10 વર્ષ છે. એટલે કે તે 10 વર્ષ સુધી ભારતને હવામાનની સટીક જાણકારી આપશે. જેનાથી ભારત સહિત આસપાસના પાડોશી દેશોને પણ કુદરતી આફતો પહેલાં એલર્ટ કરી દેવામાં આવશે.
GSLV-F14/INSAT-3DS Mission:
— ISRO (@isro) February 17, 2024
The vehicle has successfully placed the satellite into the intended geosynchronous transfer orbit. @moesgoi #INSAT3DS
આ લૉન્ચિંગમાં ત્રણ મોટી ઉપલબ્ધિ હાંસલ થઈ છે. સૌપ્રથમ તો તે GSLVની 16મી ઉડાન છે, સ્વદેશી ક્રાયો સ્ટેજની 10મી ઉડાન છે અને સ્વદેશી ક્રાયો સ્ટેજની સાતમી ઓપરેશનલ ફ્લાઇટ છે. આ સેટેલાઈટ 170 કિમી અને 36647 કિમી એપોજીવાળા અંડાકાર GTO કક્ષામાં ચક્કર લગાવશે. આ સેટેલાઈટમાં 6 ચેનલ ઈમેજર છે. 19 ચેનલ સાઉન્ડ મેટિયોલોજી પેલોડ્સ ઉપલબ્ધ છે. આ સેટેલાઈટ તેના જૂના સેટેલાઈટ INSAT-3D તથા INSAT-3DR સાથે મળીને હવામાન સંબંધિત માહિતી આપશે.
શું કામ કરશે આ સેટેલાઈટ?
આ સેટેલાઈટની મદદથી ધરતીના વાતાવરણ અને તેમાં થતાં બદલાવો વિશે વિગતે જાણી શકાશે. એ ઉપરાંત દેશ અથવા અમુક ચોક્કસ વિસ્તારમાં આવતી કુદરતી આફતો વખતે પણ આ સેટેલાઈટ દેશને એલર્ટ કરશે. આ સેટેલાઈટ ધરતીની સપાટી, સમુદ્ર તથા પર્યાવરણ પર વિવિધ સ્પેક્ટ્રલ વેવલેન્થ મારફતે નજર રાખશે. વાયુમંડળના વિવિધ મોસમી પેરામીટર્સનું વર્ટીકલ પ્રોફાઇલ રજૂ કરશે. સાથે જ વિવિધ જગ્યાએથી ડેટા કલેક્ટ કરી તે વૈજ્ઞાનિકો સુધી પહોંચાડશે. ખાસ તો આ સેટેલાઈટ રાહત અને બચાવ કાર્યો દરમિયાન ખૂબ મદદગાર બનશે.
નોંધનીય છે કે, આ તમામ સેટેલાઈટ્સ ભારતમાં અને તેની આસપાસ થતાં મોસમી ફેરફારો વિશે સચોટ અને સમયસર માહિતી આપે છે. આમાંના દરેક સેટેલાઈટે ભારત અને તેની આસપાસના વિસ્તારોમાં સંદેશાવ્યવહાર અને હવામાનશાસ્ત્રની ટેકનોલોજીને વિકસાવવામાં મદદ કરી છે. હવામાનની જાણકારી માટે લૉન્ચ કરવામાં આવેલા તમામ સેટેલાઈટ્સ ISRO તેમજ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા સંચાલિત છે.