વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (30 ડિસેમ્બર) અયોધ્યા નગરીની મુલાકાતે આવ્યા હતા. તેમણે એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી 8 કિલોમીટર લાંબા રોડ શોનું પણ આયોજન કર્યું હતું. આ દરમિયાન સમગ્ર અયોધ્યા PM મોદીનું સ્વાગત કરવા માટે રોડ પર દેખાયું હતું. હજારોની સંખ્યામાં લોકો PM મોદીના સ્વાગત માટે એકત્રિત થયા હતા. આ બધાની વચ્ચે એક એવો ચહેરો પણ હતો જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તે ચહેરો હતો બાબરી કેસના પૂર્વ પક્ષકાર ઇકબાલ અન્સારી. તેઓ PM મોદીના સ્વાગત માટે પહોંચ્યા હતા અને ફૂલ પણ વરસાવ્યા હતા. જેનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
શનિવારે (30 ડિસેમ્બર) PM મોદી અયોધ્યા નગરીની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમના રોડ શોમાં બાબરી કેસના પૂર્વ પક્ષકાર ઇકબાલ અન્સારી ફૂલો વરસાવતા જોવા મળ્યા હતા. તેમણે PM મોદીનું સ્વાગત કરવા માટે તેમના કાફલા પર ફૂલ વરસાવ્યા હતા. સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે, અયોધ્યા સમગ્ર વિશ્વને સંદેશો આપે છે. અહીં બધા સાથે મળીને રહે છે અને એકબીજાના કાર્યક્રમોમાં ભાગ લે છે.
‘અયોધ્યા ધર્મની નગરી છે’
વડાપ્રધાન મોદી પર પુષ્પવર્ષા કર્યા બાદ ઇકબાલ અન્સારીએ કહ્યું હતું કે, “અયોધ્યાની ધરતી અદ્વિતીય છે. સાથે જ અયોધ્યા ધર્મની નગરી છે. આજે અમારે ત્યાં દેશના વડાપ્રધાન આવ્યા, તો મહેમાનોનું સ્વાગત કરવું એ અમારો ધર્મ છે, કર્તવ્ય છે.” તેમણે વધુમાં કહ્યું કે, “આજે અમે પ્રધાનમંત્રીજી પર પુષ્પવર્ષા કરી અને આપણાં વિસ્તારના હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ લોકો અમારી સાથે હતા. હું પણ સમાજની સાથે જ હતો અને અમે બધાએ સાથે મળીને પ્રધાનમંત્રીજી પર પુષ્પવર્ષા કરી હતી.”
TV9 સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, મોદી દેશના વડાપ્રધાન છે અને અયોધ્યા આવી રહ્યા હોય તો સ્વાભાવિક રીતે અમારે તેમનું સ્વાગત કરવું પડે. તેમણે ઉમેર્યું કે, અયોધ્યામાં જેવું થાય છે તેવું આખા દેશમાં કરવું જોઈએ. બધા લોકો સાથે રહે છે અને પૂજાપાઠમાં સામેલ થાય છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન સ્વયં અયોધ્યા પધાર્યા તે અયોધ્યાવાસીઓ માટે ગર્વની વાત છે. એમ પણ કહ્યું કે, અયોધ્યાનું જે પુનર્નિર્માણ થઈ રહ્યું છે તે પણ તેમના જ કારણે છે.
નોંધનીય છે કે, ઇકબાલ અન્સારી રામજન્મભૂમિ-બાબરી કેસમાં મુસ્લિમ પક્ષ તરફથી અરજદાર હતા. શરૂઆતમાં તેઓ મંદિરને જમીન આપવાના નિર્ણયની વિરુદ્ધ હતા. જોકે, પછીથી જ્યારે સુપ્રીમ કોર્ટે રામ મંદિર માટે હિંદુ પક્ષને સંપૂર્ણ જમીન આપવા માટે ઠેરવ્યું ત્યારે તેમણે નિર્ણયનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે હવે તમામ વિવાદો પૂરા થયા છે. જ્યારે મુસ્લિમ પક્ષે રિવ્યુ પિટિશન દાખલ કરવાનું એલાન કર્યું ત્યારે તેમણે પોતાને અલગ કરી લીધા હતા. 5 ઓગસ્ટ, 2020ના રોજ જ્યારે રામ મંદિરનું ભૂમિપૂજન થયું ત્યારે પણ ઇકબાલ અન્સારીને આમંત્રણ મળ્યું હતું.