મધ્ય પ્રદેશના હરદા શહેરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના 20 KM સુધીમાં તેના પડઘા પડ્યા છે. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હોવાનો પ્રાથમિક અહેવાલ છે, જ્યારે 100થી પણ વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ફેક્ટરીની આસપાસ રોડ પર પણ કેટલાક મૃતદેહો પડ્યા હોવાનું કહેવાય રહ્યું છે. પ્રશાસન આ મામલે તમામ સહાય પૂરી પાડવા માટે મક્કમ બન્યું છે. અનેક ઘાયલોને સરકાર તરફથી હોસ્પિટલમાં ખસેડાયા છે.
#WATCH | Madhya Pradesh: People injured in the massive fire that broke out in a firecracker factory in Harda, are being shifted to a hospital for treatment. Fire tenders have reached the spot, several people are feared trapped. pic.twitter.com/rwEzdIUUJX
— ANI (@ANI) February 6, 2024
મંગળવારે (6 ફેબ્રુઆરી) મધ્ય પ્રદેશના હરદા શહેરમાં મગરધા રોડ પર સ્થિત બૈરાગઢ ગામમાં સવારના 11 કલાકે એક ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. જેનો અવાજ 20 કિલોમીટર સુધી સંભળાયો હતો અને આસપાસનો વિસ્તાર પણ હચમચી ગયો હતો. ધમાકો થવાથી રોડ પર ચાલી રહેલા લોકો પણ ઘટનાનો ભોગ બન્યા છે. ધડાકો એટલો ગંભીર હતો કે આખું શહેર હચમચી ગયું હતું. પ્રશાસને તાત્કાલિક ધોરણે આસપાસના 100 ઘરોને ખાલી કરાવી નાખ્યા છે. સાથે જ મધ્ય પ્રદેશના 7 મોટા જિલ્લાની ફાયર ટીમને હરદા તૈનાત કરવામાં આવી છે. સાથે જ આસપાસના જિલ્લાઓની એમ્બ્યુલન્સ પણ હરદા પહોંચાડવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ બોલાવી ઈમરજન્સી બેઠક
આ ભયંકર દુર્ઘટનાને લઈને રાજ્યના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે પણ તાત્કાલિક ઈમરજન્સી બેઠક બોલાવી છે. ઉચ્ચ સરકારી અધિકારીઓ સાથેની બેઠકમાં યાદવે ઘટનાની તમામ માહિતી મેળવી હતી અને અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ પણ આપ્યા હતા. પોલીસ અને પ્રશાસનના મોટા અધિકારીઓ હાલ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે. NDRF અને SDRFની ટીમોને પણ હરદા માટે રવાના કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ ભારતીય સેનાની એક ટુકડી પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી જશે. જ્યારે મુખ્યમંત્રી મોહન યાદવના નિર્દેશ બાદ મધ્ય પ્રદેશના ગૃહ સચિવ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે.
#WATCH | Madhya Pradesh CM Dr Mohan Yadav chaired the meeting of the Council of Ministers, in Bhopal, earlier today. pic.twitter.com/HfvDGD35bs
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 6, 2024
હરદા જિલ્લાના કલેકટરે આ વિશે જણાવ્યું છે કે, “આજે સવારે એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. બચાવ અભિયાન ઝડપી કરી દેવામાં આવ્યું છે. 7 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે અને 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને ગંભીર રીતે ઘવાયેલા લોકોને ભોપાલ અને ઈન્દોર શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.” એ ઉપરાંત આજતક સાથે વાત કરતી વખતે મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું હતું કે, ઘાયલોના સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે. સાથે જ મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાનું વળતર પણ આપવામાં આવશે અને તેમના બાળકોના ભણતરનો ખર્ચ પણ હવેથી સરકાર ઉઠાવશે.