Sunday, May 19, 2024
More
  હોમપેજરાજકારણ'જે હાલ મુગલોનો થયો એ જ હાલ કોંગ્રેસનો થશે...': કર્ણાટકમાં કોંગ્રેસ દ્વારા...

  ‘જે હાલ મુગલોનો થયો એ જ હાલ કોંગ્રેસનો થશે…’: કર્ણાટકમાં કોંગ્રેસ દ્વારા 108 ફૂટ ઊંચા હનુમંત ધ્વજને હટાવી દેવાતા ભડક્યા BJP નેતા, કહ્યું- તેઓને બસ મસ્જિદ-દરગાહ પસંદ છે

  કર્ણાટકના વરિષ્ઠ ભાજપા નેતા સીટી રવિએ પણ હનુમાન ધ્વજ ઉતારવા બદલ કર્ણાટકની કોંગ્રેસ સરકારની ટીકા કરી હતી. તેઓએ કહ્યું કે, જો તેઓ હનુમાન ધ્વજ હટાવી દેવડાવે છે તો તેઓને પોતાની જાતને હિંદુ કહેવાનો કોઈ અધિકાર નથી.

  - Advertisement -

  કર્ણાટકમાં મંડ્યા જિલ્લાના કેરાગોડુ ગામમાં 108 ફૂટ ઊંચા સ્થંભ પરથી કોંગ્રેસ સરકાર દ્વારા ભગવા રંગના હનુમંત ધ્વજને હટાવી દેવાનો મામલો હવે વધુ ઉગ્ર બન્યો છે. BJP, બજરંગ દળ અને જેડીએસે ધ્વજને પરત લગાવવાની માંગ કરી છે. આ સાથે રાજ્યના નેતાઓએ કર્ણાટકની સિદ્ધારમૈયા સરકાર પર ધ્વજ હટાવી દેવાના મામલે આકરા પ્રહારો કર્યા છે.

  કર્ણાટક વિધાનસભામાં વિપક્ષનેતા આર. અશોકે રાજ્યની કોંગ્રેસ સરકાર પર ભગવાન હનુમાનજી અને ભગવાન રામ પ્રત્યે દ્રેષ રાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સરકાર તેઓને નફરત કરે છે, અને મુસ્લિમ શાસક ટીપુ સુલતાનની પ્રશંસા કરે છે. તેમણે કોંગ્રેસ સરકારને મુગલ શાસક ઔરંગઝેબનું શાસન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, તે હનુમાન ભક્ત છે અને રાજ્ય સરકારની ધમકીઓથી ન ડર્યા છે કે ન ડરવાના છે.

  આ અંગે તેમણે સોશિયલ મીડિયા x પર લખ્યું, “અયોધ્યા રામ મંદિરનો વિરોધ કર્યા બાદ હવે કર્ણાટકની હિંદુ વિરોધી કોંગ્રેસ સરકાર હનુમાનજીની સામે વિરોધમાં ઊભી છે. કર્ણાટક પોલીસે મંડ્યા જિલ્લામાં ગ્રામ પંચાયત બોર્ડ દ્વારા લગાવવામાં આવેલ હનુમાનજીના ધ્વજને હટાવી દીધો છે. શું હિંદુઓ બીજા વર્ગના નાગરિક છે? શું ભગવા પ્રત્યેનો દ્રેષ એજ કોંગ્રેસની ધર્મનિરપેક્ષતાની વ્યાખ્યા છે?”

  - Advertisement -

  કર્ણાટક ભાજપે આ મુદ્દાને લઈને આજે (29 જાન્યુઆરી, 2024) કર્ણાટકના તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, જો રાજ્ય સરકાર ફરીથી એ જ સ્થંભ પર ભગવો ધ્વજ નહીં લગાવે તો રાજ્યની દરેક ઈમારત પર ભગવો ધ્વજ લહેરાવીને પ્રદર્શન કરવામાં આવશે.

  કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રએ સોશિયલ મીડિયા x પર હનુમાનજીના ધ્વજને હટાવી દેવા મામલે લખ્યું કે, “કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારે પોતાની શક્તિ અને પોલીસ દળનો દુરુપયોગ કરીને કેરાગોડુ ગામના લોકોની હનુમાન ધ્વજ ફરકાવવાની ધાર્મિક સ્વતંત્રતા પર પર રોક લગાવી દીધી છે. આ પંચાયત દ્વારા સર્વ સંમતીથી લેવાયેલ નિર્ણય હતો. આ ઘટના મુગલ શાસનના ‘અત્યાચારો’ની યાદ અપાવે છે. કોંગ્રેસ સરકારનો પણ એજ હાલ થશે જે મુગલોનો થયો હતો.”

  કર્ણાટકના વરિષ્ઠ ભાજપા નેતા સીટી રવિએ પણ હનુમાન ધ્વજ ઉતારવા બદલ કર્ણાટકની કોંગ્રેસ સરકારની ટીકા કરી હતી. તેઓએ કહ્યું કે, જો તેઓ હનુમાન ધ્વજ હટાવી દેવડાવે છે તો તેઓને પોતાની જાતને હિંદુ કહેવાનો કોઈ અધિકાર નથી. રાજ્યના બીજા એક ભાજપા નેતા એન. રવિ કુમારે પણ કોંગ્રેસ પર રામ અને હનુમાનજી પ્રત્યે દ્રેષ રાખવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ x પર પોસ્ટ કરતા કહ્યું કે, રાજ્યની કોંગ્રેસ સરકાર રાજ્યભરમાં લહેરાતા લીલા ઝંડાઓ પ્રત્યે આંખ આડા કાન કરે છે.

  તેમણે કહ્યું, “કોંગ્રેસ પહેલાથી જ રામ અને હનુમાનજીને પસંદ નથી કરતી અને ધર્માંતરણ અને ગૌહત્યા સામે પણ કોઈ પગલાં લેતી નથી. તેઓને માત્ર દરગાહ અને મસ્જિદોમાં જવાનું અને ત્યાં જઈ નમાજ પઢવાનું પસંદ છે, જયારે મંદિરમાં જવાની કે ભગવા સંબંધિત કોઈ વાત આવે છે તો તેઓ ના પાડી દે છે” કર્ણાટક ભાજપના નેતા વી. સુનીલ કુમારે પણ પ્રશ્ન કરતા કહ્યું કે, શું કોંગ્રેસ સરકારે કર્ણાટકમાં ભગવા ધ્વજ લહેરાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમણે કહ્યું છે કે જો કોંગ્રેસ સરકારે આનો આદેશ નથી આપ્યો, તો એ તમામ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેઓએ ધ્વજ ઉતાર્યો છે.

  ઉલ્લેખનીય છે કે, મંડ્યા જિલ્લાના કેરાગોડુ ગામમાં ગ્રામજનોએ દાન ભેગું કરીને 108 ફૂટ લાંબો સ્થંભ લગાવ્યો હતો. જેમાં ભગવો ધ્વજ અને આંજનેયની છબી હતી (હનુમાનજીને અહીં આંજનેય કહેવામાં આવે છે). જેને ગામના રંગમંદિર પાસે સ્થાપિત કરવામાં આવ્યું હતો. આ માટે ગ્રામ પંચાયતની પરવાનગી પણ લેવામાં આવી હતી.

  મંડ્યા પ્રશાસને શનિવારે (27 જાન્યુઆરી, 2024) જગ્યા પર પહોંચી સ્થંભ પરથી ધ્વજ હટાવી દીધો હતો. પ્રશાસને ધ્વજ હટાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ખડકી દીધી હતી. આ દરમિયાન સ્થાન પર વિરોધ કરી રહેલા હિંદુઓ પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપા, જેડીએસ અને બજરંગ દળના કાર્યકરોએ પણ ભાગ લીધો હતો. ધ્વજ હટાવવા માટે રાત્રિનો સમય પસંદ કરવામાં આવ્યો હોવાનું પણ એક અહેવાલમાં જણાવાયું હતું. શનિવારે રાત્રે ધ્વજ હટાવી દેવામાં આવ્યો હતો. રાતથી જ અહીં હિંદુઓ ભેગા થવા લાગ્યા અને 28 જાન્યુઆરી 2024ના રોજ અહીંનું વાતાવરણ વધુ તંગ બની ગયું. જે પછી આ મુદ્દાએ જોર પકડ્યું અને ભાજપા દ્વારા રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરાઈ હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં