ભારત વિજ્ઞાન ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચી રહ્યું છે. ચંદ્રયાન-3 અને આદિત્ય-L1 જેમાં મિશનોની સફળતા બાદ હવે ISRO નવા મિશનો તરફ આગળ વધી રહી છે. ISROનું મહત્વકાંક્ષી મિશન ગનગયાન પણ તેમાં સામેલ છે. ગગનયાન મિશનને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ત્યારે ગગનયાન મિશનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન મોદીએ ગનગયાન મિશન માટેના ચાર અંતરિક્ષયાત્રીઓને એસ્ટ્રોનોટ વિંગ્સ પહેરાવી છે. વડાપ્રધાન મોદીએ એસ્ટ્રોનોટ્સને વિંગ્સ પહેરાવીને દુનિયાની સામે રજૂ કર્યા છે. સાથે અવકાશમાં જનારા આ ચાર અંતરિક્ષયાત્રીઓના નામ પણ સામે આવી ગયા છે. આ તમામ અંતરિક્ષયાત્રીઓ ભારતીય વાયુસેના સાથે જોડાયેલા છે.
PM મોદીએ 27 ફેબ્રુઆરીએ કેરળના તિરુવંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ની મુલાકાત લીધી છે. આ દરમિયાન તેમણે ગગનયાન મિશનની તૈયારીઓની પણ સમીક્ષા કરી છે. સાથે તેમણે ISROને કરોડોના વિકાસકાર્યોની ભેટ પણ આપી છે. એ ઉપરાંત વડાપ્રધાન મોદીએ મિશન ગગનયાન હેઠળ અંતરિક્ષમાં જનારા ચાર અંતરિક્ષયાત્રીઓને એસ્ટ્રોનોટ વિંગ્સ પહેરાવી છે. સાથે તમામ અંતરિક્ષયાત્રીઓના નામ પણ સામે આવી ગયા છે. તેઓ ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાયલોટ છે. તેમના નામ ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા છે. PM મોદીએ ચારેય જવાનોને દુનિયાની સામે પ્રસ્તુત કર્યા છે.
આ ચાર જવાનો હવે અંતરિક્ષયાત્રીઓ બનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે દેશના તમામ પ્રકારના ફાઇટર જેટ ઉડાવ્યા છે. આ તમામ કોઈપણ પ્રકારના ફાઇટર જેટની ખામી અને ખાસિયતોથી સંપૂર્ણ રીતે વાકેફ છે અને તમામ પ્રકારની માહિતી ધરાવે છે. આ બધી વિશેષતાઓને ધ્યાને રાખીને આ ચાર જવાનોને ગગનયાન એસ્ટ્રોનોટ ટ્રેનિંગ માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમની રશિયામાં ટ્રેનિંગ પણ થઈ ગઈ છે. તાજેતરમાં તેઓ બેંગલોરમાં એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસીલીટીમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગગનયાન મિશન માટે સેંકડો જવાનોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે પછી તેમાંથી 12ની પસંદગી કરવામાં આવી હતી. તેમનું સિલેક્શન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિને (IAM) કર્યું હતું. આ 12ની પસંગી કર્યા બાદ પણ અનેક પરીક્ષણ કરવામાં આવ્યા હતા. જેમાં 12 જવાનોમાંથી 4 જવાનોની પસંદગી કરવામાં આવી હતી. જે બાદ 2020માં આ ચાર જવાનોને રશિયા તાલીમ માટે મોકલવામાં આવ્યા હતા.
શું છે ગનગયાન મિશન?
ગગનયાન મિશન ISRO દ્વારા વિકસિત ભારતના માનવ અવકાશ ઉડાન મિશનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ મિશન 2025માં લૉન્ચ કરવામાં આવનારું છે. તે ભારતનું પ્રથમ માનવસહિત અવકાશ મિશન હશે. આ મિશનમાં ચાર યાત્રીઓને ત્રણ દિવસના મિશન માટે અંતરિક્ષમાં 400 કિમીની ભ્રમણકક્ષામાં લઈ જવામાં આવશે અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત પણ લાવવામાં આવશે. ISROએ ગયા વર્ષે આ મિશનનું પરીક્ષણ કર્યું હતું. બુધવારે (21 ફેબ્રુઆરી) ISROએ તેના ક્રાયોજેનિક એન્જિનનું પરીક્ષણ કર્યું. આ મિશનમાં HSFC (હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર)નું વિશેષ યોગદાન છે.