સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. સોમવારે (24 જૂન, 2024) 18મી લોકસભાનું પ્રથમ સત્ર મળશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નવનિર્વાચીત સાંસદો શપથ ગ્રહણ કરશે. ત્યારબાદ અંદાજિત બીજા કે ત્રીજા દિવસે લોકસભા સ્પીકર માટેની ચૂંટણી પણ યોજવામાં આવશે. તથા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ બંને ગૃહોની સંયુકત બેઠકને સંબોધિત પણ કરશે, જેને અભિભાષણ તરીકે પણ ઓળખવમાં આવે છે. નોંધનીય છે કે, એપ્રિલ-મેમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી બાદ આ પ્રથમ લોકસભા સત્ર હશે.
18મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારે 11 કલાકે શરૂ થશે. વડાપ્રધાન મોદી અને તેમના મંત્રીમંડળના સભ્યો 11 કલાકે શપથ ગ્રહણ કરશે. વડાપ્રધાનના શપથ ગ્રહણ બાદ મંત્રીમંડળ અને અન્ય સાંસદો શપથ ગ્રહણ કરશે. ત્યારબાદ અલગ-અલગ રાજ્યોના સાંસદો વર્ણમાળા ક્રમમાં શપથ ગ્રહણ કરશે. એટલે કે આસામના નવનિર્વાચીત સાંસદો સૌથી પહેલાં શપથ ગ્રહણ કરશે અને સૌથી છેલ્લે પશ્ચિમ બંગાળના સાંસદો શપથ ગ્રહણ કરશે. સોમવારે (24 જૂન) વડાપ્રધાન અને તેમના મંત્રીમંડળ સહિત 280 નવનિર્વાચીત સાંસદો શપથ લેશે, જ્યારે 25 જૂને 264 નવનિર્વાચીત સાંસદો શપથ ગ્રહણ કરશે.
અહીં એ પણ નોંધવું જોઈએ કે, ભાજપના નેતા અને સાત ટર્મથી સાંસદ ભર્તૂહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર (અસ્થાયી સ્પીકર) તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. જેના પર વિપક્ષી નેતાઓ વિવાદ ઊભો કરી શકે તેવી પણ સંભાવના છે. વિપક્ષે આ પગલાંની ટીકા પણ કરી છે. તેનો આરોપ છે કે, સરકારે આ પદ માટે કોંગ્રેસ સાંસદ કોડિકુન્નિલ સુરેશના દાવાને અવગણ્યો છે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ આ અંગે કહ્યું છે કે, મહતાબ સતત સાત વખત લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે. જેના કારણે તેઓ આ પદ માટે યોગ્ય છે. જ્યારે સુરેશ 1998 અને 2004માં ચૂંટણી હારી ગયા હતા. જેથી તેમનો હાલનો કાર્યકાળ સતત ચોથો કાર્યકાળ બની રહ્યો છે.
નોંધનીય છે કે, સોમવારે (24 જૂન) રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં મહતાબને લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકેના શપથ લેવડાવશે. ત્યારબાદ મહતાબ સંસદ ભવન પહોંચશે અને સવારે 11 કલાકે લોકસભાની કાર્યવાહી શરૂ કરશે. કાર્યવાહીની શરૂઆત 18મી લોકસભાની પહેલી બેઠકના અવસર પર સભ્યો દ્વારા એક ક્ષણના મૌન બાદ થશે.