Tuesday, June 18, 2024
More
  હોમપેજદેશ2 હજાર ટ્રેક્ટરો સાથે 15-20 હજાર ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી શકે,...

  2 હજાર ટ્રેક્ટરો સાથે 15-20 હજાર ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી શકે, PM-ગૃહમંત્રીના નિવાસસ્થાનના ઘેરાવની પણ આશંકા: ગુપ્ત રિપોર્ટમાં દાવો

  ગુપ્ત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આંદોલનના નામે અમુક ખેડૂતો રાજધાની નવી દિલ્હીમાં વડાપ્રધાન, ગૃહમંત્રી, કૃષિ મંત્રી અને અન્ય નેતાઓના નિવાસસ્થાનનો ઘેરાવ કરી શકે છે. આ કામ માટે તેમણે પંજાબના ગુરુદાસપુર અને હરિયાણામાં અનેક વાર રિહર્સલ પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

  - Advertisement -

  ખેડૂતો હવે ફરી ચર્ચામાં આવ્યા છે. MSP અને MS સ્વામિનાથન કમિશનની ભલામણોને લાગુ કરવાની માગને લઈને ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીના રોજ દિલ્હી તરફ કૂચ કરવાનું એલાન કર્યું છે. જેને લઈને હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. દરમ્યાન, એક ગુપ્ત રિપોર્ટનો હવાલો આપીને જણાવવામાં આવ્યું કે આ પ્રદર્શનની તૈયારીઓ મહિના પહેલાંથી શરૂ થઈ ગઈ હતી અને ટ્રેક્ટર માર્ચ કાઢવા માટે પંજાબ અને હરિયાણામાં રિહર્સલ પણ કરવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં, વડાપ્રધાન અને ગૃહમંત્રીના નિવાસસ્થાનને ઘેરો ઘાલવાની યોજના પણ બનાવાઈ રહી હોવાનું ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટમાં જાણવા મળ્યું છે.

  અહેવાલોમાં જણાવ્યા અનુસાર, ગુપ્ત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આંદોલનના નામે અમુક ખેડૂતો રાજધાની નવી દિલ્હીમાં વડાપ્રધાન, ગૃહમંત્રી, કૃષિ મંત્રી અને અન્ય નેતાઓના નિવાસસ્થાનનો ઘેરાવ કરી શકે છે. આ કામ માટે તેમણે પંજાબના ગુરુદાસપુર અને હરિયાણામાં અનેક વાર રિહર્સલ પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ‘દિલ્હી ચલો’ માર્ચ માટે લગભગ બેથી અઢી હજાર ટ્રેક્ટરોનો ઉપયોગ કરવાની યોજના છે તેવું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે. જ્યારે ભાગ લેનારા ખેડૂતોની સંખ્યા 15થી 20 હજાર પર પહોંચી શકે છે. જેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ સહિત અનેક રાજ્યોથી ખેડૂતો દિલ્હી પહોંચી શકે.

  રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ આખા આયોજન માટે 100થી વધુ બેઠકો કરવામાં આવી હતી. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે આ આંદોલનની આડમાં કેટલાક તત્વો કાયદો અને વ્યવસ્થાને હાનિ પહોંચાડી શકે છે. આંદોલન માટે અમુક ખેડૂતો પાડોશી રાજ્યોમાંથી રોડ, રેલ, મેટ્રો, બસ જેવા ટ્રાન્સપોર્ટ દ્વારા દિલ્હીમાં પ્રવેશી શકે તેમ છે. દિલ્હીમાં ઘૂસવા માટે મહિલાઓ અને બાળકોને પણ આગળ કરવામાં આવે તેવી શક્યતા છે. જેથી દિલ્હીની સીમાઓ પર અને અંદર પણ મજબૂર બેરિકેડિંગની જરૂર છે.

  - Advertisement -

  તંત્ર એડવાન્સમાં સુસજ્જ

  બીજી તરફ દિલ્હીની સુરક્ષાને લઈને પણ પ્રશાસન દ્વારા પૂરતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. દિલ્હીની સીમાઓને અડીને આવેલા રસ્તાઓને ક્રેન અને કન્ટેનર મૂકીને બ્લૉક કરી દેવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, “એક તરફ સરકારે અમને વાતચીત કરવાનું આમંત્રણ આપ્યું છે, બીજી તરફ હરિયાણામાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. બોર્ડરો સીલ કરી દેવામાં આવી છે અને ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. આવા માહોલમાં વાતચીત ન થઇ શકે.”

  વાસ્તવમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓ ખેડૂતોને માંગ પર વિચાર કરવા માટે આગામી 12 ફેબ્રુઆરીના રોજ ખેડૂત પ્રતિનિધિઓ સાથે બેઠક કરવાના છે. ખેડૂત પક્ષે તેમના નેતા સરવન સિંઘ પંધેરે કહ્યું હતું કે, પીયુષ ગોયલ, અર્જુન મુંડા અને નિત્યાનંદ રાય સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજુર મોરચાના પ્રતિનિધિમંડળ સાથે વાત કરવા ચંડીગઢ પહોંચવાના છે.

  બીજી તરફ, ખેડૂતોના એલાનને લઈને હરિયાણા અને પંજાબની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે તેમજ હરિયાણાના અમુક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવાઈ છે. સરહદો પર પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. 

  આ તરફ, દિલ્હી પોલીસે UP બોર્ડરે CrPCની કલમ 144 લાગુ કરી દીધી છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે, અમુક ખેડૂત સંગઠનોએ તેમના સમર્થકોને 13 ફેબ્રુઆરીના રોજ દિલ્હી તરફ કૂચ કરવા માટે આહવાન કર્યું છે. શક્યતા છે કે તેઓ માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી દિલ્હી બોર્ડર પર જ બેસી શકે છે. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના પગલાંના ભાગરૂપે CrPCની કલમ 144 લાગુ કરવામાં આવી રહી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં