કર્ણાટકમાં હજુ હિંદુ વિદ્યાર્થીનીઓના વિડીયો બનાવી તેને મુસ્લિમ યુવકોને મોકલવા બાબતે થયલો હોબાળો શાંત નથી થયો, ત્યાં જ હવે અંગતપળોનો વિડીયો વાઈરલ થઈ જતાં કૉલેજમાં ભણતા યુગલે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે યુગલના આત્મહત્યાની આ ઘટના દાવણગેરેની છે. બંને મૃતક એક જ કૉલેજમાં અભ્યાસ કરતા હતા. હાલ મૃતકોના પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર કર્ણાટકમાં વિડીયો વાઈરલ થયા બાદ આત્મહત્યા કરનાર આ યુગલ દાવણગેરે ખાતે આવેલી એક કૉલેજમાં સાથે જ અભ્યાસ કરતું હતું. સાથે ભણતા યુવક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે થોડા સમય પહેલાં તે બંને કૉલેજની છત પર મળીને અંગત પળો માણી રહ્યા હતા. આ દરમિયાન કોઈ ઇસમે છાનામાના યુગલનો વિડીયો બનાવીને તેને વાયરલ કરી દીધો હતો. ક્યાંકથી તે બંનેના પરિવારો પાસે પહોંચી ગયો હતો.
પોતાનો આ પ્રકારનો વિડીયો વાયરલ થયા હોવાનો આઘાત સહન ન થતાં યુવતીએ શુક્રવારે (28 જુલાઈ, 2023) પોતાના ઘરે જ પંખે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. ત્યારબાદ યુવકે પણ સાંજે આત્મહત્યા કરી લીધી હતી. કૉલેજમાં ભણતા યુગલે આત્મહત્યા કરી લેતાં અખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. તો બીજી તરફ મૃતક યુગલના પરિવારોએ અલગ અલગ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. કહેવામાં આવી રહ્યું છે કે લીક કરવામાં આવેલો વિડીયો 2 મહિના પહેલાં બનાવવામાં આવ્યો હતો.
ઉડુપીમાં પણ હિંદુ વિદ્યાર્થીનીઓના વિડીયો બનાવવામાં આવ્યા હતા
નોંધનીય છે કે આવો જ એક કિસ્સો કર્ણાટકના ઉડુપીથી સામે આવ્યો હતો, જેમાં એક ખાનગી કોલેજના બાથરૂમમાં મોબાઈલ કેમેરા મળી આવ્યા હતા. કોલેજમાં જ અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીની અલીમાતુલ શૈફ, શાહબનાઝ અને આલિયા પર આ કેમેરા ગોઠવ્યા હોવાનો આરોપ લાગ્યો હતો. તેમણે આ હિડન કેમેરાથી હિંદુ યુવતીઓના વિડીયો શૂટ કરીને મુસ્લિમ યુવકો સાથે શૅર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.
શરૂઆતમાં વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરતાં કોલેજ પ્રશાસને તપાસ તો શરૂ કરી હતી પરંતુ વિડીયો ડિલીટ થઇ ગયા હોવાનું કહીને વીંટો વાળી દીધો હતો. પરંતુ પછીથી મુદ્દો ચગતાં પોલીસે ત્રણ વિદ્યાર્થીનીઓ અને કોલેજ પ્રશાસન સામે ગુનો દાખલ કર્યો હતો. આ મામલે IPC 509 (શબ્દ, સંકેત કે આચરણ દ્વારા મહિલાની મર્યાદાનું અપમાન), 204 (પુરાવાનો નાશ કરવો) 175 (દસ્તાવેજો કે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ રજૂ ન કરી શકવા) અને 34 (સમાન ઈરાદાથી આચરવામાં આવેલ ગુનો) તથા IT એક્ટની કલમ 66(e) (પ્રાઇવસી ભંગ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
વિવાદ વકરતાં આ ત્રણેયને કોલેજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ સમાચાર મેઈનસ્ટ્રીમ મીડિયામાં પ્રસરી ગયા હતા. આ મામલે કોલેજની અન્ય વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે છેલ્લા 1 વર્ષથી આ પ્રકારે વિડીયો રેકોર્ડ કરીને મુસ્લિમ યુવકો સાથે શૅર કરવામાં આવી રહ્યા હતા. જેને લઈને તેમણે ફરિયાદ કરી હતી.
હાલ આ મામલે તપાસ ચાલી રહી છે તો બીજી તરફ આને લઈને રાજકારણ પણ શરૂ થઇ ગયું છે તો વામપંથી પ્રોપગેન્ડાબાજોની એક ટોળકીએ આ આખી ઘટનાને ‘પ્રેન્ક’માં ખપાવી દીધી હતી.