Friday, November 22, 2024
More
    હોમપેજદેશકારગિલ વિજય દિનના બીજા જ દિવસે પાકિસ્તાની તાનાશાહ પરવેઝ મુશર્રફનું સન્માન, કેરળમાં...

    કારગિલ વિજય દિનના બીજા જ દિવસે પાકિસ્તાની તાનાશાહ પરવેઝ મુશર્રફનું સન્માન, કેરળમાં બૅન્ક ઑફ ઇન્ડિયાના કર્મચારીઓનો હતો પ્લાન: વિરોધ બાદ સૂચિમાંથી હટાવાયું નામ

    કેરળના બેંક ઑફ ઇન્ડિયા સ્ટાફ યુનિયન દ્વારા તેમના 23મા સ્ટેટ કોન્ફરન્સના કાર્યક્રમમાં એક આયોજન પાકિસ્તાની તાનાશાહ અને પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફને સન્માનિત કરવાનું પણ કર્યું હતું. આ કાર્યક્રમના પોસ્ટરમાં પણ મુશર્રફને શ્રદ્ધાંજલિ આપવામાં આવવાની હોવાની માહિતી આપવામાં આવી હતી.

    - Advertisement -

    દેશમાં 26 જુલાઈ, 2024ના રોજ ‘કારગિલ વિજય દિવસ’ મનાવવામાં આવ્યો. તો બીજી તરફ બરાબર તેના બીજા જ દિવસે કેરળમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને કારગિલ યુદ્ધ માટે જવાબદાર પરવેઝ મુશર્રફને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. કાર્યક્રમ બેન્ક ઑફ ઇન્ડિયાના કર્મચારીઓના એક યુનિયન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જોકે, વિરોધ બાદ મુશર્રફનું નામ હટાવી દેવામાં આવ્યું.

    મળતી માહિતી અનુસાર, કેરળના બેંક ઑફ ઇન્ડિયા સ્ટાફ યુનિયન દ્વારા તેમના 23મા સ્ટેટ કોન્ફરન્સના કાર્યક્રમમાં એક આયોજન પાકિસ્તાની તાનાશાહ અને પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફને સન્માનિત કરવાનું પણ કર્યું હતું. આ કાર્યક્રમના પોસ્ટરમાં પણ મુશર્રફને શ્રદ્ધાંજલિ આપવામાં આવવાની હોવાની માહિતી આપવામાં આવી હતી. અહીં નોંધવું જોઈએ કે કેરળનું બેંક ઑફ ઇન્ડિયા સ્ટાફ યુનિયન અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ (AIBEA) સાથે સંકળાયેલું છે. આટલું જ નહીં, કારગિલ વિજય દિનના દિવસે જ આનાં પોસ્ટર મારવામાં આવ્યાં. અહીં એ પણ ન ભૂલવું જોઈએ કે આ એ જ પરવેઝ મુશર્રફ છે જેણે કારગિલ યુદ્ધનો કારસો ઘડ્યો અને તેના કારણે જ ભારતે સેંકડો વીર જવાનોને ખોયા. તેણે જ મુજાહિદ્દીનોના વેશમાં પાકિસ્તાની સેનાને ભારત સાથે યુદ્ધ કરવા મોકલી હતી.

    કોંગ્રેસી સાંસદ કેસી વેણુગોપાલ કરવાના હતા ઉદ્ઘાટન

    વધુ ચોંકાવનારી વાત એ છે કે કેરળના જે કાર્યક્રમમાં પરવેઝ મુશર્રફનું સન્માન કરવાનું આયોજન હતું, તેનું ઉદ્ઘાટન કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ કરવાના હતા. આ કાર્યક્રમમાં બેંક ઑફ ઇન્ડિયા સ્ટાફ યુનિયન, ઑલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોસિએશન અને કેરળ બેંક એમ્પ્લોઇઝ ફેડરેશનના મોટા પદ પર રહેલા અધિકારીઓ પણ હાજર હતા. પરંતુ કોંગ્રેસ નેતા આવ્યા ન હતા. જોકે, વિરોધ થતાંની સાથે જ પરવેઝ મુશર્રફનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સૂચિમાંથી હટાવી લેવામાં આવ્યો.

    - Advertisement -

    ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક ભાજપ અને હિંદુ કાર્યકર્તાઓએ તેનો વિરોધ કર્યો હતો. સોશિયલ મીડિયામાં પણ લોકોએ આ કાર્યક્રમની નિંદા કરી છે અને કાર્યવાહીની માંગ કરી છે. તો બીજી તરફ વિવાદ વધતો જોઇને યુનિયને આને ‘ભૂલ’ ગણાવી હતી. તેમણે ખુલાસો આપતાં જણાવ્યું હતું કે પરવેઝ મુશર્રફનું નામ સૂચિમાં પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે ભૂલથી આવી ગયું હતું. તેમના જણાવ્યા અનુસાર આ માત્ર છાપકામની ભૂલ હતી અને ધ્યાન પર આવ્યા બાદ નામ હટાવી લેવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે વિવાદ બાદ કાર્યક્રમમાં પરવેઝ મુશર્રફનો ક્યાંય ઉલ્લેખ નહતો કરવામાં આવ્યો.

    નોંધનીય છે કે કારગિલ યુદ્ધ સમયે મુશર્રફ પાકિસ્તાની સેનાના અધ્યક્ષ હતા. કારગિલને કબજે કરીને ભારત પર હુમલો કરવાનો કારસો તેમણે જ ઘડ્યો હોવાનું હવે જગજાહેર છે. 1999માં લડાયેલા આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાની સેનાને ધૂળ ચટાડી હતી. પછીથી 2001માં મુશર્રફે નવાઝ શરીફને હટાવીને પોતે સત્તા હાથમાં લઇ લીધી હતી અને તાનાશાહ બની ગયા હતા. એ જ મુશર્રફને કેરળમાં શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવતા વિવાદ થયો હતો. બેંક ઑફ ઇન્ડિયા તરફથી આ મામલે હજુ કોઈ નિવેદન આવ્યું હોવાનું ધ્યાનમાં નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં