કર્ણાટકના પાટનગર બેંગ્લોરમાં અમુક ઠેકાણે બુધવારે (27 ડિસેમ્બર) હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા પાછળ કન્નડ ભાષાનું સમર્થન કરતાં અમુક સંગઠનોનો હાથ હોવાનું કહેવાય છે. વાસ્તવમાં તાજેતરમાં પ્રશાસને તમામ દુકાનોનાં સાઇનબોર્ડ પર 60 ટકા કન્નડ ભાષા ફરજિયાત કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ કર્ણાટક રક્ષણા વેદિકે નામના સંગઠનના કાર્યકર્તાઓએ અમુક દુકાનોમાં તોડફોડ કરી હતી અને દુકાનદારો સમક્ષ સાઇનબોર્ડમાં કન્નડ ભાષાનો ઉપયોગ કરવા માટે માંગ કરી હતી.
તાજેતરમાં બેંગ્લોર મહાનગરપાલિકાએ કમર્શિયલ દુકાનો માટે નિર્દેશો બહાર પાડ્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ પોતાની દુકાનો કે અન્ય એકમોનાં નામ દર્શાવતાં બોર્ડનો 60 ટકા હિસ્સો કન્નડ ભાષામાં લખે, જ્યારે બાકીના 40 ટકા ભાગમાં અંગ્રેજી લખી શકાશે. આ માટે ફેબ્રુઆરી, 2024 સુધીનો સમય આપવામાં આવ્યો છે અને જણાવાયું છે કે જો ત્યાં સુધીમાં આદેશનું પાલન ન થયું અને કન્નડ ભાષાનો ઉપયોગ બોર્ડ પર કરવામાં ન આવ્યો તો કાયદેસર કાર્યવાહી થશે અને લાયસન્સ પણ રદ થઈ શકે છે.
What has happened to law & order in Bengaluru???
— Nabila Jamal (@nabilajamal_) December 27, 2023
Pro kannada groups on a total vandalism spree across central Bengaluru. Smash English Signboards & vandalise property in full public view.. cops struggle to maintain order!! https://t.co/iQeNNhsxWX pic.twitter.com/1QG9NazwxG
આ આદેશ બાદ બુધવારે કન્નડ ભાષા માટે સંઘર્ષ કરવાનો દાવો કરતાં સંગઠનોએ ઉત્પાત મચાવી દીધો અને અનેક દુકાનો અને એકમોમાં તોડફોડ કરી, જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અમુકે અંગ્રેજી સાઇનબોર્ડ પાડી નાખ્યાં તો કોઈએ જ્યાં-જ્યાં અંગ્રેજી લખવામાં આવ્યું હતું તેને કાળા રંગની શ્યાહીથી ઢાંકી દીધું હતું. રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન અમુક દુકાન માલિકોને ધમકાવવામાં પણ આવ્યા.
વાસ્તવમાં કર્ણાટક રક્ષણા વેદિકે અને અન્ય કન્નડ સમર્થક સંગઠનોએ બેંગ્લોરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રદર્શનનું આયોજન કર્યું હતું. ત્યાંથી તેમણે એક રેલી પણ કાઢી હતી. તેઓ હાથમાં કન્નડ ઝંડા લઈને નીકળ્યા હતા. આ દરમિયાન આ તોડફોડની ઘટનાઓ બની. જેને લઈને પછીથી પોલીસ અને એજન્સીઓ પણ એક્શનમાં આવી અને કાર્યવાહી કરી હતી. તાજા જાણકારી અનુસાર, તોડફોડ બદલ KRVના અમુક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.
આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પણ ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. લોકો કહી રહ્યા છે કે બહારથી આવતા લોકો કન્નડ ભાષા કઈ રીતે સમજી શકશે? લોકોએ આ ઘટનાને કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા ગણવી હતી અને કહ્યું કે રાજ્ય સરકાર આના માટે જવાબદાર છે. વળી લોકોએ એમ પણ કહ્યું કે, આ પરિસ્થિતિમાં રાજ્યમાં રોકાણ કઈ રીતે વધશે?