Saturday, October 12, 2024
More
    હોમપેજદેશઅયોધ્યાના પૌરાણિક મણિપર્વતની ત્રણ બાજુ બનાવી દેવાઈ દરગાહ, ગણેશ કુંડ પાસે નવી...

    અયોધ્યાના પૌરાણિક મણિપર્વતની ત્રણ બાજુ બનાવી દેવાઈ દરગાહ, ગણેશ કુંડ પાસે નવી મઝાર બનાવવાની તૈયારી: ઈરાન અને બગદાદના નામ પર છે કબર

    ત્રણેય બાજુથી કબરોથી ઘેરાયેલો આ વિસ્તાર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સુરક્ષાની દૃષ્ટિએ પણ અત્યંત સંવેદનશીલ છે. આ મઝારોથી એકદમ ઘેરાયેલો ઉત્તર પ્રદેશ પોલીસની PAC વિંગનો એક મોટો કેમ્પ પણ અહિયાં છે.

    - Advertisement -

    22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામજન્મભૂમિ ખાતે રામલલાની મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દેશ અને દુનિયાના પ્રતિષ્ઠિત લોકો અયોધ્યા પહોંચ્યા હતા. આ તમામ લોકોએ અન્ય મુલાકાતીઓ સાથે કડક સુરક્ષા હેઠળ અયોધ્યાના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. આ પ્રવાસન સ્થળોમાંનું એક સ્થળ છે મણિપર્વત, જે મુખ્ય અયોધ્યા યાત્રાધામના વિદ્યાકુંડને અડીને આવેલું છે. મણિપર્વતની ત્રણ બાજુ દરગાહ બનાવી દેવામાં આવી છે.

    ભગવાન રામ સાથે જોડાયેલા અયોધ્યાના પૌરાણિક રીતે મહત્વપૂર્ણ સ્થાન મણિપર્વતની ત્રણ બાજુએ દરગાહ બનાવી દેવામાં આવી છે. આ દરગાહના રંગો અને રોશની એકદમ નવા દેખાય છે. આ ઉપરાંત એક નવી દરગાહ બનાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. ઘણી પાક્કી કબરો પણ નજીકમાં જોઈ શકાય છે, જેની નીચે પ્રાચીન સમયના બાંધકામો છે.

    શું છે મણિપર્વતનો ઇતિહાસ?

    ઑપઇન્ડિયાની ટીમે અયોધ્યાના મણિપર્વતની મુલાકાત લીધી હતી. જેની બાજુમાં ત્રણ દરગાહ બનાવી દેવામાં આવી છે. આ પવિત્ર સ્થળ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (ASI) દ્વારા સંરક્ષિત છે. મંદિર ઉંચાઈ પર બનેલું છે અને ત્યાં પહોંચવા માટે ઘણી સીડીઓ ચડવી પડે છે. અહીંના પૂજારીએ અમને જણાવ્યું કે ભગવાન રામ અને માતા સીતા આ જ જગ્યાએ સાથે હીંચકે ઝૂલતા હતા. તેમજ માતા સીતાના વિવાહ બાદ પિતા જનકે તેમને એટલા રત્નો ભેટમાં આપ્યા હતા કે તેમાંથી એક આખો પર્વત ઊભો થઈ ગયો હતો. સમયાંતરે બહારી લૂંટારાઓના આક્રમણમાં આ સ્થળને વિકૃત કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.

    - Advertisement -
    મણિપર્વત અયોધ્યા

    આજે પણ મણિપર્વત સંબંધિત લોકગીતો અયોધ્યા અને આસપાસના ગામોમાં મહિલાઓ દ્વારા ગાવામાં આવે છે. આ લોકગીતોમાંના એક ગીતના બોલ છે, “ઝલુઆ પડા મણિપર્વત પય. હમ સખી ઝૂલય જાબય ના.” એટલે કે ‘મણિપર્વત પર એક ઝૂલો છે અને હું મારી સાહેલીઓ સાથે ઝૂલવા ત્યાં જઈશ.’ પહેલાંના સમયમાં આ ગીતો દરેક ઘરમાં ટેપ રેકોર્ડર પર વગાડવામાં આવતા હતા. આ પ્રાચીન લોકગીતો આજે પણ યુટ્યુબ પર સાંભળી શકાય છે. આજે પણ દર શ્રાવણ માસે મણિપર્વત પર મેળો ભરાય છે જેમાં દેશભરના શ્રદ્ધાળુઓ ભાગ લેવા માટે આવે છે.

    મણિપર્વતની દક્ષિણમાં હઝરત શીષ અલહૈ સલામની દરગાહ

    અયોધ્યાના મણિપર્વતની દક્ષિણે હઝરત શીષની દરગાહ છે. મણિપર્વતથી આ દરગાહનું અંતર 100 મીટરથી પણ ઓછું છે. આ દરગાહ લગભગ મણિપર્વતની સીમાને અડીને છે એમ કહેવું ખોટું નહીં હોય. તેના બોર્ડ પણ મુખ્ય માર્ગ પર લગાવવામાં આવ્યા છે. બોર્ડ પર હલાલ અહેમદ અને મૌલાના મોહમ્મદ આસિફ ફિરદૌસીના નામ અને મોબાઈલ નંબર લખેલા છે.

    અયોધ્યાના મણિપર્વતની દરગાહ
    હઝરત શીષ દરગાહ

    અમને દરગાહની બહાર પાર્ક કરેલી ગુજરાત રજીસ્ટ્રેશન નંબરવાળી મારુતિ અર્ટિગા કાર મળી. સફેદ રંગની આ દરગાહને ચારે બાજુથી પાક્કી દિવાલોથી ઘેરવામાં આવી છે. દરગાહની આસપાસના વિસ્તારોની સફાઈ પણ સતત ચાલુ છે. આ ભાગોને સાફ કરવાને કારણે દરગાહનું કદ વધી રહ્યું છે.

    બાઉન્ડ્રીમાં અડધો ડઝનથી વધુ કબરો

    જ્યારે ઑપઇન્ડિયાની ટીમ આ દરગાહની અંદર ગઈ ત્યારે ત્યાં મુસ્લિમ સમુદાયના લગભગ 5 લોકો હાજર હતા. ઓછામાં ઓછા 5 જુદા જુદા ભાગોમાં વહેંચાયેલી આ દરગાહમાં 6થી વધુ કબરો છે. આમાંની કેટલીક કબરો સામાન્ય માનવીઓના કદની છે, જ્યારે એકની લંબાઈ લગભગ 10 ફૂટ છે.

    એક જ દરગાહની અંદર અનેકો કબરો

    આ કબરોને હઝરત બાબા જલીલ નક્શબંદી, નઝીરુદ્દીન કાદરી બગદાદી મઝાર, ઈરાનની શાહજાદી હઝરત બીવી સૈયદા ઝાહિદા, હઝરત શીષ મઝાર, હઝરત શીષની બેગમ અને તેમના બાળકો વગેરેના નામ આપવામાં આવ્યા છે. ઈરાનની શાહજાદી સૈયદા ઝાહિદા વિશે અમને મઝાર પર કહેવામાં આવ્યું કે તે જિયારત કરવા આવી હતી અને ત્યાં સ્થાયી થઈ ગઈ હતી.

    કાયનાત બની તે દિવસથી દરગાહ હોવાનો દાવો

    અહીંના ખાદિમે દાવો કર્યો છે કે દુનિયાની રચના થઈ ત્યારથી દરગાહ ત્યાં છે. તેમણે હઝરત શીષને સંસારના પ્રથમ માનવી અને તેમના પયગંબર હઝરત આદમના ત્રીજા પુત્ર તરીકે વર્ણવ્યા. આ સાથે તેમણે જણાવ્યું કે હઝરત શીષની લંબાઈ 70 ગજ હતી. તેમણે આ લંબાઈને મણિપર્વત સુધી વિસ્તરેલી ગણાવી હતી.

    દરગાહના ખાદિમ અને તેમના સહયોગીઓ

    તેમણે એમ પણ કહ્યું કે તારીખો અનુસાર હઝરત શીષની કબર મણિપર્વત સુધી હોવી જોઈએ. ખાદિમનું એવું પણ કહેવું છે કે, તે દરગાહમાં દેશ-વિદેશથી લોકો આવે છે. ખાદિમે દાવો કર્યો હતો કે આ લોકોમાં સ્થાનિક નેતાઓનો પણ સમાવેશ થાય છે. અહીં દર વર્ષે ઉર્સ પણ થાય છે. આ દરગાહની સંભાળ માટે અહીંના ખાદિમને ચંદા આપવામાં આવે છે.

    પૂર્વ ખૂણા પર કોતવાલ બાબાની દરગાહ

    જ્યારે ઑપઇન્ડિયાએ મણિ પર્વતના પૂર્વ ભાગમાં તપાસ કરી તો ત્યાં બીજી એક દરગાહ મળી આવી હતી. આ દરગાહ એક ઝાડને ઘેરીને બનાવવામાં આવી છે. એક ઉંચો ચબૂતરો બનાવીને તેના પર પાક્કી કબર ઊભી કરી દેવામાં આવી છે. તેને લીલા રંગમાં રંગવામાં આવી છે. તેના પર નવી ચાદર વગેરે પણ ચડાવી દેવાયું છે. તેને કોતવાલ બાબાની દરગાહ નામ આપવામાં આવ્યું છે. મઝાર પર નળ પણ લગાવી દેવામાં આવ્યો છે.

    કોતવાલ બાબાની દરગાહ

    આ મઝારની નજીક એક નવી કબર બનાવવામાં આવી છે, જેને સૈયદ શાહ બાબા નામ આપવામાં આવ્યું છે. આ બંને દરગાહની દેખરેખ એક મુસ્લિમ મહિલા કરે છે. મહિલાએ જણાવ્યું કે બંને દરગાહ તેના પતિએ જીવિત હતો ત્યારે બનાવી હતી. હાલમાં મહિલા સરકાર પાસેથી વિધવા પેન્શન લઈ રહી છે.

    અયોધ્યાના મણિપર્વતની દરગાહ
    સૈયદ શાહ મઝાર

    કોતવાલ બાબા વિશે એવું જાણવા મળ્યું છે કે તે એક ભૂતપૂર્વ પોલીસ અધિકારી હતા, જે એક સમયે અયોધ્યા પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ હતા. આ બંને દરગાહની સંભાળ રાખનારી મહિલાનું ઘર ત્યાંથી લગભગ 3 કિલોમીટર દૂર છે. અહીં દર વર્ષે ઉર્સ પણ યોજાય છે, જેમાં ઘણું દાન એકત્ર થાય છે. એવો દાવો કરવામાં આવે છે કે નેપાળ સુધીથી લોકો આ દરગાહની મુલાકાત લે છે. આ દરગાહને અડીને આવેલા જંગલોની સફાઈ પણ અહીંના સંરક્ષકો દ્વારા ચાલી રહી છે.

    ઉત્તર ખૂણા પર શમશુદ્દીન શાહ બાબાની દરગાહ

    મણિપર્વતના ઉત્તર ખૂણા પર વધુ એક દરગાહ બનેલી છે. તેનું નામ હઝરત અલી સૈયદ શમશુદ્દીન શાહ બાબા છે. આ દરગાહ પણ એક ઝાડને ઘેરીને બનાવવામાં આવી છે. આ દરગાહ ત્યાં બનાવવામાં આવી છે જ્યાં મણિ પર્વતથી ઉતરતી સીડીઓનો અંત આવે છે. તેને પણ લીલા રંગે રંગવામાં આવી છે. સિમેન્ટના ઊંચા ચબૂતરા પર ચઢવા માટે સીડીઓ બનાવવામાં આવી છે.

    શમશુદ્દીન શાહ બાબાની દરગાહ

    દરગાહની ઉપર આવેલી કબરને લીલા રંગની ચાદરથી ઢાંકવામાં આવી છે. તેની પણ સતત જાળવણી ચાલી રહી છે. દરગાહ હઝરત અલી સૈયદ શમશુદ્દીન શાહ બાબાની બાજુમાં ખુલ્લા મેદાનમાં બીજી એક દરગાહ બનાવવામાં આવી છે. તેના નામનું બોર્ડ વગેરે દેખાતું ન હતું. અમને આ બંને દરગાહ પર કોઈ ખાદિમ હાજર મળ્યો નથી.

    પાક્કી બનાવટની સેંકડો કબરો

    ઉપરોક્ત ત્રણેય દરગાહ – શીષ, શમશુદ્દીન અને કોતવાલ બાબાની વચ્ચે સેંકડો કબરો મોજૂદ છે. તાજેતરમાં, આ કબરો પર પાક્કું બાંધકામ કરવામાં આવ્યું છે. પ્રાચીન કાળની ઇંટો પણ નીચે દૃશ્યમાન છે. પાક્કી કબરો પર અરબી ભાષામાં થોડું લખાણ છે. નવા બાંધકામોને લીલો રંગ આપવામાં આવી રહ્યો છે.

    નવી બનેલી કબરો

    હઝરત શીષ દરગાહના ખાદિમનું કહેવું છે કે આ જગ્યા પહેલાંથી જ કબ્રસ્તાન છે. તેમનું કહેવું છે કે આજે પણ આસપાસના વિસ્તારના મુસ્લિમોને ત્યાં દફનાવવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, મણિપર્વતના પશ્ચિમ અને દક્ષિણ ખૂણામાં સામૂહિક કબરોના ઢગલા છે.

    ગણેશ કુંડ પર નવી દરગાહ બનાવવાની પણ તૈયારી

    જે અયોધ્યા તીર્થના નવનિર્માણમાં વર્તમાન સરકાર દિવસ-રાત એક કરી રહી છે, ત્યાં અંદરો-અંદર નવી દરગાહો બનાવવાની તૈયારી પણ ચાલી રહી છે. જ્યારે ઑપઇન્ડિયાની ટીમ દરગાહ કોતવાલ બાબા ખાતે હાજર હતી, ત્યારે અમે તેની નજીક ગણેશ કુંડ જોયો. ઉત્તર પ્રદેશ સરકારના પર્યટન વિભાગ દ્વારા તાજેતરમાં ગણેશ કુંડને સુશોભિત કરવામાં આવ્યો છે.

    અયોધ્યાના મણિપર્વતની દરગાહ
    ગણેશ કુંડની પાસે નવી દરગાહ બનાવવાની તૈયારી

    અમે ગણેશ કુંડ પાસે એક જગ્યાએ માટીનો ઢગલો જોયો. માટીનો આ ઢગલો કબરના આકારમાં હતો. અમે આ જગ્યા જોઈ રહ્યા હતા ત્યારે કોતવાલ શાહ દરગાહની દેખભાળ કરતી મહિલા અમારી પાસે પહોંચી. તેણે અમને માટીથી દૂર રહેવા કહ્યું.

    દરગાહની કેર ટેકર મહિલા

    મહિલાએ કહ્યું કે તે આ જગ્યાએ નવી દરગાહ બનાવવા માંગે છે, જેના માટે પૈસા એકઠા કરવામાં આવી રહ્યા છે. દરગાહને પહેલેથી જ રહમતુલ્લાહ નામ આપી દેવામાં આવ્યું છે. મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે રહમતુલ્લાહ દરગાહ બનાવવાનું સપનું તેના મરહૂમ પતિનું હતું, જેને તે પૂર્ણ કરવા માંગે છે.

    દરગાહોથી ઘેરાયેલો સુરક્ષા દળોનો કેમ્પ

    ઑપઇન્ડિયાની ટીમે મણિપર્વત અને તેની આસપાસના વિસ્તારોની પણ શોધખોળ કરી હતી. કોતવાલ શાહની દેખભાળ રાખતી મહિલાએ દાવો કર્યો હતો કે ઝાડીઓની અંદર હજુ ઘણી વધુ કબરો છે. આ મઝારોની નજીક ગણેશ અને વિદ્યાકુંડ જેવા પવિત્ર અને પૌરાણિક મંદિરો પણ છે, જેનો સીધો સંબંધ ભગવાન રામ સાથે છે. તે બધા અયોધ્યાના મુખ્ય તીર્થ ક્ષેત્ર અથવા ધર્મનગરી વિસ્તારમાં આવે છે.

    આ મઝારોથી એકદમ ઘેરાયેલો ઉત્તર પ્રદેશ પોલીસની PAC વિંગનો એક મોટો કેમ્પ પણ અહિયાં છે. આ કેમ્પમાં જવાનોના રહેવાની વ્યવસ્થા, વાહનોના પાર્કિંગની સાથે તેમના હથિયારો પણ રાખવામાં આવ્યા છે. એમ કહેવું ખોટું નહીં હોય કે ત્રણેય બાજુથી કબરોથી ઘેરાયેલો આ વિસ્તાર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સુરક્ષાની દૃષ્ટિએ પણ અત્યંત સંવેદનશીલ છે.

    દશરથ સમાધિ અને મણિપર્વત દરગાહનો એક જ ખાદિમ

    ઑપઇન્ડિયાએ, 2 જાન્યુઆરી, 2024 ના રોજના પોતાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં, અયોધ્યા શહેરથી 14 કિમી દૂર સ્થિત મહારાજા દશરથની સમાધિ નજીક એક દરગાહ હોવાનો ખુલાસો કર્યો હતો. ત્યારે ઑપઇન્ડિયાએ જણાવ્યું હતું કે દરગાહને પૌરાણિક ક્ષેત્ર બિલ્વહરિ શરીફને જોડીને બેલહરી શરીફ કહેવામાં આવી રહી છે.

    અયોધ્યાના મણિપર્વતની પાસે મોજૂદ મોટી દરગાહ હઝરત શીષની તપાસમાં એક નવી માહિતી સામે આવી છે. દશરથ સમાધિની બાજુમાં આવેલી દરગાહનું સંચાલન આ દરગાહના ખાદિમના પરિવાર દ્વારા જ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, અયોધ્યામાં બે અલગ-અલગ ધાર્મિક સ્થળો પર બનેલી દરગાહ એક જ મુસ્લિમ પરિવાર દ્વારા ચલાવવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં