Friday, May 3, 2024
More
    હોમપેજદેશઅયોધ્યામાં ફાળવેલી 5 એકર જમીન પર મસ્જિદ સાથે હોસ્પિટલ બનાવવાની કરી હતી...

    અયોધ્યામાં ફાળવેલી 5 એકર જમીન પર મસ્જિદ સાથે હોસ્પિટલ બનાવવાની કરી હતી જાહેરાત, હવે વક્ફ બોર્ડના ટ્રસ્ટે યોજના પડતી મૂકી, કહ્યું- હાલ અમારી પાસે એટલું ફંડ નથી

    અગાઉ યોજના એવી હતી કે પાંચ એકર જમીનમાં મસ્જિદની સાથે સાથે હોસ્પિટલ, ભોજનાલય અને ઈન્ડો-ઇસ્લામિક કલ્ચરલ રિસર્ચ સેન્ટરનું પણ નિર્માણ કરવામાં આવે, પરંતુ હવે ભંડોળની અછતના કારણે હોસ્પિટલ બનાવવાનો પ્લાન મોકૂફ રખાયો છે. 

    - Advertisement -

    9 નવેમ્બર, 2019ના દિવસે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં અયોધ્યામાં વિવાદિત સ્થળની સંપૂર્ણ જમીન રામલલા બિરાજમાન એટલે કે હિંદુ પક્ષને સોંપી દીધી હતી અને મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ અન્ય સ્થળે મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન આપવા આદેશ કર્યો હતો. ચુકાદા બાદ રામ મંદિરનું નિર્માણ તો શરૂ થઇ ગયું છે પણ મસ્જિદનું કામ હજુ શરૂ થઇ શક્યું નથી. અગાઉ આ મસ્જિદ સાથે હોસ્પિટલ બાંધવાની પણ જાહેરાત કરવામાં આવી છે પણ હવે સંચાલન કરતા ટ્રસ્ટે તે માંડવાળ કર્યું છે. 

    ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, અયોધ્યામાં વૈકલ્પિક સ્થળે મસ્જિદ નિર્માણ માટે બનાવવામાં આવેલ ટ્રસ્ટ ઈન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશને જાહેર કર્યું છે કે તેઓ હોસ્પિટલ બનાવવાની યોજના મુલતવી રાખે છે. આ માટે તેમણે ફંડ ન હોવાનું કારણ જણાવ્યું છે. અગાઉ યોજના એવી હતી કે પાંચ એકર જમીનમાં મસ્જિદની સાથે સાથે હોસ્પિટલ, ભોજનાલય અને ઈન્ડો-ઇસ્લામિક કલ્ચરલ રિસર્ચ સેન્ટરનું પણ નિર્માણ કરવામાં આવે, પરંતુ હવે ભંડોળની અછતના કારણે હોસ્પિટલ બનાવવાનો પ્લાન મોકૂફ રખાયો છે. 

    અખબાર સાથે વાત કરતાં IICF ટ્રસ્ટના સેક્રેટરી અથર હુસૈને જણાવ્યું કે, “અમે હોસ્પિટલનો પ્રોજેક્ટ હાલ પૂરતો સ્થગિત કર્યો છે કારણ કે ફંડની અછત છે. હોસ્પિટલના પ્રોજેક્ટ પાછળ લગભગ 300 કરોડનો ખર્ચ થશે અને અમારે હાલ તેને સ્થગિત કરવો પડશે. અમે મસ્જિદનું નિર્માણ વહેલામાં વહેલી તકે શરૂ કરી દેવા માંગીએ છીએ જેથી બાંધકામ સ્થળે કંઈક કામ ચાલુ થાય. પણ જ્યાં સુધી હોસ્પિટલનો સવાલ છે તો અમારે ફંડની અછતના કારણે તેને સ્થગિત કરવું પડશે.” 

    - Advertisement -

    હુસૈનના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં 50 લાખ જેટલું દાન એકત્રિત કરવામાં આવ્યું છે. તેમણે આગળ જણાવ્યું, “અમે અત્યારે બાંધકામમાં માત્ર મસ્જિદ જ બનાવીશું જેથી ખર્ચ ઘટી જાય. હોસ્પિટલ સહિત આખા પ્રોજેક્ટ માટે કરોડોનો ખર્ચ થશે. એટલે અમે હાલ હોસ્પિટલ પ્રોજેક્ટ મોકૂફ રાખ્યો છે. અમને આશા છે કે અમે ભવિષ્યમાં વધુ ભંડોળ એકઠું કરીને ત્યાં હોસ્પિટલ પણ બનાવીશું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે મસ્જિદનું બાંધકામ ક્યારે શરૂ થશે? તો જણાવ્યું હતું કે અમને આશા છે કે જલ્દીથી શરૂ થઇ જશે અને હાલ તેની ઉપર કામ ચાલી રહ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે નવેમ્બર, 2019માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ યુપીના સુન્ની વક્ફ બોર્ડને આદેશ અનુસાર અયોધ્યામાં મસ્જિદ બાંધવા માટે 5 એકર જમીન ફાળવવામાં આવી હતી. ત્યારબાદ જુલાઈ, 2020માં વક્ફ બોર્ડે IICF ટ્રસ્ટનું નિર્માણ કર્યું હતું, જેના માથે હાલ મસ્જિદના બાંધકામની જવાબદારી છે. 

    જોકે ચારેક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં મસ્જિદનું કામ શરૂ થઇ શક્યું નથી. બીજી તરફ રામ મંદિર તેજ ગતિએ બની રહ્યું છે. ડિસેમ્બર, 2023 સુધીમાં મંદિરનું ગર્ભગૃહ તૈયાર થઇ જશે અને જાન્યુઆરી, 2024માં રામલલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરવાની યોજના છે. જે માટે હાલ યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. 

    આ બાબતને લઈને મસ્જિદ ટ્રસ્ટના સેક્રેટરીએ ટિપ્પણી કરતાં કહ્યું કે, મસ્જિદ અને મંદિર પ્રોજેક્ટને સરખાવવા જોઈએ નહીં કારણ કે મંદિર માટેની તૈયારીઓ વર્ષોથી ચાલતી હતી જ્યારે મસ્જિદ માટે તો 2019થી કામ શરૂ થયું, એટલે પ્રોજેક્ટ માટે સમય વધુ લાગશે. તેમણે એમ પણ કહ્યું કે, તેને 10-20 વર્ષ પણ લાગી શકે અને તેમને પણ કોઈ ઉતાવળ નથી કે ન મુસ્લિમ સમુદાય કોઈ દબાણ કરી રહ્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં