Sunday, May 19, 2024
More
  હોમપેજદેશભજન ગાઈ રહ્યા હતા કારસેવક મહાવીર અગ્રવાલ, પોલીસે છાતીમાં ગોળી મારી, જીવિત...

  ભજન ગાઈ રહ્યા હતા કારસેવક મહાવીર અગ્રવાલ, પોલીસે છાતીમાં ગોળી મારી, જીવિત હોવા છતાં મૃતદેહોની સાથે ગાડીમાં ભર્યા: પરિવારે કહ્યું- લાલ થઈ ગઈ હતી સરયૂ

  અભિષેકે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, જ્યારે તેઓ માત્ર 9 વર્ષના હતા ત્યારે તેમના પિતા 2 નવેમ્બર, 1990ના રોજ રામકાજ કરતી વખતે વીરગતિ પામ્યા હતા. મહાવીર પ્રસાદ તેમની પાછળ એક વિધવા અને 2 બાળકોને છોડી ગયા હતા. પતિના મૃત્યુ બાદ તેમની પત્ની શારદા દેવી અગ્રવાલે પોતાના બે સગીર બાળકોને ઉછેર્યાં હતાં.

  - Advertisement -

  દુનિયાભરના હિંદુઓના આરાધ્ય ભગવાન રામની જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય પ્રગતિ પર છે. 22 જાન્યુઆરી, 2024ના રોજ આ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રામલલાની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. તેવામાં લોકો તે તમામ બલિદાનીઓને યાદ કરી રહ્યા છે, જેમણે 5 સદીઓ સુધી ચાલેલા આ સંઘર્ષમાં રામના નામ પર પોતાના પ્રાણ અર્પણ કરી દીધા હતા. તે તમામ જ્ઞાત-અજ્ઞાત બલિદાની કારસેવકોમાંના એક કારસેવક છે મહાવીર પ્રસાદ અગ્રવાલ. મહાવીર પ્રસાદનો પરિવાર હાલ અયોધ્યામાં રહે છે. ઑપઇન્ડિયાએ તેમના ઘરે પહોંચીને પરિવારજનો સાથે વાતો કરી અને તેમની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી.

  કારસેવક મહાવીર પ્રસાદ અગ્રવાલ અગરબત્તી બનાવવાનું કાર્ય કરતાં હતા. તેઓ આ અગરબત્તીને ગોંડા અને અયોધ્યામાં વેચતા હતા. મહાવીરનું જૂનું મકાન અયોધ્યા શહેર (પૂર્વ ફૈઝાબાદ)ના વજીરગંજ જપ્તી વિસ્તારમાં છે. આ ઘર મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં છે. હાલમાં તેમના પુત્રોએ દેવકાલી બાયપાસની નજીક એક નવું મકાન બનાવ્યું છે. જ્યારે ઑપઇન્ડિયાની ટીમ તેમના નવા ઘરે પહોંચી તો બલિદાની કારસેવકના નાના પુત્ર અભિષેક અગ્રવાલ ઘર પર જ મળી ગયા હતા.

  કપડાં સીવીને માતાએ પાળ્યો પરિવાર

  અભિષેકે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, જ્યારે તેઓ માત્ર 9 વર્ષના હતા ત્યારે તેમના પિતા 2 નવેમ્બર, 1990ના રોજ રામકાજ કરતી વખતે વીરગતિ પામ્યા હતા. મહાવીર પ્રસાદ તેમની પાછળ એક વિધવા અને 2 બાળકોને છોડી ગયા હતા. પતિના મૃત્યુ બાદ તેમની પત્ની શારદા દેવી અગ્રવાલે પોતાના બે સગીર બાળકોને ઉછેર્યાં હતાં. તેમના શિક્ષણથી લઈને તમામ અન્ય ખર્ચાઓને પહોંચી વળવા માટે તેમણે પોતાના ઘરમાં જ સિલાઈનું કામ શરૂ કરી દીધું હતું. જ્યારે તેમના પુત્રો મોટા થયા ત્યારે તેઓ નાનો-મોટો કામધંધો કરીને પોતાની માતાને મદદ કરવા લાગ્યા.

  - Advertisement -

  અભિષેક જણાવે છે કે, પતિના મૃત્યુ બાદ તેમના માતા શારદા દેવી માનસિક રીતે ભાંગી પડ્યાં હતાં. પરંતુ બાળકોના ચહેરા જોઈને તેમણે પોતાની જાત પર કાબૂ રાખ્યો હતો. તમામ મુશ્કેલીઓ હોવા છતાં, તેમણે તેમના બંને પુત્રોને ક્યારેય નિરાશ થવા દીધા નહીં. ભણતર પૂરું કર્યા પછી તેમણે પોતાના બંને પુત્રોના લગ્ન કરાવ્યા. આખરે વર્ષ 2012માં શારદા દેવીનું લાંબી બીમારી બાદ અવસાન થયું. હાલમાં અભિષેક અગ્રવાલ પ્રોપર્ટી ડીલિંગનું કામ કરે છે.

  હિંદુ સંગઠનો દ્વારા મહાવીર પ્રસાદ અગ્રવાલના પરિજનોનું સન્માન

  તેમના મોટા ભાઈ અખિલેશ અગ્રવાલ લખનૌમાં હોટલ બિઝનેસ સાથે જોડાયેલા છે. વચ્ચે-વચ્ચે વિભિન્ન અવસરો પર બલિદાની કારસેવક મહાવીર પ્રસાદ અગ્રવાલના પરિવારજનોને હિંદુ સંગઠનો દ્વારા સન્માનિત કરવામાં આવતા રહ્યા છે.

  રામના ભજન ગાવા બદલ મારવામાં આવી ગોળી

  અભિષેક અગ્રવાલ ભાવુક થઈને 2 નવેમ્બર, 1990ની ઘટનાને યાદ કરે છે. તેમણે જણાવ્યું કે, તે શુક્રવારનો દિવસ હતો. તત્કાલીન સીએમ મુલાયમના આદેશ પર આયોધ્યાને ચારે બાજુથી પોલીસે ઘેરી લીધું હતું. ત્યારે કારસેવક મહાવીર પ્રસાદ અગ્રવાલે તેમના સાથીઓ સાથે સરયૂ નદી તરીને પાર કરી હતી. તેઓ અયોધ્યાના કારસેવકપુરમ સુધી પહોંચવામાં સફળ થયા હતા. અભિષેકનું કહેવું છે કે, તેમના પિતાજી અને બાકી અન્ય કારસેવકો નિ:શસ્ત્ર હતા અને કારસેવકપુરમની નજીકની એક જગ્યાએ એકઠા થઈને ભગવાન રામના ભજનો ગાઈ રહ્યા હતા. આ દરમિયાન જ રામભક્તોને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યા અને ગોળીઓ વરસાવવાનું ચાલુ થયું.

  મૃતદેહને નદીમાં ફેંકવાની હતી તૈયારી

  અભિષેકે અમને વધુમાં જણાવ્યું કે, અચાનક થયેલા ગોળીબારમાં તેમના પિતાને છાતીમાં બે ગોળીઓ વાગી હતી. ગોળીઓ વાગવાથી તેઓ જમીન પર પડીને આક્રંદ કરવા લાગ્યા હતા. જ્યારે તેમને બચાવવા માટે અન્ય કારસેવકો આગળ આવ્યા ત્યારે જ લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. તેમ છતાં કેટલાક રામભક્તોએ મહાવીરને ભીડમાંથી કાઢીને એક ચબૂતરા પર રાખ્યા હતા. જણાવવામાં આવ્યું કે, ત્યાં સુધી તેમનો શ્વાસ ચાલી રહ્યો હતો. એટલામાં જ પોલીસનો એક ટ્રક ત્યાં આવ્યો. તે ગોળીબારમાં બલિદાન પામેલા કારસેવકોના મૃતદેહોને તેમાં ભરવા લાગ્યા.

  અભિષેકે જણાવ્યું કે, તેમને જીવિત કારસેવકો દ્વારા જાણવા મળ્યું હતું કે, તે સમયે ગોળીબારમાં ડઝનબંધ કારસેવકો વીરગતિ પામ્યા હતા. તેમના મૃતદેહોને એકઠા કરવાના ચક્કરમાં પોલીસવાળાઓએ ઘણા ઘાયલ કારસેવકોને પણ ટ્રકમાં ભરી દીધા હતા અને જીવતા જ સરયૂ નદીમાં ફેંકી દીધા હતા. અભિષેકના જણાવ્યા અનુસાર, તેમના પિતાને પણ ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં જ ઘણા મૃતદેહોની વચ્ચે ટ્રકમાં ભરી દેવામાં આવ્યા હતા. જે બાદ તડપી-તડપીને પોલીસના વાહનમાં જ મહાવીર અગ્રવાલનું મૃત્યુ થયું હતું. ઘટનાની માહિતી મળતાં જ મહાવીર અગ્રવાલના પત્ની શારદા દેવી તેમના કેટલાક સંબંધીઓ સાથે ત્યાં પહોંચ્યા હતા.

  ઘણી જગ્યાએ ભટક્યા પછી, એક પોલીસના વાહનમાં મહાવીર અગ્રવાલનો મૃતદેહ અન્ય ઘણા રામભક્તોના મૃતદેહની સાથે મળી આવ્યો હતો. જ્યારે શારદા દેવીએ તેમના પતિના મૃતદેહને લેવા માંગણી કરી ત્યારે સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જોકે, ઘણી આજીજી બાદ આખરે મહાવીર અગ્રવાલનો મૃતદેહ તેમના પત્નીને સોંપવામાં આવ્યો હતો. અભિષેક અગ્રવાલ દાવો કરે છે કે જો તેમનો પરિવાર થોડા સમય બાદ પહોંચ્યો હોત, તો તેમના પિતાના મૃતદેહને અન્ય ઘણા જીવિત અથવા વિરગત કારસેવકોની જેમ સરયૂ નદીમાં ફેંકી દેવામાં આવ્યો હોત.

  આ હાલતમાં મળ્યો હતો મહાવીર પ્રસાદ અગ્રવાલનો મૃતદેહ

  તે સમયની ઘટનાને યાદ કરતાં અભિષેકે દાવો કર્યો હતો કે, રામભક્તોના લોહીથી સરયૂનું પાણી લાલ થઈ ગયું હતું. આખરે, મહાવીરના અંતિમ સંસ્કાર તેમના પરિવારની હાજરીમાં અયોધ્યામાં સરયૂના કિનારે થયા હતા. અંતિમ સંસ્કાર વખતે પણ પોલીસ સ્ટેન્ડ બાય પર હતી.

  પિતાના બલિદાન પર ગર્વ

  રામ મંદિરના નિર્માણને પોતાના અને હિંદુઓ માટે સૌભાગ્ય ગણાવતા અભિષેક અગ્રવાલે કહ્યું કે તેમને ગર્વ છે કે તેમના પિતા મહાવીરના બલિદાનને આ પુનિત કાર્યમાં હંમેશા ગણવામાં આવશે. અભિષેકના જણાવ્યા અનુસાર, તેમના પિતાની વીરગતિ પહેલાં, તેમના તમામ પૂર્વજો અને વર્તમાન વંશજો ભગવાન રામના ભક્ત હતા, છે અને હંમેશા રહેશે. અભિષેક અગ્રવાલ વિશ્વભરના રામભક્તોની સેવા કરવા માટે અવારનવાર જન્મભૂમીની મુલાકાત લે છે. તેમના ઘરના પૂજાકક્ષમાં રામ દરબાર છે. અન્ય બલિદાનીઓના પરિવારોની જેમ તેઓ પણ ઈચ્છે છે કે તેમના બલિદાની પિતાનું સ્મારક અયોધ્યામાં બને.

  મહાવીર પ્રસાદ અગ્રવાલના પુત્ર અભિષેક

  મુસ્લિમોની ખુશી માટે કંઈ પણ કરી શકતા હતા મુલાયમ

  અભિષેક અગ્રવાલ તેમના પિતાના બલિદાન માટે સીધા મુલાયમ સિંઘ યાદવને જવાબદાર માને છે. તેમણે અમને કહ્યું કે ‘જો જરૂરી લાગત તો વધુ કારસેવકોને મારત’ આવા મુલાયમના નિવેદનથી બધાને આત્મિક પીડા થઈ હતી અને જૂના ઘા તાજા થયા હતા. અભિષેક એવું પણ માને છે કે મુલાયમ સિંઘ યાદવે મુસ્લિમોને ખુશ કરવા માટે કારસેવકોનો નરસંહાર કર્યો હતો કારણ કે તેઓ તેમને ખુશ કરવા કંઈ પણ કરી શકે તેમ હતા. અભિષેકે મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં કોઈપણ ઘોષિત રામ વિરોધીને ના બોલાવવાની અપીલ કરી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં