Wednesday, April 24, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટધાણીફૂટ ગોળીબાર વચ્ચે આતંકવાદીઓ પર તૂટી પડી 'કેન્ટ': સેનાના જવાનને બચાવવા શ્વાને...

  ધાણીફૂટ ગોળીબાર વચ્ચે આતંકવાદીઓ પર તૂટી પડી ‘કેન્ટ’: સેનાના જવાનને બચાવવા શ્વાને આપ્યું સર્વોચ્ચ બલિદાન, લોકોએ વીરગત લેબ્રાને કર્યા વંદન

  6 વર્ષની માદા લેબ્રાડોર દોડતી દોડતી આતંકવાદીઓની શોધખોળમાં સેનાની એક ટુકડીનું નેતૃત્વ કરી રહી હતી. બહાદુર ઇન્ડીયન કૈનાઇન દુશ્મનના ભારે ગોળીબાર વચ્ચે ફસાઈ ગઈ અને તેણે પોતાના હેન્ડલરની રક્ષા કરતા પોતાનો જીવ આપી દીધો.

  - Advertisement -

  તાજેતરમાં ભારતીય સેનાની 6 વર્ષની માદા શ્વાન કેન્ટ સેનાના જવાનને બચાવતા વીરગતિ પામી હતી. મંગળવાર (12 સપ્ટેમ્બર 2023)ના રોજ ’21 આર્મી ડૉગ યૂનિટ’ની માદા શ્વાન કેન્ટ જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક અંતરિયાળ ગામમાં સેનાના જવાનોની એક ટુકડીને આતંકવાદીઓને શોધવામાં મદદ કરી રહી હતી.

  PRO ડિફેન્સ જમ્મુના જણાવ્યા અનુસાર, “રાજૌરીમાં મુઠભેડ ઓપરેશન દરમિયાન આતંકવાદીની ગોળીઓથી પોતાના હેન્ડલરની રક્ષા કરતા ભારતીય સેનાની 6 વર્ષની માદા શ્વાન કેન્ટ વીરગતિ પામી હતી. ભારતીય સેના સર્વોચ્ચ બલિદાન આપનાર કેન્ટને શ્રદ્ધાંજલિ આપી રહી છે.” એક તરફ સેનાએ એક વિડીયો દ્વારા કેંટની વીરતાને યાદ કરી, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર વીર માદા શ્વાનને બિરદાવી રહ્યા છે.

  જમ્મુના ADGP મુકેશ સિંહ મુજબ, સોમવારે સાંજે (11 સપ્ટેમ્બર 2023) સુરક્ષા દળોને રાજૌરી જિલ્લા નજીકના તેરયાથ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓએ ગોળીબાર કર્યા બાદ ઘેરાબંધી કરી હતી. આ દરમિયાન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું અને સ્થળ પરથી આતંકવાદીઓના મોબાઈલ ચાર્જર સહિતનો સમાન જપ્ત કર્યો હતો.

  - Advertisement -

  તેમણે જણાવ્યું કે મંગળવારે નરેલા વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓને પકડવા ફરી એક વાર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં થયેલી મુઠભેડમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. તો બીજી તરફ એક જવાન પર વીરગતિ પામ્યા, સાથે જ પોલીસ એસપીઓ સહિત અન્ય 3 વ્યક્તિ ઘાયલ થયા હતા.

  સેનાની શ્વાન કેન્ટ વીરગતિ પામી તેના પર ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે, “સહુથી મોટી બાબત એ જ છે કે માણસ હોય કે પશુ- અમારા વચ્ચે જે એક પોતાનાપણું આવે છે અને અમારા વચ્ચે જે એક આપસી સમજૂતી છે, તે હંમેશા બની રહે છે. એટલા માટે જ અમારી કેન્ટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું અને તે ભરોસો રાખ્યો કે તે તેના હેન્ડલરને બચાવી શકશે. એટલા માટે જ તે સહુથી આગળ ગઈ અને તેણે આતંકવાદી પર હુમલો કરી દીધો.”

  જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદ પર તેમણે જણાવ્યું કે, “પાકિસ્તાન ભારતમાં અશાંતિ ઉભી કરવા માટે વિદેશી આતંકવાદીઓને મોકલવાના પ્રયત્નો કરી રહ્યું છે. આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં 2.25 કરોડ પર્યટકો આવે તેવી સંભાવના છે અને પાકિસ્તાન તેને રોકવાનો પ્રયત્ન કરી રહ્યું છે. અમે પાકિસ્તાનને સફળ નહીં થવા દઈએ.”

  સોશિયલ મીડિયા પર છવાઈ કેન્ટ

  સોશિયલ મીડિયા પર લોકો કેન્ટની વીરતાને બિરદાવીને વંદન કરી રહ્યા છે. આ વિશે એક X હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી કે, “21 આર્મી ડૉગ યુનિટના બહાદુર કૈનાઇન યોદ્ધા કેન્ટે આજે 12 સપ્ટેમ્બર 2023ના રોજ રાજૌરી, જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા ઓપી (ઓપરેશન) સુજલીગલમાં સેવા આપતા દરમિયાન પોતાનો જીવ ન્યોચ્છાવર કરી દીધો. તે 6 વર્ષની માદા લેબ્રાડોર દોડતી દોડતી આતંકવાદીઓની શોધખોળમાં સેનાની એક ટુકડીનું નેતૃત્વ કરી રહી હતી. બહાદુર ઇન્ડીયન કૈનાઇન દુશ્મનના ભારે ગોળીબાર વચ્ચે ફસાઈ ગઈ અને તેણે પોતાના હેન્ડલરની રક્ષા કરતા પોતાનો જીવ આપી દીધો. ચાર પગવાળી આ યોદ્ધાના રાષ્ટ્ર માટે આપેલા આ સર્વોચ્ચ બલિદાનને યાદ રાખીએ.”

  પૂર્વ સેના ઉડ્ડયન મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ પીઆર કુમારે (Lt Gen PR Kumar) પણ શ્વાન ‘કેન્ટ’ને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી છે. તેમણે પોતાના X દ્વારા સંવેદના વ્યક્ત કરતા લખ્યું હતું કે, “નીડર યોદ્ધા કેન્ટ, તમને મારા સલામ. હંમેશાની જેમ એક સૈનિક અને Canine (શ્વાન)ની જેમ તમે પોતાના કર્તવ્યની સીમાથી ઉપર ઉઠીને સર્વોચ્ચ બલિદાન આપ્યું. તમે હંમેશા ‘માણસના સહુથી સારા મિત્ર’ તરીકે યાદ રહેશો.”

  શ્વાન ‘એક્સેલ’એ પણ આપ્યું હતું સર્વોચ્ચ બલિદાન

  ઉલ્લેખનીય છે કે આ પહેલા 30 જુલાઈ 2022ના રોજ આતંકવાદીઓ સામેના એક ઓપરેશન દરમિયાન ભારતીય સેનાનો શ્વાન ‘એક્સેલ’ વીરગતિ પામ્યો હતો. એક્સેલ 29 રાષ્ટ્રીય રાયફલમાં ફરજ બજાવતો હતો. તે ઓપરેશન દરમિયાન પણ ગોળીબારી થઇ હતી અને એક્સેલ યુદ્ધના મેદાનમાં વીરગતિ પામ્યો હતો.

  એક્સેલ માત્ર 2 વર્ષનો હતો અને ઓપરેશન દરમિયાન તેના શરીરે દસથી વધુ ઘા લાગ્યા હતા અને ફ્રેક્ચર પણ થયું હતું. તે સમયે ચાલેલા સર્ચ ઓપરેશનમાં એક્સેલે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. એક્સેલ અંતિમ શ્વાસ સુધી સેનાની સેવા કરતો રહ્યો હતો. તેને આતંકવાદીઓની શોધ માટે જવાનોએ અંદર મોકલ્યો હતો. તેણે પોતાના જીવનનું બલિદાન આપીને સુરક્ષાબળોના જવાનોનો જીવ બચાવ્યો હતો. સેનામાં તેના યોગદાનને જોતાં સન્માનમાં ફોર્સ કમાન્ડર દ્વારા તેનો શ્રદ્ધાંજલિ સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો અને સૈન્ય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં