નેશનલ ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (NITI) આયોગનો એક રિપોર્ટ તાજેતરમાં સામે આવ્યો, જેમાં જણાવવામાં આવ્યું કે, છેલ્લાં 9 વર્ષમાં દેશના લગભગ 25 કરોડ (ચોક્કસ આંકડો 24.82 કરોડ) લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. નરેન્દ્ર મોદીની સરકારની આ એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે.
PM મોદીએ X પર એક પોસ્ટ કરીને આ બાબતની જાણકારી આપી અને કહ્યું કે, “આ ઉત્સાહવર્ધન કરનારી બાબત છે અને જે સમાવેશી વિકાસ પર ભાર આપીને અર્થવ્યવસ્થામાં પરિવર્તનકારી ફેરફારો કરવા માટેની અમારી પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત કરે છે. સર્વાંગી વિકાસ અને પ્રત્યેક ભારતવાસી માટે એક ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે અમે આ જ રીતે કામ કરવાનું ચાલુ રાખીશું.”
Very encouraging, reflecting our commitment towards furthering inclusive growth and focussing on transformative changes to our economy. We will continue to work towards all-round development and to ensure a prosperous future for every Indian. https://t.co/J20mVQbqSA
— Narendra Modi (@narendramodi) January 15, 2024
NITI આયોગના ડિસ્કશન પેપર ‘2005-06થી ભારતમાં બહુઆયામી ગરીબી’માં જણાવવામાં આવ્યું કે, 2013માં જે બહુઆયામી ગરીબીની ટકાવારી 29.17 ટકા હતી તે 2022-23માં ઘાટીને 11.28 ટકા જેટલી થઈ ગઈ છે. આંકડાની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન કુલ 24.82 કરોડ લોકો આ કેટેગરીમાંથી બહાર આવ્યા.
ગરીબીમાં ઘટાડો કરવામાં દેશનું સૌથી મોટું રાજ્ય (વસ્તીની દ્રષ્ટિએ) સૌથી પહેલા ક્રમે છે. UPમાં 9 વર્ષમાં કુલ 5.94 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. જ્યારે ત્યારબાદ ક્રમ બિહારનો (3.77 કરોડ લોકો) આવે છે. પછીથી મધ્ય પ્રદેશ 2.30 કરોડ લોકો સાથે અને રાજસ્થાન 1.87 કરોડ લોકો સાથે ચોથા ક્રમે છે.
ડિસ્કશન પેપરમાં આ ઉપલબ્ધિનો શ્રેય કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની યોજનાઓને આપવામાં આવ્યો છે. આગળ જણાવવામાં આવ્યું કે, આ ગતિથી વર્ષ 2030 સુધીમાં બહુઆયામી ગરીબી અડધી કરી નાખવાનો SDG (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ) ટાર્ગેટ પ્રાપ્ત કરી લેશે. પેપર કહે છે કે, વંચિતો અને શોષિતોનાં જીવન બદલવા માટે સરકારના નિરંતર પ્રયાસો અને દ્રઢ સમર્પણને કારણે આ ઉપલબ્ધિઓ હાંસલ થઈ શકી છે.
પેપરમાં કહેવામાં આવ્યું કે, તમામ આયામોમાં ગરીબી દૂર કરવાના લક્ષ્ય સાથે ભારત સરકારે દેશનાં લોકોનાં જીવન બદલવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. પોષણ અભિયાન અને એનિમિયા મુક્ત ભારત જેવી પહેલને કારણે સ્વાસ્થ્ય સુવિધાઓ મેળવવી પ્રમાણમાં વધુ સરળ થઈ છે અને તેના કારણે હવે વંચિતો પણ આ સુવિધાઓ મેળવતા થયા છે.
આયોગના રિપોર્ટમાં મોદી સરકાર દ્વારા દેશના 80 કરોડ નાગરિકોને નિઃશુલ્ક અન્ન આપવાની યોજનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો અને જણાવવામાં આવ્યું કે, આ અભિયાન હેઠળ કુલ 81.35 કરોડ લોકોને આવરી લેવામાં આવ્યા છે અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અનાજ પુરૂ પાડવામાં આવે છે. આ યોજના પાંચ વર્ષ માટે લંબાવવાના મોદી સરકારના નિર્ણયનો ઉલ્લેખ કરીને રિપોર્ટ જણાવે છે કે, આ સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.