Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાતએક સમિટ અને લાખો કરોડનું રોકાણ, હજારો નવી નોકરી…દેશ-વિદેશની કંપનીઓએ ગુજરાત માટે...

    એક સમિટ અને લાખો કરોડનું રોકાણ, હજારો નવી નોકરી…દેશ-વિદેશની કંપનીઓએ ગુજરાત માટે ખોલી દીધી તિજોરી: જાણો રાજ્યને કઈ રીતે ફળશે ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’

    સ્વદેશી અને વિદેશી કંપનીઓએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં આગામી સમયમાં ગુજરાતમાં કરોડોનું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતોના અમલીકરણ બાદ ગુજરાતમાં લાખો નવા રોજગારનું સર્જન થશે અને તેના થકી ગુજરાતના યુવાનો માટે નવી નોકરીઓની તકો ઉભી થશે.

    - Advertisement -

    બુધવારથી (10 જાન્યુઆરી, 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નો શુભારંભ કરવામાં આવ્યો. વિશ્વભરના રાજનેતાઓ અને ઉદ્યોગપતિઓ આ સમિટમાં ભાગ લેવા આવ્યા છે. બીજી તરફ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશ-વિદેશની અનેક અગ્રણી કંપનીઓએ ગુજરાતમાં કરોડોનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. ટાટા, મારૂતિ સુઝુકી, અદાણી, અંબાણી, સિમટેક, નિપ્પોન સહિતની અનેક કંપનીઓ ગુજરાતમાં જંગી રોકાણ કરી રહી છે અને આ રોકાણોના કારણે રાજ્ય વિકાસની હરણફાળ ભરશે અને રોજગારીની તકો પણ એટલી જ સર્જાશે.

    એક નજર કરીએ તમામ મોટી જાહેરાતો ઉપર.

    ધોલેરામાં ટાટા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે

    વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં ટાટા ગૃપ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી. સમિટમાં ભાગ લેવા આવેલા ટાટા ગૃપના ચેરમેન એન. ચંદ્રશેખરે ધોલેરા ખાતે વિશાળ સેમિકન્ડક્ટર ફેબના નિર્માણ કરવાની જાહેરાત કરી છે. તેમના જણાવ્યા અનુસાર આગામી કેટલાક મહિનાઓમાં જ આ પ્લાન્ટનું કામ શરૂ કરી દેવામાં આવશે. આ પ્લાન્ટ ઉભો કરવા માટેની પ્રક્રિયાની ચર્ચા તેના અંતિમ તબક્કામાં છે. આટલું જ નહીં, ચંદ્રશેખરના જણાવ્યા અનુસાર ટાટા વડોદરા અને પછીથી ધોલેરા ખાતે C295 ફાઈટર જેટનું નિર્માણ શરૂ કરવાની યોજના પણ પાઇપલાઇનમાં છે. આ ઉપરાંત ટાટા 20-GW બેટરી સ્ટોરેજ પ્લાન્ટ પણ નાખશે તેવી ઘોષણા કરવામાં આવી. આ મામલે તેમણે કહ્યું કે, “આગામી બે મહિનામાં 20-GW બેટરી સ્ટોરેજ ફેક્ટરી ગુજરાતમાં કાર્યરત થશે. સાણંદ અમારા તમામ ઇલેક્ટ્રિક વાહનો માટે ટેકનોલોજીનું ઘર બની રહ્યું છે. અમે હવે વધુ ક્ષમતા સાથે કામ કરીશું.”

    - Advertisement -

    ₹38200 કરોડનું રોકાણ કરશે મારૂતિ સુઝુકી, સ્થાપશે નવો પ્લાન્ટ

    ટોચની કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ ગુજરાતમાં ₹38,200 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. મારૂતિ આ રોકાણ વર્તમાન પ્લાન્ટમાં પ્રોડક્શન વધારીને તેમજ નવો પ્લાન્ટ સ્થાપીને કરશે. આ નવી જાહેરાત મુજબ મારૂતિ સુઝુકી પોતાની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વધારીને 20 લાખ વાહનો સુધી પહોંચાડશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધતાં મારૂતિ સુઝુકી મોટર્સના પ્રમુખ તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે, “કંપની આ વર્ષના અંત સુધીમાં પ્રથમ બેટરી સંચાલિત ઈલેક્ટ્રિક વ્હીકલ લૉન્ચ કરશે. આ વ્હીકલને ગુજરાતમાંથી જ લૉન્ચ કરવામાં આવશે. કંપની ગુજરાતમાં નવી પ્રોડક્શન લાઇન માટે ₹3200 કરોડનું રોકાણ કરશે, જ્યારે બીજા પ્લાન્ટ માટે ₹35000 કરોડનું રોકાણ કરશે.” આ જાહેરાતનો સરવાળો કરીએ તો મારૂતિ સુઝુકી એકંદરે ગુજરાતમાં કુલ ₹38,200 કરોડનું રોકાણ કરવાની પરિયોજનાઓ ધરાવે છે.

    ગૌતમ અદાણીની ₹2 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત

    ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં અગત્યની જાહેરાત કરી હતી. તેમણે રાજ્યમાં ₹2 લાખ કરોડનું રોકાણ કરવાની ઘોષણા કરી છે. સમિટમાં સંબોધન આપતા તેમણે કહ્યું હતું કે અદાણી ગૃપ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં મહત્વપૂર્ણ રોકાણ કરવા જઈ રહ્યું છે. આ રોકાણથી રાજ્યમાં 100,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર ઉભો થશે. આ રોકાણ દરમિયાન ગ્રીન એનર્જી પ્રોજેક્ટ પર વધુ ધ્યાન આપવામાં આવશે. અહીં તે નોંધવું પણ જરૂરી છે કે અદાણી ગૃપ વિશ્વનો સહુથી મોટો ગ્રીન એનર્જી પાર્ક વિકસાવી રહ્યું છે, જે અંતર્ગત 30 ગીગાવોટનો વીજ ઉત્પાદન પ્લાન્ટ ઉભો કરવામાં આવશે.

    સુરતના હજીરામાં રિલાયન્સ કાર્બન ફાઈબર ફેસિલિટી સ્થાપશે

    રિલાયન્સ તરફથી મુકેશ અંબાણી પણ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવા પહોંચ્યા હતા, તેમણે જાહેરાત કરી હતી કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતના હજીરા ખાતે ભારતની પ્રથમ વિશ્વ કક્ષાની કાર્બન ફાઈબર ફેસેલિટી સ્થાપવાની યોજના ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, “આ ફેસેલિટી રિલાયન્સની ગ્રીન ગ્રોથ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી દ્વારા તેની અડધી ઉર્જા જરૂરિયાતો પૂરી કરવાના ગુજરાતના લક્ષ્યમાં અમૂલ્ય યોગદાન આપશે.”

    હજીરામાં આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલનો સ્ટીલ પ્લાન્ટ

    સુરતના હજીરામાં જ ભારતીય મૂળના ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાની ઘોષણા કરી છે. લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે, “આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા ગુજરાતના હજીરામાં વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઈન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ કરી રહી છે. 2.4 કરોડ ટન ક્રૂડ સ્ટીલની ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ 2029 સુધીમાં કાર્યરત થવાની ધારણા છે.”

    ગિફ્ટ સિટીમાં ₹100 કરોડનું રોકાણ કરશે Paytm

    બીજી તરફ Paytmએ પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. Paytmની પેરન્ટ કંપની One97 Communications Limited દ્વારા ગ્લોબલ ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમ બનાવવા માટે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ₹100 કરોડના રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ પાછળ Paytmનો ઉદ્દેશ્ય ગિફ્ટ સિટીને ક્રોસ બોર્ડર એક્ટિવિટી માટે ઇનોવેશન હબ તરીકે ઉભું કરવાનો અને ક્રોસ બોર્ડર રેમિટન્સમાં ઘર્ષણ ઘટાડવાનો હોવાનું પ્રતિનિધિઓએ જણાવ્યું હતું.

    Yotta બનાવશે ગિફ્ટ સિટીમાં AI ડેટા સેન્ટર

    વિશ્વ કક્ષાના કોમ્પ્યુટિંગ મેજર NVIDIAએ પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં મહત્વપૂર્ણ ઘોષણા કરી હતી. NVIDIAના વાઈસ પ્રેસીડેન્ટ શંકર ત્રિવેદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “અમારી પાર્ટનર કંપની Yotta ગિફ્ટ સિટીમાં AI ડેટા સેન્ટર ઉભું કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં જ આ સુવિધા ઉપલબ્ધ થશે અને માર્ચ મહિનાના અંત પહેલા તે લાઇવ થઈ જશે. “

    સિમટેક – માઈક્રોન ગુજરાતમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં રોકાણ કરશે

    દક્ષિણ કોરિયાની સેમિકન્ડક્ટર પાર્ટસ બનાવતી કંપની સિમટેક હવે માઈક્રોન સાથે સહભાગી થઈને ગુજરાતમાં મોટું રોકાણ કરવા જઈ રહી છે. કંપનીનો ઉદ્દેશ્ય રાજ્યમાં ઉચ્ચ-કુશળ પ્રતિભાઓ માટે નોકરીની તકો ઊભી કરવાનો છે, જે ભારતની વધતી જતી સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

    વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભારત-UAE વચ્ચે MOU

    વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં ભારત અને UAE વચ્ચેની મૈત્રીપૂર્ણ દ્રશ્યો ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યાં. આ સમિટમાં બંને દેશો વચ્ચે અનેક MOU પણ થયા, જેમાં રિન્યુએબલ એનર્જી, નવીન હેલ્થકેર પ્રોજેક્ટ્સ અને ફૂડ પાર્ક ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. આ એમઓયુનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકારને મજબૂત કરવાનો છે.

    ડીપી વર્લ્ડ ગુજરાતમાં કન્ટેનર ટર્મિનલ ઉભું કરશે

    વૈશ્વિક લોજિસ્ટિક્સ ફર્મ ડીપી વર્લ્ડે ગુજરાતમાં કન્ટેનર ટર્મિનલ બનાવવાની યોજના જાહેર કરી. કંપનીએ ભારતીય માલસામાનની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝને સતત સમર્થન આપવા પર ભાર મૂક્યો હતો. અમીરાતની લોજિસ્ટિક્સ કંપની ડીપી વર્લ્ડના ગ્રુપ ચેરમેન અને સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમે જણાવ્યું હતું કે તેઓ આગામી ત્રણ વર્ષમાં ગુજરાતમાં $3 બિલિયનનું વધારાનું રોકાણ કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે તેમની કંપની કંડલા પોર્ટ પર 2 મિલિયન કન્ટેનરની ક્ષમતાવાળું કન્ટેનર ટર્મિનલ બનાવશે.

    મેરિલ ગૃપ ₹910 કરોડનું રોકાણ કરશે

    મેડિકલ ડિવાઇસ ફર્મ મેરિલ ગૃપે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં નવા પ્લાન્ટ સ્થાપવા અને વિસ્તરણ માટે મોટું રોકાણ કરવાની ઘોષણા કરી છે. મેરિલ ગ્રૂપે કુલ ₹910 કરોડનું રોકાણ કરવાન ઘોષણ કરી છે. જેમાં મેરિલ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ ₹210 કરોડના રોકાણ સાથે વાપીમાં પ્લાન્ટ સ્થાપશે. તો માઇક્રો લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ વાપીમાં સ્થાપવા ₹480 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશે.

    આ રીતે સ્વદેશી અને વિદેશી કંપનીઓએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં આગામી સમયમાં ગુજરાતમાં કરોડોનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતોના અમલીકરણ બાદ ગુજરાતમાં લાખો નવા રોજગારનું સર્જન થશે અને તેના થકી ગુજરાતના યુવાનો માટે નવી નોકરીઓતી તકો ઉભી થશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 અતર્ગત ગુજરાતમાં કરોડોનું રોકાણ કરવાની જાહેરાત તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને દર્શાવે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં