Thursday, April 25, 2024
More
  હોમપેજગુજરાત‘હિંદુ સમાજ આંતરિક સમસ્યાઓના સમાધાન માટે સક્ષમ’: સાળંગપુર વિવાદને લઈને VHPનું નિવેદન,...

  ‘હિંદુ સમાજ આંતરિક સમસ્યાઓના સમાધાન માટે સક્ષમ’: સાળંગપુર વિવાદને લઈને VHPનું નિવેદન, આંદોલન કરવાની વાત નકારી

  સાળંગપુર વિવાદને લઈને VHPએ આંદોલનની વાત નકારી કાઢતા પ્રતમાં તેમ પણ જણાવ્યું છે કે, સમાજમાં ક્યારેક વૈચારિક તાત્વિક મતભેદો સામે આવતા રહે છે, પરંતુ આ તમામ મતભેદોને પરસ્પર સંવાદથી ઉકેલવાની પરંપરા ચાલી આવી છે.

  - Advertisement -

  થોડા દિવસો પહેલાં શરૂ થયેલા સાળંગપુર મંદિરના વિવાદે વધુ જોર પકડ્યું છે. ઉગ્ર આક્ષેપ, પ્રતિઆક્ષેપ તેમજ સામસામાં નિવેદનોના કારણે વિવાદ વેગ પકડતો જાય છે. આ બધા વચ્ચે વિશ્વ હિંદુ પરિષદ આ મામલે ઉગ્ર આંદોલન કરશે તેવી વાતો સોશિયલ મીડિયા તેમજ મીડિયામાં ફરતી થઇ હતી. જેને લઈને VHPએ એક અખબારી યાદી જાહેર કરીને આંદોલનની વાત નકારી કાઢી છે. સાથે જ પરિષદે હિંદુ સમાજ આંતરિક સમસ્યાઓના સમાધાન માટે સક્ષમ હોવાનું પણ જણાવ્યું છે.

  VHPએ જાહેર કરેલી અખબારી યાદીમાં જણાવ્યું છે કે, “વર્તમાન સમયમાં સાળંગપુર ધામ ખાતે હનુમાન દાદાની પ્રતિમા નીચે લગાવવામાં આવેલા ચિત્રો સંદર્ભે હિંદુ પરિષદના નામથી આંદોલન કરવામાં આવશે તેવા સમાચારો પ્રસિદ્ધ થયા છે. આ પ્રકારની કોઈ પણ વાત વિશ્વ હિંદુ પરિષદે કરી નથી” આ સાથે જ યાદીમાં VHPએ જણાવ્યું હતું કે પરિષદ સંતોના માર્ગદર્શન હેઠળ ચાલતી સંસ્થા છે. તેમજ હિંદુ સમાજ અનેક મત તેમજ પંથોમાં વિશ્વાસ ધરાવતો સમાજ છે. પરિષદ સંતોના માર્ગદર્શનથી સમગ્ર હિંદુ સમાજને સંગઠિત કરવામાં પ્રયાસરત છે.

  સાળંગપુર વિવાદને લઈને VHPએ આંદોલનની વાત નકારી કાઢતા પત્રમાં તેમ પણ જણાવ્યું છે કે, સમાજમાં ક્યારેક વૈચારિક તાત્વિક મતભેદો સામે આવતા રહે છે, પરંતુ આ તમામ મતભેદોને પરસ્પર સંવાદથી ઉકેલવાની પરંપરા ચાલી આવી છે. સાથે જ સંતો વિવેકપૂર્ણ રીતે શાસ્ત્રાર્થ કરી સમસ્યાઓનો ઉકેલ લાવી દેતા હોવાનું પણ વિશ્વ હિંદુ પરિષદે જણાવ્યું હતું.

  - Advertisement -

  પોતાના આ જાહેર પત્રમ વિશ્વ હિંદુ પરિષદે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “હિંદુ સમાજ પોતાની આંતરિક સમસ્યાઓના સમાધાન માટે સક્ષમ છે.” સાથે જ આ પત્ર દ્વારા પરિષદે તે પણ કહ્યું છે કે વર્તમાન સમયમાં ચાલી રહેલી સમસ્યાનો પણ સંતો સાથે બેસીને યોગ્ય માર્ગ કાઢીને હલ કરવામાં આવશે. સંગઠને સમાજને પણ અપીલ કરી હતી કે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા સમાજમાં ખાઈનું નિર્માણ થાય તેવા પ્રકારનાં નિવેદનો ન આપવામાં આવે. સંતો અને સમાજના અગ્રણીઓ આ સમસ્યાના નિરાકરણ માટે કાર્યરત છે તેમજ વિવાદાસ્પદ નિવેદનો ન આપી સમાજની એકતા જાળવી રાખવા માટે પ્રયાસ કરવાનું પણ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા કહેવામાં આવ્યું છે.

  ઉલ્લેખનીય છે કે સાળંગપુર હનુમાનજીને લઈને વિવાદ લગભગ એક સપ્તાહ પહેલાં શરૂ થયો હતો. સોશિયલ મીડિયા પર સાળંગપુર સ્થિત હનુમાનજીની પ્રતિમા ‘કિંગ ઑફ સાળંગપુર’ની નીચે લગાવવામાં આવેલાં અમુક ભીંતચિત્રોના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા હતા. આ ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીના કિશોરાવસ્થાના સ્વરૂપ નીલકંઠવર્ણીને પ્રણામ બતાવવામાં આવ્યા છે. સનાતન સંસ્કૃતિમાં આરાધ્ય દેવનું સ્થાન ધરાવતા હનુમાનજીના અપમાનથી આખા ગુજરાતમાં રોષ ફાટી નીકળ્યો હતો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં