Sunday, May 19, 2024
More
  હોમપેજગુજરાતવડોદરામાં જે બોટ પલટી તેમાં ક્ષમતાથી વધુ બાળકો બેસાડાયાં હોવાના અહેવાલ, લાઈફ...

  વડોદરામાં જે બોટ પલટી તેમાં ક્ષમતાથી વધુ બાળકો બેસાડાયાં હોવાના અહેવાલ, લાઈફ જેકેટ પણ ન પહેરાવ્યાં હોવાનું સામે આવ્યું; જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવામાં આવી તપાસ

  રિપોર્ટ્સ અનુસાર, બોટની ક્ષમતા માત્ર 16 વ્યક્તિઓની હતી અને તેમાં બમણા લોકો બેસાડવામાં આવ્યા હતા. સંભવતઃ તેના કારણે બોટ પલટી ગઈ હતી. જોકે, સંપૂર્ણ વિગતો તો તપાસ બાદ જ બહાર આવી શકશે. 

  - Advertisement -

  વડોદરામાં બનેલી એક ભયાનક દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ સહિત કુલ 14 લોકોનાં મોત થયાં છે, જેમાંથી 2 શિક્ષિકાઓ છે. આ વિદ્યાર્થીઓ બરોડાની જ એક સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં અને પિકનિક મનાવવા માટે આવ્યાં હતાં. તેઓ બોટિંગ કરી રહ્યાં હતાં તે દરમિયાન બોટ પલટી જતાં આ ઘટના બની હોવાની પ્રાથમિક જાણકારી છે. બીજી તરફ, આ મામલે સુરક્ષાનો પણ પૂરતો ખ્યાલ રાખવામાં ન આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

  રિપોર્ટ્સ અને અધિકારીઓ-સત્તાધારીઓના નિવેદનોનું માનીએ તો બોટમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવ્યાં હતાં. પ્રાથમિક માહિતી એવી છે કે બોટમાં કુલ 27 બાળકો અને 4 શિક્ષકો સવાર હતાં.

  ઘટનાને લઈને વડોદરા મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, “આ ઘટના લગભગ સાંજે 4:40 વાગ્યે બની હતી. પાણીગેટની ન્યૂ સનરાઈઝ સ્કૂલનાં બાળકો અહીં પિકનિક માટે આવ્યાં હતાં. કદાચ બોટમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવ્યાં હતાં. બોટનું બેલેન્સ બગડ્યું અને પલટી ગઈ અને તેમાં કહેવાય રહ્યું છે કે જે સેફ્ટી મેઝર્સ હોવાં જોઈએ એ ન હતાં કે બાજુમાં બચાવવા માટે કોઇ ન હતું કે બાળકોએ લાઈફ જેકેટ પહેર્યાં ન હતાં.”

  - Advertisement -

  સ્થાનિક ભાજપ MLA કેયૂર રોકડિયાએ પણ બોટમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવ્યાં હોવાની તેમની પાસે જાણકારી હોવાનું જણાવ્યું હતું. 

  રિપોર્ટ્સ અનુસાર, બોટની ક્ષમતા માત્ર 16 વ્યક્તિઓની હતી અને તેમાં બમણા લોકો બેસાડવામાં આવ્યા હતા. સંભવતઃ તેના કારણે બોટ પલટી ગઈ હતી. જોકે, સંપૂર્ણ વિગતો તો તપાસ બાદ જ બહાર આવી શકશે. 

  મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે, આ પ્રોજેક્ટ કોટિયા પ્રોજેક્ટ્સને 30 વર્ષ માટે 100% PPP મોડેલ પર ચલાવવા આપ્યો છે. તેમણે બોટિંગવાળા સાથે સબ-કોન્ટ્રાક્ટ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, ઘટનાની સંપૂર્ણ તપાસ કરાવવામાં આવશે અને જે કોઇ પણ બેદરકારી દાખવવામાં આવી છે તેની સજા કરવામાં આવશે. આ પ્રકારની ઘટનાઓ અને આ પ્રકારની બેદરકારી ક્યારેય સહન ન કરી શકાય. 

  વડોદરાના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટના જણાવ્યા અનુસાર, હાલ કોઇ પણ વ્યક્તિ લાપતા નથી પરંતુ તેઓ ઑપરેશન હજુ પણ ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું, “હાલ કોઇ લાપતા નથી પરંતુ શાળા સાથે આ વાતની પુષ્ટિ કરી રહ્યા છીએ. જો કોઇ હજુ લાપતા હોવાનું જાણવા મળે તો અમારું રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન તો ચાલી જ રહ્યું છે. પરંતુ જે આંકડાઓ ટેલી થઈ રહ્યા છે, તેને જોતાં કોઇ લાપતા હોવાનું લાગી રહ્યું નથી, પરંતુ તેમ છતાં હાલ સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે.”

  વધુ જાણકારી અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થળ પર પહોંચી ગયા છે અને જાણકારી મેળવી રહ્યા છે.તેમની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ છે. ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રીએ પોતાના તમામ કાર્યક્રમો સ્થગિત કરી દીધા હતા અને સીધા બરોડા આવવા માટે રવાના થયા હતા. આ પ્રકાશિત થઈ રહ્યું છે  ત્યાં સુધીમાં પ્રાપ્ત જાણકારી અનુસાર, તેઓ સ્થળ પર પહોંચીને જાણકારી મેળવી રહ્યા છે.

  જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવામાં આવી તપાસ, 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનો રહેશે 

  વડોદરામાં બનેલી આ દુર્ઘટનાની તપાસ રાજ્ય સરકારે જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપી છે. ગૃહ વિભાગે એક નોટિફિકેશન જારી કરીને આ મામલે જાણકારી આપી છે. જે અનુસાર, જિલ્લા મેજિસ્ટ્રેટ આ બનાવ કયા કારણોસર બન્યો; તેમાં સ્થાનિક તંત્ર, કોન્ટ્રાક્ટર કે અન્ય કોઈની નિષ્કાળજી કે બેદરકારી છે કે કેમ અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ બનતી અટકે તે માટે કયાં પગલાં લેવાં જોઈએ તે મુદ્દે તપાસ કરીને રિપોર્ટ સોંપવા માટે જણાવવામાં આવ્યું છે. 

  સરકારના આદેશ અનુસાર, જિલ્લા મેજિસ્ટ્રેટ આ મામલે તપાસ કરીને અહેવાલ 10 દિવસમાં સરકારને સુપરત કરવાનો રહેશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં