રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. તેવામાં ફરી એક એવી જ દુર્ઘટના સામે આવી છે. જેમાં સુરેન્દ્રનગરમાં એક બસ પલટી જતાં અનેક લોકો ઘાયલ થયા છે. દિયોદર-જુનાગઢ રૂટની આ બસ જુનાગઢ જઈ રહી હતી. જેમાં પોલીસ ટ્રેનિંગ માટે જઈ રહેલા યુવાનો સહિત 50થી 55 જેટલા મુસાફરો હાજર હતા. બસ પલટી જવાથી 40થી વધુ લોકો ઘાયલ થયા છે અને 2 લોકો ગંભીર રીતે ઘવાયા છે. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અહેવાલોના જણાવ્યા અનુસાર, 16 ઓકટોબર (સોમવાર)ના રોજ મોડી રાત્રે લગભગ 12 થી 12.30ની વચ્ચે સુરેન્દ્રનગરમાં આવેલા લખતર તાલુકાના વણા ગામ નજીક એસટી બસ પલટી ગઈ હતી. આ બસ જુનાગઢ તરફ જઈ રહી હતી. વણા ગામ પાસે પહોંચતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ પલટી મારી ગઈ હતી અને ખાડામાં પડી ગઈ હતી. સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે બસ ઓવરલોડ પણ હતી. આ અકસ્માતને લઈને સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. આ અંગેની માહિતી મળતા જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
#WATCH | Surendranagar, Gujarat: More than 40 passengers were injured when a state transport bus travelling to Junagadh overturned near Wana village of Lakhtar taluka last night. pic.twitter.com/YmdyvjB61A
— ANI (@ANI) October 16, 2023
બસ પલટી જવાથી 40થી વધુ લોકો ઘવાયા
પોલીસે સ્થાનિક લોકોની મદદથી બસમાં સવાર લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જે બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે મેડિકલ કોલેજ હોસ્પિટલ લઈ જવાયા હતા. હાલ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા જણાવાયું છે કે 40થી વધુ લોકોને ઈજા પહોંચી છે અને તમામની યોગ્ય સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગરના કલેકટર તથા વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા સહિતના લોકો મેડિકલ કોલેજ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તો માટે સારવારની વ્યવસ્થા કરી હતી. અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી તેમને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દિયોદર-જુનાગઢ રૂટની આ બસ જુનાગઢ તરફ જઈ રહી હતી. જેમાં સૌથી વધુ પોલીસ ટ્રેનિંગમાં માટે જઈ રહેલા યુવકો અને યુવતીઓ હતા. આ બસ સુરેન્દ્રનગરના વણા ગામે અકસ્માતનો ભોગ બની હતી. મહત્વનું છે કે હમણાં સુધી આ અકસ્માતને લઈને કોઈપણ જાનહાનિ નોંધાઈ નથી.