સુરતની કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન એવી ઘટના બની, જે છાપાના પાને ચડી ગઈ છે. એક કેસમાં ડોક્યુમેન્ટ રજૂ કરવા મામલે જજે કડક શબ્દમાં કહેતાં પોલીસ અધિકારીએ કહી દીધું હતું કે, હું પણ ગેઝેટેડ ઑફિસર છું અને મારી સાથે ઊંચા અવાજે વાત ન કરી શકો. જે મામલે કોર્ટે પોલીસ અધિકારી અને તેમના ઉપરી અધિકારીને શનિવારે (6 એપ્રિલ) હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું હતું.
વાસ્તવમાં સુરતના વરાછા વિસ્તારની કોઇ ઘટના મામલે કેસ નોંધાયો હતો, જે મામલે પછીથી ગુજરાત હાઇકોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી હતી. જેની ઉપર સુનાવણી કરીને હાઈકોર્ટે સુરતની કોર્ટને નિયત સમયમર્યાદાના ટ્રાયલ પૂર્ણ કરવા માટે આદેશ કર્યો હતો. ત્યારબાદ સુરતની ટ્રાયલ કોર્ટે વરાછા પોલીસ મથકના PI અલ્પેશ ગાબાણીને નોટિસ પાઠવીને કેસનાં પેપર રજૂ કરવા માટે જણાવ્યું હતું, પરંતુ આ દસ્તાવેજો રજૂ કરવામાં વિલંબ થતો હતો.
નોટિસ છતાં ડોક્યુમેન્ટ્સ રજૂ કરવામાં ન આવતાં કોર્ટે વરાછા PIને હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું હતું. જેની ઉપર તેઓ શુક્રવારે (5 એપ્રિલ) હાજર થયા હતા. દરમ્યાન જ્યારે જજે કેસ પેપર્સ મોડાં રજૂ કરવા અને વારંવારનાં સમન્સ અવગણવા માટે ખુલાસો માગ્યો ત્યારે જજ અને અધિકારી વચ્ચે ઊંચા અવાજે વાતચીત શરૂ થઈ ગઈ હતી, જેથી કોર્ટરૂમમાં પણ ઘડીક સોપો પડી ગયો.
કોર્ટના આકરા સવાલ પર અધિકારીએ જજને કહ્યું હતું કે, “હું પણ ગેઝેટેડ ઑફિસર છું, મારી સાથે ઊંચા અવાજે વાત ન કરી શકો.” ત્યારબાદ જજે પીઆઈને આદેશ કરીને તેમના ઉપરી અધિકારી ACPને બોલાવવા માટે કહ્યું હતું, પરંતુ ACP અન્ય કામમાં વ્યસ્ત હોઈ શનિવારે તેમને કોર્ટમાં હાજર રહેવા માટે જણાવાયુ હતું. સાથે કોર્ટે PIને કહ્યું હતું કે, તેમની કામગીરીની કોર્ટે નોંધ લીધી છે.
PIએ શું કહ્યું?
આ સમગ્ર મામલે PI ગાબાણીએ અખબાર દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, તેઓ જ્યારે કોર્ટમાં ખુલાસો લખાવી રહ્યા હતા ત્યારની ઘટના છે. તેમણે જણાવ્યું કે, કોર્ટે તેમને પૂછ્યું હતું કે, “તમે તમારી જાતને શું સમજો છો?” ત્યારબાદ પોતે કહ્યું હતું કે પોતે ગેઝેટેડ ઑફિસર છે. તેમણે કહ્યું કે, “મેં કોર્ટની ગરિમા જાળવી જ છે. મારી કારકિર્દીમાં ક્યારેય આવું કર્યું નથી. ‘ઊંચા અવાજે વાત કરવી નહીં’ એવું હું બોલ્યો નથી. જે કેસનાં પેપરની વાત હતી, તે અંતે કોર્ટમાંથી જ મળી આવ્યાં હતાં.