Wednesday, May 15, 2024
More
    હોમપેજગુજરાત‘બંધના કારણે જ જાનહાનિ ટળી’: આરોપો વચ્ચે સરદાર સરોવર ડેમ ઓથોરિટીનું વધુ...

    ‘બંધના કારણે જ જાનહાનિ ટળી’: આરોપો વચ્ચે સરદાર સરોવર ડેમ ઓથોરિટીનું વધુ એક નિવેદન, જણાવ્યું- કેમ 14-15 સપ્ટેમ્બરે દરવાજા નહતા ખોલવામાં આવ્યા

    નિવેદન જણાવે છે કે, “જો આ બંધ બન્યા પહેલાં આ પ્રકારનો કુદરતી પ્રવાહ આવ્યો હોત તો હેઠવાસમાં 21.62 લાખ ક્યુસેક પાણી ધસી ગયું હોત પરંતુ બંધના કારણે જ પૂર નિયંત્રિત કરીને જાનહાનિ ટાળી શકાઈ હતી.” 

    - Advertisement -

    ભરૂચ અંકલેશ્વર પૂરને લઈને એક તરફ જ્યાં વિપક્ષ સરકાર અને ડેમ ઓથોરિટી પર પાણી રોકી રાખવાના અને યોગ્ય વ્યવસ્થાપન ન કરવાના આરોપ લગાવી રહ્યો છે ત્યારે બીજી તરફ સામે પક્ષેથી સતત આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવતી રહી છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) તરફથી ગુરૂવારે (21 સપ્ટેમ્બર, 2023) એક અધિકારીક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરવામાં આવી હતી અને હવે વધુ એક સ્ટેટમેન્ટ આવ્યું છે. 

    આ નિવેદનમાં ઓથોરિટી તરફથી જણાવવામાં આવ્યું છે કે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા પૂર નિયંત્રણ માટે શું પગલાં લેવામાં આવ્યાં હતાં? નિવેદન જણાવે છે કે, “જો આ બંધ બન્યા પહેલાં આ પ્રકારનો કુદરતી પ્રવાહ આવ્યો હોત તો હેઠવાસમાં 21.62 લાખ ક્યુસેક પાણી ધસી ગયું હોત પરંતુ બંધના કારણે જ પૂર નિયંત્રિત કરીને જાનહાનિ ટાળી શકાઈ હતી.” 

    SSNNL દ્વારા જારી કરવામાં આવેલ નિવેદન અનુસાર, નર્મદા કંટ્રોલ ઓથોરિટી હેઠળ નર્મદા કેચમેન્ટ વિસ્તારમાં 44 રેઇનગેજ સ્ટેશન મૂકવામાં આવ્યાં છે, જેની ઉપર નોંધાતા વરસાદના આંકડા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને નિયમિત મળતા રહે છે. 

    - Advertisement -
    સાભાર- સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ

    વરસાદના આંકડા જણાવીને ઉમેરવામાં આવ્યું કે, 4 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી નહિવત કે ઓછો વરસાદ નોંધાયો હતો અને 15 સપ્ટેમ્બરના રોજ 33 સ્ટેશનમાં 3થી 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. 16 સપ્ટેમ્બરના રોજ 17 રેઈનગેજ સ્ટેશનમાં 3થી 12 ઇંચ અને 17મી તારીખે 19 સ્ટેશનોમાં 3થી 15 ઇંચ વરસાદ નોંધાયો હતો. 

    14 અને 15 સપ્ટેમ્બરના રોજ ડેમના દરવાજા કેમ ખોલવાના આવ્યા ન હતા? તે પ્રશ્નનો જવાબ પણ આ નિવેદનમાં મળે છે. જણાવવામાં આવ્યું કે, 11થી 14 સપ્ટેમ્બર દરમિયાન નહિવત વરસાદ અને 15 સપ્ટેમ્બરના રોજ સામાન્ય વરસાદ હોઈ ડેમનું લેવલ નિર્ધારિત લેવલ કરતાં 3.5 મીટર નીચે હોવાથી 14 અને 15 સપ્ટેમ્બરના રોજ દરવાજા ખોલવાનો કોઇ પ્રશ્ન જ ન હતો. 

    એમ પણ જણાવવામાં આવ્યું કે, પહેલી ઓગસ્ટથી લઈને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી રિવરબેડ પાવર હાઉસ ચાલુ રાખી અમુક પાણીનો જથ્થો વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વાપરવામાં આવ્યો હતો, જે પાણી નર્મદા નદીમાં વહી ગયું હતું. જેથી 15 સપ્ટેમ્બરના રોજ 3.5 મીટર જેટલી જગ્યા બાકી રહી હતી, બાકી ડેમ વહેલો ભરાઈ ગયો હોત. 

    સાભાર- સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ

    SSNNL દ્વારા જણાવવામાં આવ્યું કે, ઉપરવાસના ડેમમાંથી છોડવામાં આવતા પાણીના જથ્થાને તેમજ ઇન્દિરાસાગર ડેમ અને સરદાર સરોવર ડેમ વચ્ચેના ફ્રી કેચમેન્ટમાં થતા વરસાદને ધ્યાને લઈને સરદાર સરોવરના દરવાજાનું સંચાલન કરવામાં આવે છે. જેવું 15 સપ્ટેમ્બરના રોજ ઈન્દિરાસાગર ડેમમાંથી 64 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અને આ દરમિયાન જ ભારે વરસાદના કારણે એમપીના ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી હતી કે તરત 16મીની સવારે 10 વાગ્યાથી જ પાણી છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું, જે શરૂઆતમાં 45 હજાર અને ત્યારબાદ ક્રમશ: વધારીને 18 લાખ ક્યુસેક સુધી પાણી છોડવામાં આવ્યું હતું. 

    નિગમ જણાવે છે કે, ડેમના કુશનનો મહત્તમ ઉપયોગ કરીને 21.72 લાખ ક્યુસેક પાણીની આવક સામે 18.72 લાખ ક્યુસેક પાણી છોડીને પૂર નિયંત્રિત કરવામાં આવ્યું હતું અને નીચેના વિસ્તારોમાં શક્ય તેટલું ઓછું પૂર આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં